Abtak Media Google News
  • યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલવાના ષડયંત્રનો પર્દાફાશ
  • ગુજરાત એટીએસનું નેવી અને એનસીબી સાથે મેગા ઓપરેશન : બોટ સાથે પાંચ પેડલરને દબોચી લેવાયા

Gujarat News : ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જ્થ્થામાં ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એટીએસ, ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં એજન્સીને સફળતા મળી છે. પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલોથી વધારેનો ઐતિહાસિક ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે. ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે.

Whatsapp Image 2024 02 28 At 11.14.08 Am

સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સ પેડલર દ્વારા નશીલા પદાર્થની હેરાફેરી કરવા લ માટે થતો હોય તેવા અહેવાલ સતત પ્રાપ્ત થઇ રહ્યા છે. ફક્ત એક સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં અલગ અલગ બે રેડમાં ડ્રગ્સનો ઐતિહાસિક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઉતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે ત્યાં મંગળવારે ચોક્કસ ટીપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત એટીએસ, નેવી અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. અને તેમને પોરબંદર લાવીને ગત મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી 3300 કિલો ડ્રગ્સ જપ્ત કરાવામાં આવ્યું હોવાની વિગતો છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત એટીએસ તથા એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાતી ઈરાની બોટ પકડી પાડી હતી, જેની તલાશી લેવામાં આવતા તેમાંથી 3300 કિલો કરતાં વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા.

ભારતીય દરિયાઈ સીમા પર ગત મોડી સાંજે દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી), ગુજરાત એટીએસ અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3300 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોર્ડમાં ત્રણ શકમંદો ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા. જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી એટીએસના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું.

પાંચેય પેડલરોને ગત મોડી રાત્રે પોરબંદરમાં ગુપ્ત સ્થળે ખસેડાયા

ઈરાની બોટમાં 3000 કિલો ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચેય પેડલરોને સુરક્ષા એજન્સીઓ દ્વારા મંગળવારની મોડી રાત્રે પોરબંદરના દરિયા કિનારે લઈ આવવામાં આવ્યા હતા. બોટ અને ડ્રગ્સ સાથે પોરબંદર લાવવામાં આવેલા હાથ તમામ પેડલરોને ગુપ્ત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ કિસ્સામાં સંભવત: આજે સુરક્ષા એજન્સીઓ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી અપાશે.

પાંચ દિવસ પૂર્વે જ વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઈન ઝડપાયું’તું

હજુ પાંચ દિવસ અગાઉ જ વેરાવળ બંદરેથી 350 કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો. આ સાથે 9 ખલાસીની ધરપકડ પણ કરાઈ છે. આ જથ્થો મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી પાડયો હતો. એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે. જેથી 50 કિલો હેરોઇનની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે. હાલ એટીએસ સહિત ગીર સોમનાથ એસઓજી, એલસીબી, એફએસએલ અને મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

ડ્રગ્સ પ્રકરણનું પાકિસ્તાન કનેક્શન

દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં એનસીબી સહિતની એજન્સીઓને મોળી સફળતા મળી છે. ચોક્કસ માહિતીના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો, ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે ઝ઼ડપાયેલા પાંચેય ખલાસીઓ પાકિસ્તાનના હોવાનું અને બોટ પણ ઇરાની અથવા તો પાકિસ્તાની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સેટેલાઇટ ફોન સહિતની અન્ય સામગ્રી કબ્જે કરાઇ

ખલાસીઓ પાસેથી સેટેલાઇટ ફોન અને અન્ય ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. ખલાસી પાકિસ્તાનના કયા વિસ્તારના છે અને તે વિસ્તૃત તપાસ બાદ જ સામે આવશે. આ સમગ્ર ઓપરેશન સોમવારે મોડી રાત્રે પાર પાડવામાં આવ્યું હતું.

ચરસની સાથે મોર્ફીન અને મેથાફેટામાઈનનો જથ્થો ઝડપાયો

ડ્રગ્સનો જે જ્થ્થો ઝડપાયો છે તેમાં ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. કુલ 3300 કિલો ડ્રગ્સમાં 3089 કિલો ચરસ, 158 કિલો મેથાફેટામાઈન જયારે 25 કિલો મોર્ફીનનો જથ્થો મળી આવ્યાનું સામે આવ્યું છે. હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.