Abtak Media Google News

ઈન્ડસ્ટ્રીયલ ટેકસ સ્લેબ ૨.૫ થી ઘટાડી ૧.૭૫ કરતી સ્ટેન્ડિંગ કમિટી: મોબાઈલ ટાવરના ટેકસ સ્લેબમાં ઘટાડો કરવાની દરખાસ્ત ફગાવી દેતા ઉદય કાનગડ

રૂ.૬.૩૪ કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપતી સ્ટેન્ડિંગ કમિટી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૨૨ પૈકી ૨૧ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જયારે મેરેથોનનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત સુધારા સાથે મંજુર કરાઈ છે. ઈન્ડસ્ટ્રીયલને ટેકસમાં રાહત આપવાની દરખાસ્તને મંજુરીની મહોર મારવામાં આવી છે તો મોબાઈલ ટાવરના ટેકસ સ્લેબમાં ઘટાડો કરવાની દરખાસ્ત ચેરમેન ઉદય કાનગડે ફગાવી દીધી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેમાં ઈન્ડસ્ટ્રીયલ માટે હયાત ટેકસ સ્લેબ જે ૨.૫ છે તે સુધારી ૧.૭૫ કરવાનું રજુ કરાયું હતું. સ્મોલ કેપ ઈન્ડસ્ટ્રીઝ રાજકોટની આગવી ઓળખ બની ગઈ છે. ટેકસ વધુ હોવાના કારણે કેટલાક ઉધોગોએ હજુ સુધી વેરો ભરપાઈ કર્યો નથી. જેની અસર મહાપાલિકાની તિજોરી પર વર્તાઈ રહી છે. આ ઉપરાંત અલગ-અલગ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા પણ ટેકસ સ્લેબમાં સુધારો કરવા માટેની પણ રજુઆત કરવામાં આવી હતી જેના ધ્યાનમાં રાખી ટેકસ સ્લેબમાં સુધારો કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. જેનાથી રાજકોટના હજારો ઉધોગોને ફાયદો થશે અને મહાપાલિકાની ટેકસની આવકમાં પણ વધારો થશે.

તેઓએ ઉમેર્યું હતું કે, કોમ્યુનિકેશન ટાવરના ટેકસ સ્લેબમાં પણ સુધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરાઈ હતી. હયાત સ્લેબ ૫૦ છે જે ઘટાડી ૩૫ કરવાનું સુચવાયું હતું. જો મોબાઈલ ટાવરના ટેકસ સ્લેબમાં સુધારો કરવામાં આવે તો મહાપાલિકાની તિજોરી પર વાર્ષિક સાડા ચાર કરોડ રૂપિયાની અસર થાય તેમ છે.

હાલ મોબાઈલ ટાવર પાસેથી ટેકસ વસુલવાથી રૂ.૧૫ કરોડની આવક થવા પામી છે. જે ટેકસ સ્લેબમાં સુધારો કરતા સીધી ૧૦.૫૦ કરોડે પહોંચી જાય તેમ હતી. આટલું જ નહીં મોબાઈલ કંપની આંતરરાષ્ટ્રીય છે અને ગ્રાહકો પાસે તમામ પ્રકારના ચાર્જની વસુલાત કરી લે છે. આથી આજે સ્ટેન્ડિંગમાં સર્વાનુમતે કોમ્યુનિકેશન ટાવરમાં કોઈપણ પ્રકારનો સુધારો ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે સ્ટેન્ડિંગમાં શહેરના વોર્ડ નં.૧૪માં શેઠહાઈસ્કૂલ સામે પારડી રોડ પર બોકસ ગટર અને સીસી કરવાના કામ માટે રૂ.૩૭.૬૮ લાખ અને વોર્ડ નં.૧૨માં વાવડી ગામતળ પાસે ડ્રાફટ, ટીપી સ્કીમ નં.૧૫ના ૨૪ મીટર પહોળાઈના ટીપી રોડ અને વાવડી ગામ તરફથી કાંગશીયાળી રોડ સુધીના ૨૪ મીટરના ડીપી રોડ પર મેટલીંગ તથા પેવર કામ કરવા માટે રૂ.૨.૮૭ કરોડના ખર્ચ સહિત કુલ ૬.૩૪ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.

પારડી રોડ પરના વોકળામાં રૂ.૩૭.૬૮ લાખના ખર્ચે બોકસ ગટર કરાશે

શહેરના વોર્ડ નં.૧૪માં વર્ષો જુના વોકળાના કારણે રહેવાસીઓએ ગંદકીથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શેઠ હાઈસ્કૂલ સામે પારડી રોડ પર જલજીત રોડ સામેના વોકળા પર બોકસ ગટર અને સીસી કામ કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૩૭.૬૮ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને વોર્ડના અન્ય બે કોર્પોરેટરો કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા દ્વારા વર્ષો જુના પ્રશ્ર્નોનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.

ટુંક સમયમાં વોકળા પર બોકસ ગટર અને સીસી કામ શરૂ થઈ જશે અને રહેવાસીઓને ગંદકી અને મચ્છરોના ઉપદ્રવમાંથી મુકિત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.