Abtak Media Google News

ડોકટરે એક મહિનો ચાલવાની મનાઈ કરી હોવા છતાં વોકર લઈને આવેલા ચેરમેને સ્ટેન્ડિંગ લીધી: લીફટ બંધ હોવાનાં કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો: અધિકારીઓને જરૂરી સુચના પણ આપી

સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડને ડાબા પગમાં ફેકચર થયું છે અને પગમાં ગોઠણ સુધી પ્લાસ્ટર છે. તબીબોએ એક મહિના સુધી જમીન પર પગ મુકી ચાલવાની મનાઈ ફરમાવી છે છતાં આજે ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીની બેઠક લેવા માટે વોકર સાથે કોર્પોરેશન કચેરીએ આવ્યા હતા. લીફટ બંધ હોવાનાં કારણે તેઓએ પ્રથમ માળે આવેલી પોતાની ઓફિસ સુધી ચઢવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી છતાં સ્ટેન્ડિંગની બેઠક લીધી હતી અને રૂા.૭.૯૨ કરોડનાં વિકાસ કામોને બહાલી પણ આપી હતી. ચોમાસાની સીઝનમાં રોગચાળો ન વકરે તે માટે અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. સાથોસાથ સફાઈ ઝુંબેશ શરૂ કરવા પણ આદેશ આપ્યો હતો. શરીરની બિમારીને સાઈડમાં મુકી ઉદયભાઈએ જવાબદારીને બખુબી નિભાવતા સર્વત્ર ભારે સરાહના થઈ હતી.

Advertisement

બીપીએમસી એકટનાં નિયમ મુજબ મહાપાલિકામાં દર મહિને એકવાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી ફરજીયાત હોય છે. આજે એક માસ પૂર્ણ થતાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે તેમ હોય ગઈકાલે સેક્રેટરી શાખા દ્વારા એજન્ડા પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ તમામ ૪૧ દરખાસ્તોનો અભ્યાસ કર્યો હતો. આજે એવું માનવામાં આવતું હતું કે, ડાબા પગમાં ફેકચર હોવાનાં કારણે ચેરમેન ઉદયભાઈ કાનગડ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક લેવા આવશે નહીં અને તેઓનાં સ્થાને કમલેશ મિરાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે અને સ્ટેન્ડિંગમાં મંજુરી અર્થે મુકવામાં આવેલી દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે અથવા તમામ દરખાસ્તો પેન્ડીંગ રાખી દેવામાં આવશે.

જોકે સવારે ૧૧ કલાકે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ વોકર સાથે કોર્પોરેશન કચેરીએ આવતા અધિકારીઓ, સ્ટેન્ડિંગનાં સભ્યો અને કોર્પોરેટરો આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા. તાકડે જ લીફટ બંધ હોવાનાં કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પોતાનાં ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓની મદદથી તેઓ મહામુસીબતે પ્રથમ માળે જયાં સ્ટેન્ડિંગ કમિટીનો કોન્ફરન્સ રૂમ આવ્યો છે ત્યાં સુધી પહોંચ્યા હતા. પગમાં ફેકચર છતાં તેઓએ પોતાની જવાબદારી બખુબી નિભાવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક લીધા બાદ તેઓએ સીટી ઈજનેરો, આરોગ્ય અધિકારી અને પર્યાવરણ ઈજનેરને અલગ-અલગ સુચનાઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.