Abtak Media Google News

મારો ત્રણ વાતો પર વિશ્વાસ છે; ભગવાન, શ્રુતિ અને યુવાન. આમ, યુવાનને ભગવાન અને શ્રુતિની હરોળમાં મૂકનાર એટલે પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી  પૂજનીય દાદાજી. આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં સન ૧૯૨૦ ના ૧૯ ઓકટોબરના રોજ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના રોહા ગામમાં પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ થયો. બાળપણથી જ સામાજીક ભેદભાવો અને કુરિવાજો માટે ખૂબ વ્યથા અને તેના પરિણામે શરૂ  થયેલ મનોમંથનમાથી જન્મ થયો એક વૈચારિક ક્રાંતિયજ્ઞનો  યોગેશ્વર સ્વાધ્યાય પરિવારનો. આ મહામાનવે કચ્છથી કોલકતા, ઓખાથી આસામ અને કાશ્મીરથી ક્ધયાકુમારી ભ્રમણ કર્યું અને ભારતભરના માનવને પ્રભુપ્રેમની  સમજણ આપી. તે જ રીતે વિશ્વના અનેક દેશોમાં ફરીને ત્યાંના માનવપૂંજોને પણ પ્રભુપ્રેમના વિચારથી પરિચિત કર્યા. આજે સમગ્ર વિશ્વના લાખો- કરોડો લોકો સ્વાધ્યાય ગંગાના ત્રિકાળ સંધ્યા મહામંત્રરૂપી જળમાં સ્નાન કરીને પ્રભુપ્રેમનો અનુભવ કરી રહ્યા છે.

સાંસ્કૃતિક સાધનો પર ચડેલા કાટને સાફ કરી ફરી ચળકતા કરનાર પૂ.આઠવલેજીના જન્મ શતાબ્દી વર્ષની ઘરે-ઘરે ઉજવણી

સત્તા, સંપત્તિ, કીર્તિ અને વિદ્યાને જ સર્વસ્વ માનનાર સમાજને ખબર પણ ક્યાંથી હોય કે, માનવને માનવ હોવાનું, સૂર્ય-ચંદ્ર ને ચલાવનાર વિશ્વંભરના અંશ હોવાનું અને ગૌરવ પણ હોય શકે અને તે એટલે જે આત્મગૌરવ. હૃદયસ્થ ભગવાનની આ સમજણ આવતાં જ વ્યક્તિ પોતાને દીન, દૂબળો, લાચાર કે હલકો ન માનતાં ભગવદઅંશ માણવા લાગે અને આ રીતે ઊભી થાય  આત્મગૌરવની સંકલ્પના. અને એ જ સૃષ્ટિચાલક પ્રભુ અન્યનું જીવન પણ ચલાવે છે તેથી આવે પરસન્માનની ભાવના. આમ, આત્મગૌરવ અને પરસન્માનનું સંકલન એટલે મનુષ્યગૌરવ. આવી મનુષ્યગૌરવની સુસ્પષ્ટ સમજણ આપનાર વેદઋષિ એટલે પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી- પૂજનીય દાદાજી.

માનવજીવનની ત્રણ અવસ્થાઓ એટલે કૌમારમ, યૌવનમ, જરા. બીજા શબ્દોમાં કહીએ તો બાળપણ, યુવાની અને ઘડપણ. અને તેમાંયે જીવનનો સુવર્ણકાળ એટલે યુવાની. પૂજનીય દાદાજીની ભાષામાં કહીએ તો, યુવાની એ જીવનની વસંત છે. આ યુવાની જ્યારે ભોગવાદ, કલ્પતરુવાદ અને ઉપકરણવાદમાં ફસાયેલી દેખાય ત્યારે પૂજનીય દાદાજીએ તેમને પાસે લીધાં, પોતિકા કર્યા અને ડી.બી.ટી. એટલે કે, ડીવાઇન બ્રેઇન ટ્રસ્ટ ના માધ્યમથી યુવાનોમાં જીવન પ્રત્યે એક નવો જ અભિગમ ઊભો કર્યો. હું બની શકું છું કરી શકું છું બદલી અને બદલાવી શકું છું આવા કેન ડૂ ના અભિગમથી યુવાન સંસ્કૃતિનું કાર્ય કરવા લાગ્યો. શેરીનાટક, ગીતાજયંતિ વકતૃત્વ સ્પર્ધા, ધનંજય ક્રીડાસમૂહના માધ્યમથી પોતાની કૃતિ પ્રભુચરણે ધરતો થયો. સાથે જ સ્મૃતિદાતા, શક્તિદાતા અને શાંતિદાતા પ્રભુને સ્મરીને ત્રિકાળ સંધ્યાના ગાનથી પૂજનીય દાદાજીએ યુવાશક્તિને પરાશક્તિ બનાવી. આવી યુવાશક્તિ પર પૂજનીય દાદાજીનો અતૂટ વિશ્વાસ છે. હિમાલયને ચૂર્ણ કરવાની, દુનિયાને બદલવાની અને પ્રભુના ખોળે બેસવાની તાકાત યુવાનોમાં ઊભી થઈ. પ્રભુ રામચંદ્રની વિનમ્રતા, શ્રીકૃષ્ણની વિવેકબુદ્ધિ, નચિકેતાની અડગતા, શિવાજીનું શૌર્ય અને આઈન્સ્ટાઇનની અભ્યાસુવૃતિ યુવાકેન્દ્રના માધ્યમથી યુવાનોમાં જાગૃત થઈ અને તેવી યુવાશક્તિ આજે પૂજનીય દીદીજીના માર્ગદર્શનથી આગળ વધી રહી છે, સાંસ્કૃતિક કાર્યનો ધ્વજ ગામડે ગામડે અને શેરીએ શેરીએ ફરકાવી રહી છે.

