Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના સુદામડામાં અઢી મહીના અગાઉ ગેરકાયદે  ધમધમતી કાળા પત્થરની ખાણ પર તંત્રે દરોડો કરતા અધધધ કહી શકાય તેવી  કરોડનો ખનીજ ચોરીનું ષડયંત્ર બહાર આવ્યું હતું.તંત્ર દ્વારા આ બાબતે મુખ્ય સુત્રધાર એવા સુદામડાના ગભરુ મોગલ, સોતાજ યાદવ તેનો પુત્ર કુલદીપ તેમજ ભરત વાળા સહિતના શખ્સો પર ગેરકાયદે ખનન, વહન અને વિસ્ફેટકો મળી આવવા બાબતે તે વખતે અલગ ફરિયાદો નોંધાઇ હતી.

અઢી માસ પૂર્વે ઝડપાયેલી કરોડોની ખનીજ ચોરીના સ્થળે ખનન કર્યાનો ઘટ્ટસ્ફોટ

ખાણ વિભાગ અને પોલીસના  દરોડામાં  પાંચ શખ્સોની  ધરપકડ:  સુત્રધાર પોલીસ પકકડથી દૂર

અઢી માસથી પોલીસ પકડથી દુર રહેલા આરોપીઓએ પંદર દિવસ પહેલા દરોડો કરાયેલ ખાણ પર તંત્રનો જાણે કોઇ જ પ્રકારનો ડર ના હોય તેમ ગેરકાયદે એસ્કવેટર મશીન મુકી પત્થરનું ખનન કરવાનું તેમજ વિસ્ફેટકો મંગાવી બ્લાસ્ટિંગ કરી પત્થર કાઢવાનું શરુ કરી દેવાયાની માહિતી મળતા સુરેન્દ્રનગર ખનીજ વિભાગ, પોલીસ દ્વારા  છાપો મારતા ખનીજ ચોરી કરતા પાંચ લોકો ઝડપાઇ જવા પામ્યા હતા. કરોડોની ખનીજ ચોરીનો ગુનો દાખલ થયો હોવા છતાં પણ એ જ સ્થાન પર ફરી ગેરકાયદે ખનનની કામગીરી પર બીજા દરોડામાં પણ આશરે પોણા બે કરોડથી વધુની ખનીજ ચોરી તેમજ ખાણ તથા બરડીયા પરથી જપ્ત કરાયેલ 1.65 કરોડના પાંચ વાહનો સહીત સાડા ત્રણ કરોડથી વધુ રકમનું કારસ્તાન બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

તંત્ર દ્વારા દરોડા સમયે ખાણનો વહીવટ સંભાળતા પૈકીનો એક એવો વેલાળા ગામનો રાજા ભીમશીભાઇ ખટાણા, એસ્કેવેટર મશીનનો ઓપરેટર વિનાયક યાદવ તથા હેલ્પર રુસ્તમ વિનોદ યાદવ, વિસ્ફેટકોથી ડાર ભરવાનું કામ કરતા સુદામડાના રઘા ભાણાભાઇ રુદાતલા અને અજીત કુકાભાઇ રુદાતલા એમ પાંચ ઇસમોને ખોદકામ કરતા પકડી લીધા હતા.

પકડાયેલ આરોપી રાજા ખટાણાની પુછપરછ કરતા ગભરુ સંગ્રામભાઇ સાંબડ ઉફ્ર્ મોગલ, સોતાજ યાદવ, કુલદીપ યાદવ તેમજ ભરત વાળા દ્વારા પંદર દિવસ પહેલા આ ખાણ શરુ કરાઇ હતી. ખનીજ વિભાગે તપાસ કરતા ખાણમાંથી બ્લાસ્ટિંગ કરી, એસ્કવેટર મશીન દ્વારા ગેરકાયદે ખનન કરી 1800 મેટ્રીક ટન પત્થરની ચોરી કરાઇ છે તેમજ અહીંથી કાઢેલો પત્થર આરોપી ગભરુ મોંગલના ન્યુ ક્રિષ્ના તથા ક્રીષ્ના ભરડીયે પાંચ ડમ્પર દ્વારા લઇ જવાયો હતો. બન્ને ભરડીયા પર પડેલ ખનીજની સર્વેયર દ્વારા માંપણી કરાવતા ગેરકાયદેસર નીકાસ કરી રાખેલો 46810 ટન જથ્થો જેની કિંમત આશરે 1.85 કરોડનો મળી આવ્યો હતો.

