Abtak Media Google News

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સવા લાખ ગુણી મગફળીની આવક: ટેકાના ભાવ ૧૦૧૮ સામે   રૂ. ૭૫૦ થી ૯૭૦ સુધીના ભાવે ખરીદી

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસ બાદ ગઈકાલથી મગફળીની પણ આવક શરૂ કરી દેવામાં આવતા મગફળીની રેકોર્ડબ્રેક ૧,૨૫,૦૦૦ ગુણીની બમ્પર આવક થવા પામી છે. મગફળીનાં સરેરાશ ભાવ રૂ.૭૫૦ થી ૯૭૦ સુધીનાં જોવા મળ્યા છે. એકબાજુ લગ્નની સીઝન અને શિયાળુ પાકનાં વાવેતર માટે ખેડુતોને નાણા જરૂરીયાત હોય માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચવા પડાપડી થઈ છે. ચાલુ વર્ષે મેઘરાજાએ શરૂઆતમાં કૃપા વરસાવતા દરેક ખેડુતોને વરસ ફળ્યું હતું પરંતુ અવિરત તેમજ કમોસમી વરસાદનાં કારણે તમામ ખેડુતોને નાના-મોટાપાયે નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો છે. કમોસમી વરસાદથી મગફળી-કપાસ-તલ સહિતનાં પાકોને મોટું નુકસાન પણ થયું છે.

Advertisement

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક છેલ્લા ઘણા દિવસોથી ચાલુ છે. શરૂઆતમાં કપાસની રેકોર્ડબ્રેક બમ્પર આવક થઈ હતી. તેવી જ રીતે ગઈકાલે મગફળીની આવક શરૂ કરી દેવામાં આવતા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક ૧,૨૫,૦૦૦ ગુણીની આવક થવા પામી છે જે આજસુધીની રેકોર્ડબ્રેક આવક છે. સવા લાખ ગુણીની આવક થતા રાજકોટ માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઉભરાયું છે. હાલ લગ્નની સીઝન પણ પુરબહારમાં હોય તેમજ હવે શિયાળા પાકનાં વાવેતર માટે ખેડુતોને નાણાની પણ જરૂરીયાત ઉભી થઈ હોય તેથી નવો પાક વેચવા યાર્ડમાં ખેડુતોની પડાપડી થઈ રહી છે.

7537D2F3 2

કમોસમી વરસાદની વચ્ચે ખેડુતોએ મહામહેનતે પકવેલી મગફળીનાં સરેરાશ ભાવ રૂ.૭૫૦ થી ૯૭૦ સુધીનાં જોવા મળી રહ્યા છે. સારી મગફળીનાં ઉંચા ભાવ તો ઘણા ખેડુતોની પલળેલી મગફળીનાં થોડા ઓછા ભાવ ઉપજી રહ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સરેરાશ મગફળીની ધુમ આવકથી આ વર્ષે યાર્ડ મગફળીથી ઉભરાયું છે.

મગફળીની શરૂઆતમાં જ ભરપૂર આવક હોય ત્યારે આગામી દિવસોમાં પણ મગફળીની સતત આવક ચાલુ રહેવાની શકયતા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હજુ અમુક ખેડુતો જ પોતાની મગફળી વેચાણ અર્થે લાવ્યા છે. ત્યારે આ વર્ષે મોટાભાગના ખેડુતોએ મોટાપાયે મગફળી પકવી હોય જે આવતા યાર્ડ મગફળીથી છલકાશે રાજકોટ જિલ્લાના ખેડુતો આગામી દિવસોમાં મગફળીના સારા ભાવની રાહે વેચાણ કરશે તેથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સતત મગફળીની આવક આવતી રહેવાની શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.