Abtak Media Google News

ભારત સરકાર દ્વારા ૧લી જુલાઈ, ૨૦૧૭ના રોજ જીએસટીને અમલમાં મુકવામાં આવ્યું હતું. ઈન્ડસ્ટ્રી તેમજ જીજેઈપીસીના મંતવ્યો અને સુઝાવો તથા વ્યાપાર ધંધાને પડતી રોજબરોજની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી સરકારે વખતો વખત જ‚ર મુજબ જી.એસ.ટી.ના નિયમોમાં નાના મોટા ફેરફાર કર્યા છે.

આ ફેરફારોની રોજીંદા વ્યવહારોમાં થતી અસરો અને ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જેમ્સ એન્ડ જવેલરી ઈન્ડસ્ટ્રીના વ્યાપારીઓ સુધી પહોંચાડવું અનિવાર્ય હોય તેવા આશયથી ધી જેમ એન્ડ જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશ્ન કાઉન્સીલ, સુરત તેમજ જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટના સહિયારા પ્રયાસથી રાજકોટ ખાતે જી.એસ.ટી. તેમજ કાર્ય ઉત્કૃષ્ટતા જેવા વિષયો પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈકોનોમિક લો પ્રેકટીસ મુંબઈના પાર્ટનર નિશાંત શાહ એ જીએસટી વિષય પર તેમજ કોન્સેપ્ટ બિઝનેસ એકસેલેન્સ પ્રાઈવેટ લીમીટેડ કંપની, બરોડાના ડાયરેકટર નીતલ ઝવેરીએ કાર્ય ઉત્કૃષ્ટતા વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડયું હતું.

ધી જેમ એન્ડ જવેલરી એક્ષ્પોર્ટ કાઉન્સિલના ગુજરાત રીજીયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયા તેમના પ્રાસંગીક ઉદબોધનમાં રાજકોટની જવેલરી ઈન્ડસ્ટ્રીઝમાં રહેલ પોટેન્શિયલ અને તેથી કરીને રાજકોટનું દેશ તેમજ વિશ્વ ક્ષેત્રે રહેલ આગવા સ્થાન વિશે અવગત કરાવ્યા હતા.

દિનેશભાઈ એ શ્રોતાઓને જીજેઈપીસી દ્વારા ગુજરાત ખાતે હાથ ધરાયેલ વિવિધ કામગીરીઓ, કોમન ફેસીલીટી સેન્ટર, એસઆઈડીસી, પરિચય કાર્ડ, કૌશલ્યમ, સ્વાસ્થય રત્ન પોલીસી વિશે માહિતી આપી હતી. નશાંતભાઈ શાહે એ જીએસટી અંતર્ગત જેમ એન્ડ જવેલરી ક્ષેત્રને લગતા નિયમો જેમ્સ એન્ડ જવેલરી માટે જીએસટી હેઠળ ટેકસ માળખુ, જોબ વર્ક માટેની જોગવાઈઓ, પ્રદર્શન સમયે અથવા માર્કેટીંગ માટે માલની આપ લે કે માલ સાથે મુસાફરી સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ઈ વે બીલ, સ્ટોક અને વિવિધ રીટર્ન તેમજ જીએસટી ઓડીટ જેવા વિષયો પર માહિતી આપી હતી.

૩૦૦થી વધુ જેમ્સ એન્ડ જવેલરી એસો.ના સભ્યોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જીએસટીને લગતી મુંઝવણોનો ઉકેલ મેળવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જીજેઈપીસી સંચાલિત અને જેમાં નોલેજ પાર્ટનર તરીકે ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટયુટ સુરત છે તેવા કૌશલ્યમ કાર્યશાળામાં ઉતીર્ણ થયેલ ૪૦ પાર્ટીસીપેટસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર સેમીનારને સફળ બનાવવા માટે જીજેએઆરના જીજ્ઞેશભાઈ લાઠીગરા અને જીજેઈપીસીના રજતભાઈ વાણીએ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.