Abtak Media Google News

તરણેતર લોકમેળાની મુલાકાત લઈ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન  અર્ચન કરતાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા અને રમત ગમત રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ : પશુ હરીફાઈના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા

રાજયના પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને રમત-ગમત રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઋષિ પંચમીના પવિત્ર દિને વિશ્વપ્રસિધ્ધ તરણેતરના લોકમેળાની મુલાકાત લઈ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન અર્ચન કર્યું હતુ. આ પ્રસંગે રમત  ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતુ કે, તરણેતરના લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિકસ થકી રાજય સરકારે પ્રાચીન રમતો જીવંત બનાવી છે.

રાજયમંત્રીશ્રીએ વધુમાં કહયું હતું કે, ૨૦૦૪ ના વર્ષમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તરણેતરના લોકમેળામાં ગ્રામ્ય ઓલમ્પિકસની શરૂઆત કરી ગુજરાતના યુવાનોને રમત ક્ષેત્રે આગવી ઓળખ અપાવી છે. તેમણે ઉમેર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં પડેલી વિશિષ્ટ શક્તિઓને ગ્રામિણ ઓલમ્પિકસના માધ્યમથી બહાર લાવવા માટેનો રાજય સરકારનો પ્રયાસ રહેલો છે. ગ્રામિણ ઓલમ્પિકસના માધ્યમ થકી આજે ગુજરાતના ખેલાડીઓ એશીયાડ ગેમ સુધી પહોંચી ગોલ્ડ મેડલ  મેળવતા થયા છે.

રાજયમંત્રીશ્રીએ રાજયમાં પશુપાલનના વ્યવસાયનો વિકાસ થાય અને પશુપાલકો પગભર બને તે માટે રાજય સરકાર કટીબધ્ધ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે તરણેતરના લોકમેળામાં પશુપ્રદર્શન તથા પશુ હરિફાઇનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર પશુપાલકોને રાજય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ભાતીગળ લોકમેળામાં રાજય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનોની જાણકારી મળી રહે તે માટે પ્રદર્શિત કરવામાં આવેલ પ્રદર્શન સ્ટોલનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ તેનો મહત્તમ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

Rural-Olympics-Brought-To-Life-In-Ancient-Sports-At-Swimming-Fair-Minister-Ishwar-Singh-Patel
rural-olympics-brought-to-life-in-ancient-sports-at-swimming-fair-minister-ishwar-singh-patelrural-olympics-brought-to-life-in-ancient-sports-at-swimming-fair-minister-ishwar-singh-patel

આ પ્રસંગે મંત્રીશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પશુ હરિફાઈમાં ચેમ્પીયન ઓફ ધ શો પુખ્ત જાફરાબાદી નર પાડાની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ સાળંગપુરના જાફરાબાદી નર પાડા માટે બી.એ.પી.એસ. ગૌ શાળા ટ્રસ્ટ  સાળંગપુરને રૂપિયા ૫૧,૦૦૦/-, જાફરાબાદી ભેંસની કેટેગરીમાં પ્રથમ આવેલ ભેંસના માલીક રૂડાચ કિશોરભાઇ જેઠાભાઈને રૂપિયા ૨૫,૦૦૦/-, ગીર ગાયની કેટેગરીમાં પ્રથમ આવેલ ગાયના માલીક યુવરાજસિંહ પરમારને રૂપિયા ૨૫,૦૦૦/-, કાંકરેજ સાંઢની કેટેગરીમાં પ્રથમ આવેલ સાંઢ માટે જયબજરંગ સેવા ટ્રસ્ટ ગૌ શાળાને રૂપિયા ૨૫,૦૦૦/- તેમજ બન્ની ભેંસની કેટેગરીમાં પ્રથમ આવેલ ભેંસના માલીક ગાગલ મહેશ લખણાને રૂપિયા ૨૫,૦૦૦/- ના પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મતદારોની ચકાસણી કાર્યક્રમ (ઇ.વી.પી.) અંતર્ગત તરણેતરના લોકમેળામાં શરૂ કરવામાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. તે સમયે જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશે ઇ.વી.પી. અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સપ્ટેમ્બર માસ દરમિયાન હાથ ધરાનાર મતદાર ચકાસણી કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રાએ અને અંતમાં આભારવિધિ શ્રી હામાભાઇ બલીયાએ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયા, કલેકટરશ્રી કે. રાજેશ, પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, પ્રાંત અધિકારીશ્રી ભાવેશ દવે, અગ્રણી સર્વશ્રી શંકરભાઇ વેગડ, કિરીટસિંહ રાણા, વિજયભાઇ ભગત, જગદીશભાઇ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રતાપભાઇ ખાચર, શાહબુદીનભાઇ રાઠોડ, સરપંચશ્રી વનિતાબેન ખમાણી, પદાધિકારી- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.