Abtak Media Google News

જિલ્લા કલેકટર તંત્રએ બન્ને મહત્વના પ્રોજેકટ માટે 10,000 ચો.મી. અને 4000 ચો.મી. જમીન ફાળવી

જેટકો માટે 12 હજાર ચો.મી., જી.સેક. માટે 7.51 લાખ ચો.મી., વેરહાઉસિંગ કોર્પો. માટે 43 હજાર ચો.મી. અને કુમાર છાત્રાલય માટે 5 હજાર ચો. મી. જમીન ફાળવતું કલેકટર તંત્ર

રાજકોટમાં વધુ બે મહત્વના પ્રોજેકટ આકાર લેવાના છે. જેમાં રૈયામાં બીજી પદ્મકુંવરબા હોસ્પિટલ નિર્માણ પામશે. જ્યારે ઘંટેશ્વરમાં માનસિક બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓનું પુન:સ્થાપન ગૃહ બનાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર તંત્રએ જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હોવાનું જિલ્લા કલેકટરે આજે જણાવ્યું છે.

રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે. રાજકોટ શહેરની વસ્તી પણ વધુ હોય તંત્ર દ્વારા એક પછી એક મહત્વના પ્રોજેકટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેવામાં રાજકોટની ભાગોળે બે મહત્વના પ્રોજેકટ ઉપર તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટના રૈયા નજીક બીજી પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેથી રૈયા તથા તેના આસપાસના વિસ્તારના લોકોને જૂની પદ્મકુંવબા તથા સિવિલ હોસ્પિટલ સુધી લંબાવવુ ન પડે. આ પ્રોજેકટ માટે જિલ્લા કલેકટર દ્વારા રૈયા નજીક 10, 000 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હોવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ઘંટેશ્વર નજીક માનસિક બીમારીઓમાંથી સાજા થયેલા પુરુષ દર્દીઓ માટે પુનર્વસન ગૃહ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 4000 ચો.મી. જમીન કલેકટર તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે. હવે અંદાજે દોઢ વર્ષ જેટલા સમયમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ ગૃહ બનાવવાનું કામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે.

વધુમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ વિગતો આપતા જણાવ્યું કે જેટકો દ્વારા ટ્રાન્સમીટર માટે પણ જગ્યા ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને જેટકો માટે ભાડલી, બોરવા અને સરપદડ ખાતે 12 હજાર ચો.મી. જગ્યા ફાળવવામાં આવી છે. આવી જ રીતે જી. સેક. માટે પણ લોધિકા તાલુકામાં 7,51,000 ચો.મી. જગ્યા ફાળવવામાં આવી છે. વેરહાઉસ કોર્પોરેશન દ્વારા પણ રાજકોટ જિલ્લામાં જગ્યા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને પીઠળિયા આસપાસ 43000 ચો.મી. જગ્યા તેને ફાળવવામાં આવી છે.

રૈયા ખાતે કુમાર છાત્રાલય બનાવવા માટે પણ જમીનની માંગણી કરાઈ હતી. જેથી આ છાત્રાલય બનાવવા માટે 5000 ચો.મી. જગ્યા ફાળવવામાં આવી છે. આમ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ છ સરકારી પ્રોજેકટ માટે જમીન ફાળવવાની કામગીરી કરી છે. જેમાની ઘણી જમીન માંગણીની દરખાસ્તો વર્ષો જૂની હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટને વિજયભાઈ રૂપાણીના સાશનકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ પ્રોજેકટ મળ્યા છે. જે નિયત સમયમાં પૂર્ણ થાય તેની તંત્ર દ્વારા દરકાર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત પણ બીજા નવા પ્રોજેકટો માટે તંત્રએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.