તંત્ર દ્વારા આરોપી અને ખાણનો વહીવટ કરતા રાજા પાસેથી એક મોબાઇલ જપ્ત કરી તપાસતા તેમાં શુટરો નામનું વોટ્સએપ ગ્રુપ જોવા મળ્યું હતું. સતર સભ્યોના આ સોશ્યલ મીડિયા ગ્રુપ થકી આરોપીઓ ખનીજ, પોલીસ વિભાગના અધિકારી, કર્મીઓના વાવડની આપ લે કરતા હોવાનું જણાતા તે તમામ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો હતો. દરોડામાં ખાણ તેમજ ભરડીયા પરથી એક એસ્કવેચર મશીન,એક ક્રેટા કાર તેમજ પત્થરનું વહન કરવા રાખેલા પાંચ ડમ્પર સાથે કુલ રૂ. 1.65 કરોડના વાહનો પણ સીઝ કરાતા ભુમાફીયા આલમમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.

ફરાર ગભરૂ મોગલ દ્વારા સાહેદોને  ધમકી

સુદામડાના ચકચારી કરોડોના ખનીજ ચોરી પ્રકરણના સુત્રધારોમાંથી એક એવો ગભરુ મોગલ અઢી માસથી પોલીસને હાથ આવતો નથી. પરંતુ તે સુદામડા આસપાસ રહી ખાણનો વહીવટ કરતો હોવાની બીના બહાર આવી છે. સોમવારના દિવસે સાંજના સમયે ગભરુ મોગલ વિરુદ્ધ ખનીજ ચોરી કેસના સાહેદ ભરતભાઇ શીવાભાઇ રુદાતલા તથા તેમના પત્ની જઇ રહ્યા હતા. ત્યારે કાળી એન્ડોવીયર કારમાં ગભરુ મોગલ તેનો ભાઇ વિજય તથા રાજા ખટાણા આવ્યા હતા અને ગભરુએ કહેલ કે કોર્ટમા સાહેદી દેવા ના જતો કહીને માર માર્યો હતો. આ સમયે પત્ની વચ્ચે પડતા તેને પણ એક આરોપીએ ધક્કો મારી પાડી દીધા હતા. આ બનાવના કલાક પહેલા જ ગભરુ દ્વારા તેના વિરુદ્ધ કેસના અન્ય એક સાહેદ અમરશીભાઇ તળસીભાઇ રુદાતલાને પણ માર મારી કોર્ટમા ના જવા ધમકાવ્યા હતા તેમજ કહેલ કે તારી પાસેથી લીધેલી જમીનમાં તારા કુંટુંબીઓ એ મારા પર કેસ કર્યો છે. તો મારા સાઇઠ લાખ આપી દે જે નહીં તો ભડાકો કરી મારી નાખવાની ધમકી આપી હતી.

ખનીજ વિભાગ દ્વારા બે ફરિયાદો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લા ખનીજ વિભાગ દ્વારા મુખ્ય ચાર સુત્રધાર સાથે ઝડપાયેલ પાંચ તેમજ ગેરકાયદે ખાણનો વહીવટ કરતા, ભરડીયાનો વહીવટ કરતા તેમજ મોબાઇલ ગ્રુપ થકી તંત્ર પર નજર રાખવા બાબતે કુલ ચાલીસ લોકો વિરુદ્ધ માઇન્સ એન્ડ મીનરલ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જયારે પોલીસ દ્વારા ડારમાં ભરેલા 2500 કિલો ગેરકાયદે એક્સ્પ્લોસીવ બાબતે મુખ્ય સુત્રધાર, ખાણ સંચાલક, એકસ્પ્લોસીવ મોકલનાર તેમજ વિસ્ફેટકો ભરેલું વાહન લઇ આવનાર ચાલક એમ કુલ દસ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.