Abtak Media Google News

રાજકોટને આ વર્ષે મોંઢે માંગ્યા નર્મદાના નીર મળવા મુશ્કેલ

અબતક, રાજકોટ

સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થાય અને ડેમનું દરિયામાં વહી જતું 1 મિલીયન એકર ફીટ પાણી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને આપવાની શરત છે: આ વર્ષે ડેમ જ ભરાયો ન હોય ખેડૂતોના હક્કનું સિંચાઇનું પાણી શહેરીજનોને પીવા માટે આપવું પડશે

રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ સરકારમાં રાજકોટની તાકાત સતત ઘટી રહી છે. ઉનાળાના આરંભે જે શહેરમાં જળ કટોકટી સર્જાવાની દહેશત વર્તાવા લાગી છે. રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર સમક્ષ એક મહિના પૂર્વે સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ આજ સુધી સરકારમાંથી કોઇ જવાબ આવ્યો નથી. બીજી તરફ સૌની યોજનાની પ્રાથમિક શરત એ છે કે સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થયા બાદ તેનું ડેમમાં વહી જતું પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં ઠાલવવું આ વર્ષે ચોમાસાની સિઝનમાં ડેમ જ ઓવર ફ્લો થયો ન હોય રાજકોટને સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી મળશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજ્ય સરકારના પાણી પૂરવઠા મંત્રી અને નર્મદા નિગમના અધિકારીઓ વચ્ચે ટૂંક સમયમાં બેઠક થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરો કે ગામોને નર્મદાના નીર આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. એ વાત નિશ્ર્ચિત છે કે આ વર્ષે રાજકોટને માંગ્યા પાણી નહીં જ મળે.

સૌરાષ્ટ્રના 115 જળાશયોને નર્મદાના નીરથી ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા 2012માં સૌની યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થયા બાદ દરિયામાં વહી જતું એક મિલીયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે, સૌની યોજના અંતર્ગત સિંચાઇ કરતા શહેરી વિસ્તારોને પીવાનું પાણી વધુ માત્રામાં આપવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ રાજ્ય સરકાર સમક્ષ તાજેતરમાં એવી માંગણી કરવામાં આવી છે કે ઉનાળાના દિવસોમાં રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે આજી ડેમમાં 700 એમસીએફટી અને ન્યારી ડેમમાં 350 એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવે આ પત્ર લખાયાની એક મહિનાથી પણ વધુ સમય વિતી ગયો છે છતાં રાજ્ય સરકાર દ્વારા હજી સુધી ક્યારથી નર્મદાનું પાણી આપવામાં આવશે તે અંગે ખૂલ્લાસો કરવામાં આવ્યો નથી. બીજી તરફ સૌની યોજનાનો મુખ્ય ક્રાઇટ એરિયા એ છે કે સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થયા બાદ તેનું ડેમમાં વહી જતું પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં ઠાલવવું. આ વર્ષે ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમ જ ઓવર ફ્લો થયો નથી તો સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના શહેરોને નર્મદાનું પાણી આપવું કે કેમ તેને લઇને રાજ્ય સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ છે.

આ અંગે કોઇ વચગાળાનો નિર્ણય લેવા માટે ટૂંક સમયમાં રાજ્યના પાણી પૂરવઠા મંત્રી અને નર્મદા નિગમના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે. એક વાત ફાઇનલ થઇ છે કે રાજકોટને આ વર્ષે નર્મદાના મોંઢે માંગ્યા પાણી મળશે નહીં. 1050 એમસીએફટીએ માંગણી સામે 700 એમસીએફટી પાણી આપવામાં આવે તેવી શક્યતા પણ હાલ જણાઇ રહી છે. શાસક અને વહીવટી પાંખ એવો ચોક્કસ દાવો કરી રહી છે કે ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રાજકોટને નર્મદાના પાણી મળવા મળશે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આવો કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું મળી રહ્યું છે. સાથોસાથ સરકાર દ્વારા જૂના લેણાંની હવે કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. અગાઉ મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ જ્યારે-જ્યારે પાણીની માંગણી કરતું હતું ત્યારે વિલંબ વિના ડેમોમાં નર્મદાના નીર ઠાલવી દેવામાં આવતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઇ ચુકી છે. વારંવાર હાથ-પગ જોડવા છતાં રાજકોટની માંગણી સંતોષાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.