Abtak Media Google News

માર્કેટ ખુલતાની સાથે ડોલર સામે રૂપિયો 82.33એ પહોંચ્યો, ધીમી ગતિએ રિકવરી શરૂ

રૂપિયો આજે ડોલર સામે ધડામ થઈને નીચે પટકાયો છે.ડોલર સામે રૂપિયાએ પ્રથમ વખત 82નું સ્તર વટાવ્યું છે.માર્કેટ ખુલતાની સાથે ડોલર સામે રૂપિયો 82.33એ પહોંચ્યો હતો. ત્યારબાદ ધીમી ગતિએ રિકવરી દેખાઈ રહી છે.

ભારતીય રૂપિયો નવા લો લેવલ ઉપર પહોંચી ગયો છે. આજે ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 82.33 ના સ્તર પર આવી ગયો હતો..  ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈને કારણે ગુરુવારે રૂપિયો 55 પૈસા ઘટીને 82.17 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચા સ્તરે પહોંચ્યો હતો.  ભારતીય ચલણ ડોલર સામે પ્રથમ વખત 82 પ્રતિ ડોલરના સ્તરની નીચે બંધ થયું હતું.  તેલના આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ અને વ્યાજદરમાં વધારો થવાની આશંકા પણ સ્થાનિક ચલણ પર ભાર મૂકે છે. ત્યારબાદ આજે બજાર ખુલતાની સાથે જ રૂપિયો ધડામ થતો જોવા મળ્યો હતો. ગુરુવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો મજબૂતાઈ સાથે 81.52 ના સ્તરે ખુલ્યો હતો, પરંતુ ડોલરમાં રૂપિયા પર મજબૂત દબાણ જોવા મળ્યું હતું.  ટ્રેડિંગ દરમિયાન, રૂપિયો પણ 81.51ની ઊંચી અને 82.17ની નીચી સપાટીએ જોવા મળ્યો હતો.  અંતે, રૂપિયો પાછલા ટ્રેડિંગ સેશનની સરખામણીમાં 55 પૈસા ઘટીને 82.17 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. અગાઉમંગળવારે રૂપિયો પ્રતિ ડોલર 81.62 પર બંધ થયો હતો.

ડોલરની મજબૂતાઈને પગલે અનેક કરન્સીને અસર

અમેરિકામાં સપ્ટેમ્બર મહિનાનો જોબ ડેટા આજે આવવાનો છે.  આ પહેલા રોકાણકારો ખૂબ જ સાવધ છે.  ડોલર ઇન્ડેક્સ 1 ટકા વધીને 112.26ના સ્તરે પહોંચ્યો છે.  આ વર્ષે અત્યાર સુધીમાં ડોલર ઇન્ડેક્સ લગભગ 17 ટકા ઊછળ્યો છે.  જો કે ગુરુવારે સોનું નીચામાં 1711 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડોલર મજબૂત થઈ રહ્યો છે જેને કારણે અનેક કરન્સીને અસર થઈ રહી છે.

રૂપિયાના અવમૂલ્યનથી આયાત બિલ વધશે

ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અર્થતંત્રને ઘણી રીતે અસર કરે છે.  રૂપિયામાં ઘટાડાથી સરકારનું આયાત બિલ વધશે.  આયાત માટે વધુ ડોલર ચૂકવવા પડશે, જે ચાલુ ખાતાની ખાધ પર પણ અસર કરશે.  મોંઘી આયાતને કારણે કિંમતો વધશે.  ખાસ કરીને ખાદ્યતેલની મોંઘવારી વધી શકે છે.  આ સિવાય ક્રૂડ ઓઈલની આયાત પણ મોંઘી થઈ શકે છે.  આગામી સમયમાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર તેની અસર જોવા મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.