Abtak Media Google News

રાજકોટમાં કોરાનાની એન્ટ્રી થયાને એક વર્ષ થયું છે, ત્યારે રાજકોટની પંડિત દીનદયાળ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જે કામગીરી થઇ છે તે બિરદાવવાને લાયક છે. કોરોનાના સંક્રમણને નાથવા દર્દીઓનીઉત્તમ સેવા-સુશ્રુષા થકી સરકારી હોસ્પિટલના સમર્પિત ભાવે કાર્યરત ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાએ કોરોનાના એક વર્ષ દરમિયાન અનેક લોકોને નવજીવન બક્ષ્યુ છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમ્યાન રેસીડેન્ટ તબીબો સહિત 162 લોકોને, નર્સીગ સ્ટાફના 146 વ્યક્તિઓને અને અન્ય સ્ટાફના 125 લોકો મળી કુલ 433 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સોને કોરાનાનો ચેપ લાગ્યો. 13 તબીબ દંપતિ પણ સંક્રમિત થયા પણ સાજા થઇને સેવામાં લાગી ગયા. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કહે છે, કોરાનાના અંત સુધી અમે થાકીશુ નહી. દર્દીની સેવા એજ સરકાર, તંત્ર અને તબીબી સ્ટાફનો મંત્ર છે.

એક વર્ષમાં રાજકોડ કોવીડ હોસ્પિટલમાં કોરાના અને શંકાસ્પદ લાગતા લોકોની ઓપીડીની સંખ્યા 48,305ની છે. ઇન્ડોર કુલ 14,996 દર્દીને સારવાર આપવામાં આવી છે. 9,579ને ડીસ્ચાર્જ અને 3,040ને  સમરસ સહિતના કોવીડ કેર સેન્ટરમાં અને ઓછી અસર ધરાવતા લોકોને હોમઆઇસોલેટેડ  કરવામાં આવ્યાહતા.બાકી સિવિલ ઉપરાંત  મહાનગરપાલિકા વિસ્તારની તે સમયની 28 હોસ્પિટલ મળી અત્યાર સુધીમાં 16,500થી વધુ દર્દીઓ કોરાનાથી સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે. નોન કોવીડમાં 6,66,291 દર્દીઓની ઓપીડી નોંધાઇ છે. રાજય સરકારે કોરાનાના કહેર વચ્ચે અન્ય દર્દીઓની સારવાર અટકવા દીધી નથી. અન્ય રોગના રાજકોટ સિવિલમાં 27,445 ઓપરેશનો  અને 6,635 પ્રસુતા બહેનોની ડીલીવરી પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.