Abtak Media Google News

જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભુપતભાઈ બોદર સહિતના આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

તલાટી મંત્રીની હાજરી માટે થમ્બ ઈમ્પ્રેશન, ગ્રામ્ય વિસ્તારોમાં અટલ સરોવર જેવી યોજના અને ન્યારી-2નું પાણી ખેડૂતોને આપવા સહિતની બાબતે સકારાત્મક વલણ

જિલ્લા પંચાયતમાં જવાબદારી મળવાથી ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્ર્નોનું ઝડપી સમાધાન લાવવાનો પ્રયાસ કરીશું તેવું આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા જિલ્લા પંચાયતના નયનિયુક્ત પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું.

તેમણે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી મંત્રીની અગત્યતા અંગે કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના કામ માટે તલાટી મંત્રી હાજર રહેવો જરૂરી છે. માટે અંગુઠાથી હાજરી પુરવાની પધ્ધતિ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સિંચાઈનો પ્રશ્ર્ન પણ ઉકેલાશે. વેકસીન માટે પણ તંત્ર સતર્ક થઈ ચૂકયું છે. હવે આરોગ્ય કેન્દ્રમાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કેન્દ્રની બહાર મંડપ બાંધી ભાજપના કાર્યકરો પણ લોકોને પ્રેરીત કરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જમીન માપણી અને રિ-સર્વેના પ્રશ્ર્નો પણ ઉકેલવા પ્રયાસો થઈ રહ્યાં છે. સરકારની તાકીદ મુજબ જૂની માપણીના પ્રશ્ર્નોનો ઉકેલ થશે ત્યારબાદ નવી માપણી શરૂ કરવામાં આવશે. અત્યારે બિનખેતી માટેના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા માટે ઓનલાઈન પ્રક્રિયા થાય છે. ઓનલાઈન પ્રક્રિયાના કારણે ભ્રષ્ટાચાર અટક્યો છે, હેરાનગતિ ઓછી થઈ છે નો વિશ્ર્વાસ આગેવાનોએ વ્યકત કર્યો હતો.

Dsc 3831 Scaled

વારસાઈ નોંધણી ઝડપી અમલવારી સહિતના પ્રશ્ર્નો બાબતે આગામી સમયમાં મહેસુલને લગતા સેમીનાર-લોક દરબાર યોજાશે તેવી ખાતરી પણ તેમણે મુલાકાત દરમિયાન આપી હતી. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના પ્રવેશને લઈ ચિંતા વ્યકત કરી છે. અમે હેલ્થવર્કરો અને ડોકટરોને સજ્જ રાખ્યા છે, ઈન્ચાર્જ નક્કી કરાયા છે. તેમણે સૌની યોજના અંગે કહ્યું હતું કે, અમે જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે બેઠક કરીશું. આ ઉપરાંત ન્યારી-2નું પાણી ખેડૂતોને મળે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવશે. ગામડાઓમાં અટલ સરોવર જેવો નિર્ણય લેવો પણ શક્ય છે. તેમણે રેન વોટરના હાર્વેસ્ટીંગની મહત્વતા અંગે જણાવ્યું હતું કે, વરસાદી પાણીનું હાર્વેસ્ટીંગ અતિ જરૂરી છે. જેનાથી તળાવના કાયમી પ્રશ્ર્નો ઉકેલાઈ જશે. આ માટે પ્રચાર-પ્રસાર કરવો પડશે.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સ્થિતિ અંગે કહ્યું હતું કે, છેલ્લા 6 થી 8 વર્ષ પહેલા ટેકાના ભાવ ડબલ થવા પામ્યા છે. કોરોના મહામારીમાંથી પણ ખેતીએ જ ઉગાર્યા છે. આ તકે જિ.પં.પ્રમુખ ભુપતભાઈ બોદર, રા.જિ.ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનિષભાઈ ચાંગેલા, ગોવિંદભાઈ રાણપરીયા, અરવિંદભાઈ તાળા, મુકેશભાઈ તોગડીયા (દંડક), પ્રેસ મીડિયા ઈન્ચાર્જ અરૂણ નિર્મળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ગ્રામ્ય વિકાસ માટેની પ્રાથમિકતા

  1. વર્તમાન સમયમાં આરોગ્યને લગતી સુવિધાઓને પ્રાધાન્ય અને ગ્રામ્ય વિસ્તારમાં ઘર-ઘર સુધી આરોગ્ય સેવા માટે સધન વ્યવસ્થા.
  2. ગામડાના ઈન્ફાસ્ટ્રકચરના વિકાસ માટે સરકાર સાથે પરામર્શ કરીને ગુણવત્તાયુક્ત કામગીરી ઉપર ભાર અને સુપરવિઝન
  3. દરેક તાલુકામાં એક મોડેલ શિક્ષણ સંસ્થા બનાવવા માટેના પ્રયત્નો
  4. સિંચાઈ અને ખેતીવાડી વિભાગમાં સ્ટાફની ઘટ પૂરી કરીને ચેકડેમો તથા વોટર મેનેજમેન્ટ ઉપર વિશેષ ધ્યાન.
  5. બાંધકામ વિભાગમાં સ્ટાફની ઘટ પૂરી કરીને નિયત સમયમાં પ્રોજેકટો પુરા થાય તેવી વ્યવસ્થા કરીશું.
  6. ગામડાઓમાં સફાઈ ઝુંબેશ અને ઉકરડા રહીત ગામડું બનાવવા સધન ઝુંબેશ.
  7. સ્વભંડોળ ગ્રાન્ટનો 100% ઉપયોગ
  8. મહિલા અને બાલવિકાસ અંગેના તબક્કાવાર કાર્યક્રમ અને મધ્યાહન ભોજન ગુણવત્તાસભર મળે એ હેતુસર સુપરવિઝન કડક કરવામાં આવશે.
  9. કોવીડની મહામારીમાં ગ્રામ્ય વિસ્તારમાં વેકસીન ઝુંબેશને ઝડપી બનાવીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.