Abtak Media Google News

ડેમનાં ૨૩ દરવાજા ખોલાયા: ૬.૪૭ લાખ કયુસેક પાણીની આવક સામે ૬.૪૫ લાખ કયુસેક પાણીની જાવક: નર્મદા નદી બે કાંઠે: હેઠવાસનાં ૨૩ ગામોને એલર્ટ કરાયા: કલેકટર આઈ.કે.પટેલની લોકોને નદીનાં પટમાં ન જવા સુચના: ડેમ ચાલુ સપ્તાહે જ ઓવરફલો થાય તેવી સંભાવના

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે ડેમની સપાટી ૧૩૬ મીટરને પાર થઈ જતા ડેમનાં ૨૩ દરવાજા ખોલી પ્રતિ સેક્ધડ ૬.૪૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનાં કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. કેવડીયાનો ગોલ્ડન બ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આગામી સપ્તાહે ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ ક્ષમતા સુધી ભરાય જાય તેવી પ્રબળ સંભાવના છે. ડેમનાં ૨૩ દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ૨૩ ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા લોકોને નદીનાં પટમાં ન જવા પણ સુચના આપવામાં આવી છે.

Advertisement

ચાલુ સાલ ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનાં કારણે સરદાર સરોવર ડેમ દિન-પ્રતિદિન ઐતિહાસિક સપાટી હાંસલ કરી રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર રચાતાની સાથે જ નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજુરી આપવામાં આવી હતી. ૨૦૧૭માં ડેમ પર ૩૦ દરવાજા મુકવાની કામગીરી પૂર્ણ થયા બાદ આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ડેમને ૧૩૧ મીટર સુધી ભરવાની મંજુરી આપવામાં આવી હતી. સરદાર સરોવર ડેમની દરવાજા મુકાય તે પહેલાની સપાટી ૧૨૧.૯૨ મીટરની હતી. ગત માસે જ ડેમ ૧૩૧ મીટર સુધી ભરાતાની સાથે જ પ્રથમવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. દરમિયાન નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ટેકનિકલી તપાસ કરાયા બાદ ડેમને પૂર્ણ ક્ષમતા એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવાની મંજુરી આપવામાં આવી હતી. છેલ્લા એક માસથી સતત ડેમમાં પાણીની આવક ચાલુ હોવાનાં કારણે દરવાજા ખુલ્લા રાખી ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો હોય હાલ નર્મદા ડેમમાં પ્રતિ સેકન્ડ ૬.૬૭ લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે ૨૩ દરવાજાઓ ૩ મીટર સુધી ખોલી ડેમમાંથી ૬.૪૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હેઠવાસમાં આવતા ૨૩ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા નદી પણ ૨૫.૨૬ ફુટની સપાટીએ વહી રહી છે. કેવડીયાનો ગોલ્ડન બ્રીજ પરથી પાણી વહી રહ્યા છે. આગામી સપ્તાહે સરદાર સરોવર ડેમ ઓવરફલો થઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.