Abtak Media Google News

મકાનોની કિંમતમાં જીએસટી ઘટાડાની અસર

તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં આગામી ૧ એપ્રિલથી વ્યાજબી આવાસ ક્ષેત્રમાં ઘટાડો કર્યો. અત્યાર સુધી ૪૫ લાખ રૂપિયાથી ઓછી કિંમતોના મકાનો પર ૮ ટકા જીએસટી લાગતો જે ઘટાડી ૧ ટકા કરી દીધો અને તેનાથી વધુની કિંમતોના મકાન પર વર્તમાન ૧૨ ટકામાંથી ઘટાડી ૫ ટકા જીએસટી કરી દીધો. સરકારનો આ નિર્ણયથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાળાનાણામાં (બ્લેક મની) વધારો થવાની શકયતા છે.

Advertisement

આ અંગે રીયલ એસ્ટેટ ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલા જેએમજે પ્રોજેકટસના મયુરઘ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારના રીયલ એસ્ટેટ ક્ષેત્રે જીએસટી ઘટાડાના નિર્ણયથી ઈનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી) બિલ્ડરોને ન મળતા રીયલ એસ્ટેટમાં કાળા નાણાનો વધારો થવાની શકયતા છે. વધુમાં જણાવ્યું કે, જીએસટી હેઠળ બિલ્ડર કન્સ્ટ્રકશન મટીરિયલ્સના બીલની તમામ ફાઈલ આઈટીસી સાથે તૈયાર કરતા પારદર્શક વહિવટ થતો. હવે જીએસટીમાં ઘટાડાથી ગ્રાહકોને ૧ ટકો જીએસટી ચુકવવાનો રહે છે જયારે બિલ્ડર જે કન્સ્ટ્રકશન મટીરિયલ ખરીદે તેને ૧૨ ટકા જીએસટી ચુકવવો પડે છે એટલે બિલ્ડરને ૧૧ ટકાની ખોટ સહન કરવી પડે છે. આ પરિસ્થિતિમાં બાંધકામ મટીરીયલ જે જીએસટી આપી ખરીદાતું તેમાં બીલ વિના ખરીદી વધશે જેથી કાળુનાણું વધી શકે છે.

જયારે બીજી તરફ મકાન ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને ૧ ટકો જીએસટી ચુકવવાનો છે તેની સામે મકાનના ભાવમાં વધારો થશે. જે સરવાળે બંનેને નુકસાન કર્તા છે. મારા મતે સરકારનો જીએસટી ઘટાડાનો નિર્ણય આવકારદાયક છે પણ સામે તેમણે બિલ્ડીંગ મટીરીયલ્સના સ્લેબમાં પણ ઘટાડો કરવો જોઈએ તો જ તે રીયલ એસ્ટેટ ક્ષેત્રને અને મકાન ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને લાભકર્તા સાબિત થશે તેમ અંતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.