Abtak Media Google News

મજૂરી કામ બાબતે થયેલી માથાકૂટમાં વાડી માલિક સહિતનાઓએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

પડધરી ગામમાં લોટસ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવાનને જૂની અદાવતને કારણે ચાર શખ્સોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક વર્ષ પહેલાં મજૂરીકામ બાબતે થયેલી માથાકૂટમાં વાડી માલિક સહિતના ચાર શખ્સોએ યુવકને મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી જવા પામ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી ગામે આવેલી લોટસ સ્કૂલ પાછળના ઝૂંપડામાં પરિવાર સાથે રહેતો વિનુ કરશનભાઇ નિનામા નામનો યુવાન અલગ અલગ વાડીઓમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિનુ અગાઉ ધવલ વલ્લભ પટેલની વાડીમાં કામ કરતો હતો. ત્યારે એક વર્ષ પૂર્વે મજૂરીકામના મુદ્દે વિનુ અને ધવલ વચ્ચે માથાકૂટ થઇ હતી.

તે દરમિયાન વિનુ બે દિવસ પહેલા તેના પરિવાર સાથે તેના ઝૂંપડે હતો. ત્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી ધવલ પટેલ અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સોએ વિનુના ઝૂંપડે આવ્યા હતા અને વિનુને ઘરની બહાર બોલાવ્યો હતો. વિનુ બહાર જતાની સાથે જ ધવલ પટેલ સહિતનાઓએ ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા ઉશ્કેરાયેલા ધવલ સહિતના શખ્સોએ વિનુને ઢોરમાર માર્યો હતો. માર મારતી વેળાએ વિનુએ બૂમાબૂમ કરી મૂકતા પરિવાજનો ઝૂંપડામાંથી બહાર દોડી આવ્યા હતા. જેથી ધવલ તેના ત્રણ સાગરીતો સાથે ત્યાંથી નાસી ગયો હતો. હુમલામાં વિનુને ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિનુનું ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પડધરી પોલીસ મથકના પીએસઆઇ એમ.એચ. યાદવ સહિતનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો. અને મૃતકના પરિવારની પૂછપરછ બાદ ધવલ પટેલ સહિત ચાર શખ્સ સામે હત્યા, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ એસસીએસટી સેલને સોંપી છે. પરિવારજનોની પૂછપરછમાં મૂળ દાહોદનો વિનુ નિનામા છેલ્લા ચાર વર્ષથી પડધરી ખાતે રહીને મજૂરીકામ કરતો હતો. તેને સંતાનમાં 3 પુત્ર અને એક પુત્રી છે. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.