Abtak Media Google News

દેશભરમાં કોરોનાની વેક્સિન મુકાવવાની કામગીરી ફરી પુરજોશમાં શરૂ થઈ છે. જો કે, ઘણા એવા ગ્રામ્ય વિસ્તાર છે કે, જ્યાં લોકો વેક્સિન મુકાવવા માટે તૈયાર થતા નથી. એકબાજુ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન વધારવાને લઈને અનેક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. જ્યારે બીજીબાજુ ઘણા એવા લોકો છે કે જેઓ વેક્સિન મુકાવવાનું પસંદ કરતા નથી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ વધુને વધુ વેક્સિન મુકાવે તે માટે પ્રોત્સાહનના ભાગરૂપે આગામી પરીક્ષામાં વિદ્યાર્થીઓને વેક્સિન લીધી હોય તેને 5 માર્કસ મુકવાની વિચારણા ચાલી રહી છે. જો કે, સત્તાવાર રીતે આની કોઈ જાહેરાત કરવામાં આવી નથી હજુ ફક્ત વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓ માટે બે મહિના પહેલા કોરોના વેક્સિન કેમ્પનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના કર્મીઓએ કોરોનાની રસી મુકાવી હતી. જો કે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ રસી માટે આગળ આવે અને સમયસર રસી મુકાવે તે માટે યુનિવર્સિટી દ્વારા રાજ્યભરમાં પ્રથમ એવી પહેલ હાથ ધરવામાં આવી છે. આગામી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ રસી  મુકાવી હશે તેઓને 5 માર્કસ વધુ મળશે. આવી વિચારણા ચાલી રહી છે.

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનને લઈ ગુજરાત સરકાર દ્વારા 1200 જગ્યાએ વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં જ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોનું નવું સત્ર શરૂ થયું છે. આ નવા સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કોરોના અને વેક્સિનને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વધુને વધુ વેક્સિન મુકાવે તે માટે હાલમાં વિચારણા ચાલી રહી છે કે, આગામી યુજીના છેલ્લા વર્ષ અને પીજીની જે પરીક્ષા યોજાનાર છે તેમાં જે વિદ્યાર્થીઓએ વેક્સિન મુકાવી હશે તેઓને વધુના 5 માર્કસ આપવામાં આવશે. હાલ આ વિષય વિચાર પર રાખ્યો છે. આગામી સિન્ડીકેટ જ્યારે મળશે ત્યારે આ દરખાસ્ત મુકવામાં આવશે અને ત્યારબાદ આ નિર્ણય મંજૂર કરવો કે નહીં તે નક્કી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.