Abtak Media Google News

રાજ્ય સરકારની 600 જેટલી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો: નકલી બિયારણ સામે સાવચેત રહેવા પણ કૃષિમંત્રીનો ખેડૂતોને અનુરોધ

આજરોજ યોજાનાર પત્રકાર પરિષદમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યા આવ્યું હતું કે નકલી બિયારણ સામે રાજ્ય સરકાર લડી રહી છે. આ સાથે કૃષિમંત્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે બિયારણ બાદ પાક્કી પહોંચ લેવી જેના દ્વારા નકલી બિયારણ પર રોક લગાવી શકાય છે.

રાજ્ય સરકાર દ્વારા નકલી બિયારણને અટકાવવા માટે નેમ લેવામાં આવી છે. આ સાથે ખેતીવાડી અધિકારી દ્વારા અને જે તે જિલ્લા કલેકટર દ્વારા નકલી બિયારણ અટકાવવા માટે સતત પ્રયત્ન કરી દરોડા પાડી રહ્યા છે. અનેક સ્થળોએ રાજ્ય સરકાર અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં મિલેટનું ઉત્પાદન ઘટતું જાય છે. રાજ્યમાં ઉત્પાદન અને વાવેતર પણ ઘટયું છે. મિલેટના વાવેતર માટે ખેડૂતને સહાય આપવી, વહેંચવા જાય તો પ્રોત્સાહન રૂપે અલગ ભાવ મળે તો ખેડૂતો મિલેટ પાક વેચવા પ્રોત્સાહ થાય તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે. મિલેટ ધાન્ય ખાવાથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે. તેના પ્રચાર અને પ્રસાર માટે પણ સરકાર પ્રયત્ન કરી રહી હોવાનું કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલ દ્વારા જણાવમાં આવ્યું હતું.

કમોસમી વરસાદના પગલે પણ ગુજરાત સરકાર દ્વારા 600 જેટલી ટીમ બનાવીને નુકશાની પર સર્વે કરવામાં આવ્યો હતો. હર એક જિલ્લામાં કલેકટર, ડીડીઓ અને ખેતીવાડી અધિકારી દ્વારા વધુને વધુ સર્વે કરી ખેડૂતોને હેકટર દીઠ વધુ સહાય મળે તે દિશામાં સરકાર કરી રહી છે. આ પત્રકાર પરિષદમાં નવનિયુકત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, સાંસદ રામભાઈ મોકરીયા અને મોહન કુંડારિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ અને રમેશભાઈ ટિલાડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આયોજન મંડળ હેઠળના રૂ.5.5 કરોડના કામોની દરખાસ્ત મંજુર કરતા રાઘવજી પટેલ

જિલ્લાના વિવિધ વિકાસ કામો પારદર્શી રીતે, ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપતા પ્રભારી મંત્રી

રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક  કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં મંત્રી રાઘવજીભાઇ પટેલે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપતા અધિકારીઓને સૂચન કરતા કહ્યું હતું કે,પ્રજાલક્ષી પાયાના વિકાસ કામો પારદર્શી રીતે, ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે સંબંધિત અધિકારીઓએ સુનિશ્ચિત કરવાનુ રહેશે.

રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલ વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત ચાલી રહેલા વિવિધ જોગવાઇઓ હેઠળના વિકાસકામો, બાકી રહેલા તાલુકાઓની નવી દરખાસ્ત તથા હેતુફેર, સ્થળફેર, કામો રદ કરવા આવેલ દરખાસ્તો વગેરે અંગે આ બેઠકમાં પરામર્શ કર્યો હતો. તેમજ જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ હેઠળના કામોની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લાના વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇ હેઠળની વર્ષ 2023-24 માટેના બાકી રહેલા તાલુકાઓની નવી દરખાસ્તો મંત્રીશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેમાં પડધરી તાલુકામાં રૂ.125 લાખના ખર્ચ થનારા 36 કામોની દરખાસ્તોને, કોટડા સાંગાણી તાલુકામાં રૂ.100 લાખના ખર્ચે થનારા 35 કામોની દરખાસ્તોને,  વિછિયા તાલુકામાં રૂ.125 લાખના ખર્ચે થનારા 57 કામોની દરખાસ્તોને, જસદણ તાલુકામાં રૂ.125 લાખના ખર્ચે થનારા 50 કામોની દરખાસ્તોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના રૂ. 152.75 લાખના ખર્ચે થનારા 31 કામોના આયોજન મંજૂર કરાયા હતા.

