Abtak Media Google News

રાજકોટ, મોરબી અને વાંકાનેરના સીરામીક, જીનીંગ તેમજ મશીનરીના ૨૧ એકમો ઉપર દરોડા પાડયા બાદ જીએસટી વિભાગની કાર્યવાહી: ૮ થી ૧૦ એકમોના બેંક એકાઉન્ટ અને માલ સ્ટોક ઉપર ટાંચ મુકાઈ

 

Advertisement

ચાલુ સપ્તાહે જીએસટી વિભાગે રાજકોટ, મોરબી અને વાંકાનેરના સિરામીક, જીનીંગ તેમજ મશીનરીના ૨૧ એકમો પર દરોડા પાડયા હતા. આ દરોડા બાદ વસુલવા પાત્ર થતાં રૂ.૧૪.૨૪ કરોડના વેરામાંથી રૂ.૪.૫ કરોડની રિકવરી જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ૮ થી ૧૦ એકમોના બેંક એકાઉન્ટ અને માલ સ્ટોક ઉપર ટાંચ મુકવાની આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જીએસટી વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ જીએસટી વિભાગે ચાલુ સપ્તાહ દરમિયાન રાજકોટ, મોરબી અને વાંકાનેર વિસ્તારમાં આવેલા સીરામીક, જીનીંગ તેમજ મશીનરીના ૨૧ જેટલા એકમો ઉપર દરોડા પાડીને મોટી ગોલમાલ પકડી પાડી હતી. આ એકમો બાકી વેરા મામલે રાજકોટ જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલી હતી. તપાસના અંતે વસુલવા પાત્ર થતાં રૂ.૧૪.૨૪ કરોડના વેરામાંથી જીએસટી વિભાગે રૂ.૪.૫૦ કરોડની વસુલાત કરી છે.

નોંધનીય છે કે, ગઈકાલે પણ રાજકોટ જીએસટી વિભાગે આ તપાસના અનુસંધાને એકમો પાસેથી રૂ.૩.૮૦ કરોડની વસુલાત કરી હતી. ઉપરાંત ૮ થી ૧૦ વેપારીઓ એવા છે કે, જેને જીએસટી વિભાગની કાર્યવાહી કરવા છતાં પણ વેરો ભર્યો ન હતો. આ તમામ એકમોના બેંક એકાઉન્ટ અને માલ સ્ટોક ઉપર જીએસટી વિભાગે ટાંચ મુકીને આકરી કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.