Abtak Media Google News

જિલ્લાના બદલે હવે તાલુકા કક્ષાએ ડાયાલીસીસ કેન્દ્રો ખુલશે

આવતીકાલે ‘વિશ્વ કિડની દિવસ’ની ગુજરાત સરકારની ‘ભેટ’

કિડનીના દર્દીઓ માટે 50 કિલોમીટરના બદલે હવે 30 કિલોમીટરના અંતરે ડાયાલીસીસ કેન્દ્રોની સવલત ઉભી કરવા કવાયત: બે મહિનામાં જ વાંકાનેર, જામજોધપુર, માંડવી, કલોલ, માણસા, ગાંધીધામ સહિતના તાલુકા મથકોએ ડાયાલીસીસ સવલતો ઉભી થઈ જશે

11 માર્ચ વિશ્વ કિડની દિવસ નિમિતે ગુજરાતના કિડનીના દર્દીઓ માટે ડાયાલીસીસ કેન્દ્રોનું અંતર ઘટાડી સવલત વધારવાની ભેટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે ડાયાલીસીસ કેન્દ્રોની સંખ્યા અને બે ડાયાલીસીસ કેન્દ્રો વચ્ચેનું સરેરાશ અંતર 50 કિ.મી. જેટલું રહેલું છે. કિડનીના દર્દીઓ અને ખાસ કરીને ડાયાલીસીસની નિયમીત આવશ્યકતા ધરાવતા દર્દીઓને અત્યારે ડાયાલીસીસ કરાવવા માટે સરેરાશ વધુમાં વધુ 50 કિ.મી.નું અંતર કાપવું પડે છે. આવા દર્દીને રાહત મળે તે માટે ડાયાલીસીસ કેન્દ્રોની સંખ્યા વધારવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. અમદાવાદની ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડીસીસ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યમાં વધુ ડાયાલીસીસ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકાર સંચાલીત કેન્દ્રોની સંખ્યા અને ક્ષમતા 12 લાખ જેટલી થઈ ચૂકી છે.

આઈકેડીઆરસીના મહાનિર્દેશક ડો.વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે, અત્યારે રાજ્યના 32 જિલ્લાઓમાં 42 જેટલા ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ જીડીપી કેન્દ્રો ચાલી રહ્યાં છે. પરંતુ ડાયાલીસીસની સુવિધા હજુ વિસ્તારવાની જરૂર છે. દર્દીના ઘરથી ડાયાલીસીસ કેન્દ્રોનું અત્યારે સરેરાશ અંતર 50 કિ.મી. છે. સરકાર દ્વારા આ અંતર 50 કિ.મી.થી ઘટાડીને 30 કિ.મી. કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ પરિયોજનાને અમલમાં મુકવા માટે માણસા, કલોલ, માંડવી, ગાંધીધામ, વાંકાનેર, જામજોધપુર, માંડવી (સુરત), વાપી, ગૌત્રી અને આણંદમાં આગામી 2 મહિનામાં જ ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત નવા કેન્દ્રો શરૂ થઈ જશે. ગુજરાતમાં અત્યારે વિનામુલ્યે ડાયાલીસીસ કરવા માટેના 469 જેટલા મશીનોમાં દર મહિને 22500 જેટલા દર્દીઓને નિયમીત ડાયાલીસીસની સેવા આપવામાં આવી રહી છે. અત્યારે ડાયાલીસીસ કેન્દ્રોના માધ્યમથી કિડનીના દર્દીઓની સાર સંભાળ અને સારવાર માટે દર્દીના પરિવારજનોને વીડિયો કોન્ફરન્સીંગથી સુચનાઓ, માર્ગદર્શન કોરોના મહામારીના પગલે આપવામાં આવી રહી છે. સદ્નશીબે અત્યાર સુધી આ વ્યવસ્થા ખુબજ સારી રીતે ચાલી રહી છે. ડો.મિશ્રાએ જણાવ્યું હતું કે, પાંચેક હજાર જેટલા કિડનીના દર્દીઓને કોરોનાના ચેપ લાગ્યા હતા તેમાં પણ ડાયાલીસીસ કેન્દ્રોએ ઉત્તમ સેવા બજાવી હતી.

નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ પ્રો.ડો.વિવેક કુટે જણાવ્યું હતું કે, ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જ્યાં દરેક દર્દી માટે એક વાર જ ડાઈલાઈઝર અને બ્લડ ટયુબનો ઉપયોગ થાય છે. આ માટે પરિવહન ખર્ચ રૂા.300 થાય છે પણ તેનાથી અનેક જિંદગીઓ બચી જાય છે.

ગુજરાતમાં ડાયાલીસીસ કેન્દ્રોની સંખ્યા વિસ્તારીને હવે જિલ્લા કક્ષાના બદલે તાલુકા કક્ષાએ પણ દર્દીઓને ડાયાલીસીસની સુવિધા મળી જાય તે માટે સરકારે ચક્રોગતિમાન કર્યા છે અને આગામી બે મહિનામાં જ તાલુકા કક્ષાએ પણ આ સુવિધાઓ ઉભી થઈ જશે.

સરકારી હોસ્પિટલોમાં ખાનગી ડોકટરોની સેવા લેશે ‘સરકાર’

સરકારી દવાખાના અને જાહેર આરોગ્ય ક્ષેત્રમાં સામાન્ય જનને નિષ્ણાંત તબીબોની સેવાનો મળશે લાભ

નિષ્ણાંત તબીબોની અછત અને આરોગ્ય અસુવિધાઓની સમસ્યાના નિવારણ માટે સરકારે હાથ ધરેલા પ્રયાસો અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં હવે નિષ્ણાંત ખાનગી તબીબોની સેવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે પીપીપીના ધોરણે આરોગ્ય વ્યવસ્થા સુધારવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં તબીબોની પ્રવર્તતી ખેંચ અને ખાસ કરીને બાળ રોગના નિષ્ણાંતોની સરકારી હોસ્પિટલોમાં અછત પ્રવર્તે છે. જેના માટે હવે સરકાર ખાનગી તબીબોને સેવા માટે બોલાવશે. 2020ની સાલમાં સરકારી દવાખાનામાં 58 જેટલા બાળ રોગ નિષ્ણાંતોની નિમણૂંક કરવામાં આવી હતી. ઘણા માનવતાવાદી તબીબો પોતાની સેવા સરકારી હોસ્પિટલોમાં સેવા આપવાની ઈચ્છા રાખતા હતા. તેમને હવે આ સેવાનો લાભ આપવામાં આવશે. 2015માં રાજ્ય સરકારે 141 બાળ રોગ નિષ્ણાંતોની ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી ત્યારે માત્ર છ ડોકટરો આ સેવા માટે તૈયાર થયા હતા. મોટાભાગના નિષ્ણાંત તબીબો પોતાની સ્વાયત પ્રેક્ટિસ કરવા માગે છે. તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના તબીબો 85,000 પ્રતિ મહિનેના પગાર આપવા છતાં પાર્ટ ટાઈમ નોકરી કરવા પણ તૈયાર નથી. સરકારી દવાખાનામાં તબીબોની અછત કોરોના કાળ દરમિયાન વધુ વકરી હતી. આયુષ તબીબોમાં મોટાભાગે આયુર્વેદિક તબીબો પણ 30,000 રૂપિયા આપવા છતાં ધનવંતરી રથની સેવા માટે પણ તૈયાર થતાં નથી. ગુજરાતમાં એમબીબીએસ તબીબોની ઓછી બેઠકોના કારણે આ અછત પ્રવર્તી રહી છે. અત્યારે હવે ગુજરાતમાં 5500 જેટલી મેડિકલ બેઠકો વધી છે ત્યારે ભવિષ્યમાં પુરતા તબીબો મળી જશે. અત્યારે સુધી ખાનગી તબીબોને સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા માટે રાખવામાં આવતા નથી. હવે ખાનગી તબીબોને પણ સરકારી સેવા માટેના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ઘણા ખાનગી તબીબો સમાજ સેવા માટે તત્પર છે. સરકારની આ નવી નીતિથી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોની સેવા ઉપલબ્ધ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.