Abtak Media Google News

ડિજિટલાઈઝેશનની વાત કરતી યુનિવર્સિટીમાં અવાર-નવાર વેબસાઈટનું સર્વર ઠપ્પ: તાત્કાલિક વેબસાઈટ ચાલુ કરવા વિદ્યાર્થીઓની માંગ

ગુજરાતની એકમાત્ર એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અવાર-નવાર વેબસાઈટનું સર્વર બંધ થઈ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. એક બાજુ યુનિવર્સિટી ડિજિટલાઈઝેશન કરીને ડિજિટલ ભારત તરફ આગળ વધવાની વાત કરે છે તો બીજી બાજુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનાં ઓનલાઈન કામમાં વારંવાર મુશ્કેલી સર્જાય છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સવારથી બહારગામથી આવતા વિદ્યાર્થીઓને ડિગ્રી સટીર્ફીકેટ, માઈગ્રેશન સર્ટીફીકેટ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા સહિતની કામગીરીમાં વિદ્યાર્થીઓને વિલંબ પડયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ આજે સવારથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટનું સર્વર ઠપ્પ થતાં હજારો વિદ્યાર્થીઓની કામગીરી ખોરવાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓની સવારથી જ લાંબી કતારો જોવા મળી છે જોકે સર્વર ઠપ્પ થતાં વિદ્યાર્થીઓ બહારે કલાકો સુધી તડકામાં શેકાવુ પડયું હતું. વિદ્યાર્થીઓનાં જણાવ્યા મુજબ અવાર-નવાર યુનિવર્સિટીની વેબસાઈટ બંધ થઈ જતાં બહારગામથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી ધકકા ખાવા પડે છે.અહીંયા આવીને પણ એક પણ કામ પાર પડતા નથી. એકબાજુ યુનિવર્સિટીમાં તમામ કામગીરી ઓનલાઈન કરવાની વાત સતાધીશો કરતા હોય પરંતુ બીજીબાજુ ડિગ્રી સર્ટીફીકેટ કાઢવા માટે પણ ધાંધીયા જોવા મળે છે. આજે સવારથી અમો ૮:૦૦ વાગ્યાનાં તડકામાં શેકાઈ રહ્યા છીએ છતાં પણ ૧:૦૦ વાગ્યે અમારું કામ પાર પડયું નથી. યુનિવર્સિટીમાં કોઈ જવાબ દેવાવાળા અધિકારીઓ પણ હાજર નથી. તાત્કાલિકપણે યુનિવર્સિટીની વેબસાઈટ ચાલુ થાય તેવી અમારી માંગ છે.

આ બાબતે અબતકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, સર્વર અચાનકથી જ ઠપ્પ થઈ જતાં સમગ્ર કામગીરી ખોરંભે ચડી છે. તાત્કાલિકપણે સર્વર ફરી શરૂ થાય અને વિદ્યાર્થીઓની મુશ્કેલી દુર થાય તેવો પ્રયાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.