Abtak Media Google News

જિલ્લા કલેકટર દ્વારા મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યા એ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રદ કરી આ હોસ્પિટલ રૈયા સ્માર્ટ સિટીમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યાને સિવિલ હોસ્પિટલને સોંપી દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ કલેકટર કચેરીની સામેના ભાગે તથા સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે આવેલી મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યા વર્ષોથી વણવપરાયેલી અને જર્જરીત હાલતમાં હતી.

અગાઉ કોરોનાકાળ વખતે આ જગ્યા ઉપર 100 બેડની હોસ્પિટલ બનાવવાની રાજ્ય કક્ષાએથી જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે અગાઉના  જિલ્લા કલેકટર દ્વારા આ સ્થળે 100 બેડની હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. અહીં આવેલ જર્જરીત ઇમારતો તોડી પાડી મેદાન કરી નાખવામાં આવ્યું હતું.

સિવિલની બાજુમાં જ બીનજરૂરી રીતે હોસ્પિટલનું નિર્માણ કરવાને બદલે અન્યત્ર દૂરની જગ્યાએ ફિલ્ડ હોસ્પિટલનું નિર્માણ કરવાથી આરોગ્ય સેવા સઘન બનશે : ઢેબર સેનેટોરિયમની જગ્યા સિવિલ હોસ્પિટલને સોંપી દેવાશે

જોકે હાલના જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ નિર્ણયને ફેરવી નાખ્યો છે. તેઓના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલની બાજુમાં જ ફિલ્ડ હોસ્પિટલ ઉભી કરવી તેના કરતાં અન્યત્ર દૂરના સ્થળે હોસ્પિટલ ઉભી કરવામાં આવે તો વધુ લોકો આરોગ્ય સેવાનો લાભ લઇ શકે.  તેઓ દ્વારા મનુભાઈ ઢેબર સેનેટોરીયમની જગ્યા ઉપર હોસ્પિટલનું નિર્માણ કરવાનો પ્રોજેક્ટ થોભાવી દેવામાં આવ્યો છે.

હવે આ જગ્યા સિવિલ હોસ્પિટલને સોંપી દેવામાં આવશે. સિવિલ હોસ્પિટલ પોતાની જરૂરિયાત પ્રમાણે આ જગ્યાનો ઉપયોગ કરી શકશે.વધુમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી એ રૈયા સ્માર્ટ સિટી ખાતે આ ફિલ્ડ હોસ્પિટલ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે 8500 ચોરસ મીટર જગ્યા પણ ફાળવવામાં આવી છે.જ્યાં 100 બેડની હોસ્પિટલ તૈયાર થશે આમ રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવા વધુ સઘન બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.