Abtak Media Google News

મોટા મવાથી મુંજકા સુધી કાલાવડ રોડની પહોળાઈ ૩૦થી વધારીને ૪૫ મીટર કરાશે, આણંદપર ગામે નેશનલ હાઈવેથી મહાપાલિકાની હદ સુધીનો મુખ્ય માર્ગ બનાવાશે: ચેરમેન ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મળેલી રૂડાની બોર્ડ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

આજરોજ રૂડાની બોર્ડ બેઠક ઘણા લાંબા સમય બાદ મળી હતી. જેમાં ચેરમેન ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વિવિધ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં માધાપરમાં વધુ બે ટીપી સ્કીમ માટે ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. સાથો સાથ કાલાવડ રોડ ઉપર મોટા મવાથી મુંજકા સુધીના રોડની પહોળાઈ ૩૦થી વધારીને ૪૫ મીટર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રૂડા કચેરી ખાતે આજે રૂડાના ચેરમેન તેમજ મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બોર્ડ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ ૧૯ હેઠળ મોટા મવા ગામથી મુંજકા ગામ સુધીના હયાત કાલાવડ રોડની પહોળાઈ જે હાલ ૩૦ મીટરની છે તેને ૪૫ મીટરમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત માધાપરની ટીપી સ્કીમ નંબર ૩૮/૧ અને ટીપી સ્કીમ નં.૧૧ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂડા હસ્તકના રીંગરોડ-૨, રીંગરોડ જંકશન તથા મહત્વના રસ્તાઓ અને રોડ ફેશ, કોમર્શીયલ પ્લોટમાં જાહેરાત માટેના પબ્લિક હોર્ડીંગ બોર્ડની ભાડાપટે મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે રૂડા વિસ્તારના માધાપર ચોકડી પાસે આવેલા વોકળા પર પાણીના નિકાલ માટે આરસીસી સ્ટોર્મ વોટર ચેનલ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. આણંદનગર ગામે નેશનલ હાઈવેથી મહાપાલિકાની હદ સુધીનો મુખ્ય માર્ગ બનાવવાને પણ મંજૂરી આપવામાં આવી હતી.

બેઠકમાં રૂડા વિસ્તારના મુખ્ય રસ્તાઓ તથા ડીપી રસ્તાઓ પર ડામર કામ તથા સીસીકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત અલગ અલગ ટીપી સ્કીમોમાં ફાળવેલ ગાર્ડન હેતુ માટેના અંતિમ ખંડોના વિકાસ કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નિર્મીત મોટા મવા ટીપી સ્કીમ નં.૧૭ના ફાઈનલ પ્લોટ નં.૮૦માં એસઈડબલ્યુએસએચ-૨ના ૩૫૦ યુનિય અને મુંજકા ટીપી સ્કીમ નં.૯ના ફાઈનલ પ્લોટ નં.૩૩-એમાં એસઈડબલ્યુએસએચ-૨ના ૨૮૦ યુનિટ બનાવવાના અંદાજપત્રકોને વહીવટી મંજૂરી આપવા તથા રૂડા દ્વારા ખર્ચ તથા ફંડની મંજૂર કરવામાં આવ્યો હતો. આવી જ રીતે મોટા મવા ટીપી સ્કીમ નં.૯ના ફાઈનલ પ્લોટ નં.૯-એમાં એસઈડબલ્યુએસએચ-૧ના ૨૮૮ યુનિય અને એસઈડબલ્યુએસએચ-૨ના ૨૦૦ યુનિટ બનાવવાના અંદાજપત્રકને મંજૂરી આપવા તેમજ રૂડા દ્વારા ખર્ચ તથા ફંડની મંજૂર કરવામાં આવ્યો હતો.

આ સાથે રૂડા હસ્તકની ટીપી સ્કીમોના ખુલ્લો પ્લોટો ભાડેથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂડાના ૧૧ માસના કરારી નિમાયેલા સ્ટાફના પગારમાં વધારો પણ મંજૂર કરાયો હતો. તેમજ અન્ય દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.