સાયલા: દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની કેદ

સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવી 

સાયલાનાં યુવક ગામની જ સગીરાને વર્ષ 2016માં લલચાવી. ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં લઈ જઈ સગીરા સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગેનો કેસ મંગળવારે લીંબડી અને સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કોર્ટે  આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂપીયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. સાયલાના એસ.ટી.બસ  સ્ટેશન પાછળ પાનવાડી વિસ્તારમાં રહેતો પ્રકાશ વશરામભાઈ ડાભી તા.30 મે 2016ના રોજ ગામની જ એક સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો.

જેમાં સગીરાના પરીવારજનોએ તા.9 જુન 2016ના રોજ સાયલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ તા. 26 જુલાઈના રોજ આરોપી પોલીસના હાથે ઝડપાયો હતો. જેમાં આરોપી સગીરાને ભગાડીને જામનગર જિલ્લાના જામજોધપુ2 તાલુકાના આંબરડી ગામે લઈ  ગયો હતો. અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ બનાવનો આરોપી પ્રકાશ પકડાયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. ત્યારે આ કેસ મંગળવારે લીંબડી સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો.

જેમાં સરકારી વકીલ વાય.જે.યાજ્ઞીકની દલીલો, 18 મૌખીક અને 30 દસ્તાવેજી પુરાવાના આધારે લીંબડી સ્પેશ્યલ પોકસો કોર્ટના  એમ.કે.ચૌહાણે આરોપી પ્રકાશ વશરામભાઈ ડાભીને તકસીરવાન ઠેરવ્યો હતો. અને કોર્ટે આરોપીને પોકસોની કલમો હેઠળ 10 વર્ષની સખત કેદની સજા અને રૂપીયા 5 હજારનો દંડ ફટકાર્યો  છે. જો આરોપી દંડ ન ભરે તો  વધુ 6 માસની સજાનો પણ ચુકાદામાં ઉલ્લેખ કરાયો છે.