Abtak Media Google News

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપોરેટમાં ૩૫ બેસિસ પોઈન્ટનો કર્યો ઘટાડો

ભારતની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને વધુ મજબુત કરવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપોરેટમાં ૩૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. મોંઘવારીનાં લક્ષ્યાંકીત દાયરામાં રહેવા છતાં પણ નિમ્ન થયેલા અર્થતંત્રમાં વધુ તેજી લાવવા માટે રીઝર્વ બેંક દ્વારા દ્વિ-માસિક મોનેટરી પોલીસીની સમીક્ષામાં રેપોરેટમાં ઘટાડો કર્યો છે. જેનાથી ઘર, ગાડી અને પર્સનલ લોન સહિતની તમામ લોન સસ્તી થવાની પણ શકયતા અને સંભાવના સેવાઈ રહી છે. ૩૦ લાખની હોમ લોનનાં હપ્તા પર મહિને ૬૬૨ની બચત થવાની પણ આશા હાલ જોવામાં આવી રહી છે ત્યારે હવે રેપોરેટ ૫.૪૦ ટકાએ આવી ગયો છે જયારે રીવર્સ રેપોરેટ ૫.૧૫ ટકાનો કરાયો છે ત્યારે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકશન એટલે કે જીડીપી જે ૭ ટકા રાખવાનું અનુમાન કરવામાં આવ્યું હતું તેને ઘટાડી ૬.૯ ટકા કરવામાં આવ્યું છે. આરબીઆઈ દ્વારા વારંવાર જે દર ઘટાડવામાં આવી રહ્યા છે તેનું કારણ એ છે કે, ઓટો સેકટરમાં સતત આઠમાં મહિનામાં વેચાણ અને રોજગારી ઘટાડો નોંધાયો છે. એવી જ રીતે નોન બેન્કિંગ ક્ષેત્રને મુશ્કેલીમાંથી ઉગાડવા માટે લોનનું વેચાણ પણ વધારવામાં આવશે. બેંકોનાં એનપીએ ઘટાડવા માટે પણ કયાંકને કયાંક રીઝર્વ બેંક પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને જયારે નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની જે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમીની વાત કરવામાં આવે છે તેને પુરી કરવા માટે પણ આ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરાશે.

Advertisement

ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) બુધવારે રેપો રેટમાં ૩૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો. મધ્યસ્થ બેન્કે સતત ચોથી વાર ધિરાણદરમાં ઘટાડો કરતાં વ્યાજદર નવ વર્ષની નીચી સપાટીએ આવી ગયા હતા. દેશના અર્થતંત્રમાં વિકાસને વેગ આપવા મધ્યસ્થ બેન્કે નીતિ વિષયક દરમાં ઘટાડો કર્યો હતો. હાલમાં ભારતનું અર્થતંત્ર છેલ્લા પાંચ વર્ષના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આરબીઆઈએ આ સાથે દેશની આર્થિક વૃદ્ધિનો અંદાજ અગાઉના ૭ ટકાની સરખામણીમાં ઘટાડીને ૬.૯ ટકા કર્યો હતો. મંદીને કારણે માંગ અને મૂડીરોકાણ પર અસર પડી હોવાથી મધ્યસ્થ બેન્કે દેશની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો હતો. ચાલુ વર્ષે રેપો રેટમાં ૧.૧ ટકાનો ઘટાડો કરી ચૂકેલી મધ્યસ્થ બેન્કે અકોમોડેટિવ સ્ટાન્સ જાળવી રાખ્યું હતું. આરબીઆઈ જે દરે બેન્કોને ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવાય છે.

મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના કુલ છ સભ્યોની સમિતિમાંથી ચાર સભ્યોએ રેપો રેટ ૩૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરીને ૫.૪ ટકા કરવાની તરફેણ કરી હતી. રેપો રેટ એપ્રિલ, ૨૦૧૦ પછીની સૌથી નીચી સપાટીને સ્પર્શી ગયા છે. આરબીઆઈએ ૨૫ બેસિસ પોઈન્ટ્સના ઘટાડાની અપેક્ષા કરતાં રેટમાં વધુ ઘટાડો કર્યો હતો. સમિતિના બાકીના બે સભ્યોએ ૨૫ બેસિસ પોઈન્ટ્સના ઘટાડાની તરફેણ કરી હતી. આ સાથે હવે રિવર્સ રેપો રેટ ઘટીને ૫.૧૫ ટકા થયો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે, એમપીસીને ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો અપૂરતો અને ૫૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો વધુ પડતો હોવાનું જણાતા અમને ૩૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો યોગ્ય લાગ્યો હતો. ૨૦૦૬થી મધ્સ્થ બેન્ક ૨૫ બેસિસ પોઈન્ટ્સ અથવા ૫૦ બેસિસ પોઈન્ટ્સ એ રીતે ધિરાણ દરમાં ફેરફાર કરતી આવી છે. માંગ અને મૂડીરોકાણમાં ઘટાડાએ વિકાસની ગાડીને પાટા પરથી ઉતારી દીધી હતી.

હાલના તબક્કે માળખાગત સુધારાઓની જરૂર છે. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દરમાં વેગ આવે તેવી શક્યતા છે. વૈશ્વિક મંદી અને ટ્રેડ વોરના તણાવને કારણે દેશનું અર્થતંત્ર નરમ રહેવાની ધારણા છે. આર્થિક વૃદ્ધિ દર વધારવા માટે માંગ વધારવા અને ખાસ કરીને ખાનગી મૂડીરોકાણમાં વધારો કરવાના પગલાંની જરૂર જણાય છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતની જીડીપીમાં ૫.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બર-૨૦૧૯ ક્વાર્ટરમાં ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) આધારિત ફુગાવાનો દર ૩.૧ ટકા અને ચાલુ નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ૩.૫-૩.૭ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. એમપીસીની આગામી બેઠક ૧,૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.