Abtak Media Google News

નિફટીમાં પણ ૮૮ પોઈન્ટનો તોતીંગ કડાકો: રોકાણકારોમાં ફફડાટ

કેન્દ્રમાં ભાજપની બહુમતી ન મળતી હોવાના સર્વેના તારણના કારણે છેલ્લા ત્રણ દિવસથી ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાઈ છે. આજે સેન્સેકસ ૨૮૦ પોઈન્ટ જયારે નિફટી ૮૬ પોઈન્ટ પટકાતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામ નહીં આવે ત્યાં સુધી બજારમાં મંદીનો માહોલ તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

ભારતીય શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટીમાં સપ્તાહના પ્રારંભ એટલે કે સોમવારથી જ મંદીના મંડાણ સર્જાયા છે. ગઈકાલે પણ બજારમાં દિવસભર ભારે મંદી રહેવા પામી હતી. બન્ને ઈન્ડેક્ષો સતત રેડ ઝોનમાં કામ કરતા રહ્યાં છે. આજે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં કડાકો બોલી ગયો હતો.

સતત ત્રણ દિવસ દરમિયાન સેન્સેકસમાં ઘટાડો નોંધાતા સેન્સેકસે ૩૮૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બે સપ્તાહ પૂર્વે જ સેન્સેકસ ૩૯૦૦૦ ઉપર ટ્રેડ કરતો હતો જયારે પખવાડિયામાં જ ૧૦૦૦થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાતા રોકાણકારોના અબજો રૂપિયાનું રીતસર ધોવાણ થઈ ગયું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સવારે ૧૦:૨૦ કલાકે સેન્સેકસ ૨૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૯૮૮ અને નિફટી ૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૪૧૦ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. રીલાયન્સ ઈન્ડ.માં પણ આજે ૧.૮૫ ટકા જેવો ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.