કલેકટર પ્રભવ જોષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ બેઠકનું જિલ્લા આયોજન અધિકારી જે.કે.બગિયાએ સંચાલન કર્યુ હતું.આ તકે સાંસદ રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારિયા,  ધારાસભ્ય સર્વ ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર,  નગરપાલિકા નિયામક ઘીમંત વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી સર્વ જે.એન.લિખિયા, વિવેક ટાંક,  સંદીપકુમાર વર્મા, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારીમંત્રીએ આરોગ્યની સ્થિતિ અંગે કરી સમીક્ષા

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ મિશન અંગે કલેકટર કચેરી ખાતે મળી બેઠક

કૃષિ અને પશુપાલન મંત્રી તથા  રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આરોગ્ય મિશનની બેઠક યોજાઇ હતી. “નેશનલ હેલ્થ મિશન” અંતર્ગત “ડિસ્ટ્રિક્ટ હેલ્થ મિશન” અંગે કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈએ આરોગ્ય અંગેના રાજ્ય સરકારના લક્ષ્યાંકો માટે નિયત સમય મર્યાદા નક્કી કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો, જેથી આરોગ્યલક્ષી સમગ્ર પરિસ્થિતિનું યોગ્ય વિશ્લેષણ કરી શકાય. આ બેઠકમાં કુપોષિત બાળકો, પાંડુ રોગથી પીડિત મહિલાઓ, અપમૃત્યુના કિસ્સાઓ, કુટુંબ કલ્યાણ, જન્મદર, માતા મૃત્યુદર, સંચારી રોગો, જનની સુરક્ષા યોજના, દવાખાનામાં પ્રસુતિ વગેરે અંગે વિષદ છણાવટ કરવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રીએ આરોગ્ય કેન્દ્રો અને નીતિ આયોગના ઈન્ડિકેટરની કામગીરી, આરોગ્ય યોજનાઓ, આરોગ્ય સંસ્થાના મકાન, સુવિધાઓ અને મહેકમ સહિતના મુદ્દાઓ બાબતે સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ સાધનો અને દવાની ચકાસણી નિયમિતપણે કરવા તેમજ પ્રગતિ હેઠળના વિકાસ કામો ગુણવત્તાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. મંત્રીશ્રીએ કુપોષિત બાળકોમાં પોષણસ્તર વધારી કુપોષણ નાબૂદ કરવા પર ભાર મૂક્યો હતો. કલેકટર  પ્રભવ જોશીએ પોષણસ્તર વધારવા અંગે એક્શન પ્લાન રજૂ કર્યો હતો. અને આરોગ્ય કર્મચારીઓને યોગ્ય કાઉન્સેલિંગ કરવા પર ભાર મૂક્યો હતો.

ચોમાસાની ઋતુ પૂર્વે આરોગ્ય અંગેની યોગ્ય તકેદારીઓ રાખવા, નિયમિત સમયે રોગી કલ્યાણ સમિતિની બેઠકો યોજવા, નવા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા વગેરે અંગે આ બેઠકમાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. હૃદયરોગની સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નિયત હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવા અંગે ધારાસભ્યોએ આ બેઠકમાં રજૂઆત કરી હતી, જે અંગે યોગ્ય કરવા કલેક્ટરએ ખાતરી આપી હતી.

નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચરે આજની બેઠકની રૂપરેખા રજૂ કર્યા બાદ કલેક્ટર પ્રભવ જોશી તથા અન્ય અધિકારીઓએ મંત્રીને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એન.એમ. રાઠોડે રાજકોટ જિલ્લાની આરોગ્ય વિષયક પરિસ્થિતિથી મંત્રી રાઘવજીભાઈને માહિતગાર કર્યા હતા. જિલ્લા આર.સી.એચ. ( રીપ્રોડક્ટિવ ચાઈલ્ડ હેલ્થ) અધિકારી ડો. એમ.એસ.અલીએ નીતિ આયોગના ઇન્ડિકેટરની કામગીરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.