Dada 1

યુવાકેન્દ્રના માધ્યમથી તૈયાર થયેલાં આ યુવાનો આજે પોતપોતાના પ્રોફેશનલ ફિલ્ડમાં પણ શ્રીમદભગવદગીતાના સિદ્ધાંત યોગ: કર્મસુ કૌશલમ ને લઈને પ્રામાણિક્તાપૂર્વક કાર્યરત છે. જેમાં ડોક્ટર, શિક્ષક, વકીલ, એંજિનીયર, પ્રોફેસર અને ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. આ યુવાનો સાંસ્કૃતિક ક્રાંતિના અગ્રદૂત બનીને ગામડે-ગામડે ફરી રહ્યાં છે અને ત્રિકાળ સંધ્યા નો પૂજનીય દાદાજી એ આપેલ વિચાર લઈ જઈ રહ્યાં છે. એક નવી જ સદીના મંડાણ આ યુવાનોમાં ચોકકસ રીતે આપણે જોઈ શકીએ છીએ. આજે યુવાકેન્દ્રના નિરાળા માધ્યમથી પૂજનીય દાદાજીએ અક્ષરશ: હજારો અને લાખો યુવાનોમાં આવી નાચિકેત વૃત્તિ નિર્માણ કરી છે. વિશ્વ ચિંતકોએ જ્યારે વર્ષો પહેલાં એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, વિશ્વ જો યુથને મૂરઝાયેલું જુએ તો ક્યાં આશા રાખશે? ત્યારે નિશ્ચિતપણે તેમની આશા યુવાકેન્દ્રના આવા નચિકેતાઓ અને અર્જુનો પર જ ટકી રહેશે.

ઇ.સ. ૨૦૦૦ ની સાલમાં ૧૯ ઓકટોબરે એટલે કે, આજથી બરાબર વીસ વર્ષ પહેલાં પૂજનીય દાદાજીના ૮૦ માં વર્ષ નિમિત્તે અશિતી વંદનામાં નર્મદા-કિનારે ભરુચ જીલ્લાના શુક્લતીર્થ મુકામે અનબિલિવેબલ જ કહી શકાય એવું સાહસ પાંડુરંગી યુવાશક્તિ એ કરી બતાવ્યું,અને તે એટલે પૂજનીય દીદીજીના નેતૃત્વમાં એકસાથે ૪૩,૦૦૦ યુવાનોનું પર્ફોર્મન્સ નૃત્ય કે જેમાં પૂજનીય દાદાજી માટેનો યુવાનોનો ભાવ યુ સેઈડ યુ ડિડ વી વિલ વી વિલ શબ્દો દ્વારા નર્મદા કિનારે ગુંજી ઉઠ્યો હતો. આ વીસ વર્ષ દરમિયાન બે-બે યુવાપેઢીઓ બદલાઈ ગઈ છે પણ એ રણકાર, એ નિર્ઘોષ અને એ સંકલ્પ હજુ અકબંધ છે અને આજે પણ પૂજનીય દાદાજીને જન્મશતાબ્દી વર્ષના પાવન પર્વ પર, મનુષ્ય ગૌરવદિનના નિરાળા અવસર પર આ યુવાપેઢી નતમસ્તક બનીને કહી રહી છે કે,યુ સેઈડ યુ ડિડ વી વિલ વી વિલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.