Abtak Media Google News

રાજ્યના શિક્ષણ વિભાગે સોમવારે સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ માટે ઓફલાઈન પરીક્ષા લેવાની છુટ આપી દીધી છે. ત્યારે કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની બાકી રહેલી પરીક્ષાઓ ઓફલાઈન લેવા તો મંજૂરી આપી છે પરંતુ સાથો સાથ કેટલાંક મહત્વના નિર્ણય પણ જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ મહત્વની બાબત એ છે કે, પરીક્ષાનું આયોજન કરતા પહેલા તમામ યુનિવર્સિટી અને કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓએ વેક્સિન લીધી હોવાનું સુનિશ્ર્ચિત કરવાનું જણાવ્યું હતું. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.8 જુલાઈથી પ્રથમ અને 19 જુલાઈથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થાય છે ત્યારે યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયું છે કે, વેક્સિન ન લીધી હોય તેવા વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વેક્સિન લીધેલા વિદ્યાર્થીને જ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે વેક્સિન નહીં લીધી હોય તે પરીક્ષા આપી શકશે કે કેમ તે અંગે યુનિવર્સિટીઓ દ્વારા કોઈ સ્પષ્ટ કરવામાં આવી નહોંતી. જેને લઈ વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જાહેર કર્યું હતું કે, ખાનગી, સરકારી યુનિવર્સિટીઓ સ્નાતક કક્ષાના ફાઈનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2021 દરમિયાન ઓફલાઈન પરીક્ષા લઈ શકાશે.

પરીક્ષાનું આયોજન કરતા પહેલા દરેક યુનિવર્સિટી અને કોલેજે ફરજિયાત વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક-બિન શૈક્ષણીક કર્મચારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરીને પરીક્ષાર્થીઓના વેક્સિનેશનની વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવાની રહેશે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.8 જુલાઈના રોજ પ્રથમ તબકકાની પરીક્ષા શરૂ થઈ રહી છે જેમાં જે વિદ્યાર્થીએ વેક્સિન નહીં લીધી હોય તેઓને બેસવા દેવા કે નહીં તે મુદે અસમંજસ ચાલતી હતી પરંતુ આજરોજ સૌ.યુનિ.ના કુલપતિ ડો.નિતીન પેથાણીએ સ્પષ્ટતા કરી છે કે, વેક્સિન નહીં લીધી હોય તેવા વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે જેથી વિદ્યાર્થીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.