Abtak Media Google News

સાતમ-આઠમના તહેવારો પહેલા ભાજપ સેન્સની પ્રક્રિયા આટોપી લેશે: બે તબકકામાં દાવેદારોને સાંભળશે

રાજયની છ મહાનગરપાલિકા અને 31 જિલ્લા પંચાયતોના પ્રમુખની મુદત આવતા મહિને પૂણૃ થઇ રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા પ્રથમવાર સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતા સપ્તાહે પ્રદેશના નિરીક્ષકોની ટીમ અલગ અલગ મહાનગર અને જિલ્લામાં જઇ પદાધિકારી બનવા ઇચ્છે તેઓને સાંભાળવામાં આવશે.

Advertisement

સામાન્ય રીતે ટિકીટની ફાળવણી પૂર્વે ભાજપ દ્વારા પ્રદેશના આગેવાનોને જે તે સ્થળે મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પદાધિકારીઓની નિયુકિત કરવા માટે સેન્સ લેવામાં આવતી હોતી નથી. હવે પક્ષ દ્વારા આ વખતે નવી પઘ્ધતિ અપનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જેમાં રાજયની મહાનગરપાલિકા અને જીલ્લા પંચાયતના પદાધિકારીઓની વરણી કરતા પૂર્વે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં પ્રદેશ દ્વારા નિયુકત કરાયેલા નિરીક્ષકોની ટીમ જે તે શહેરમાં નિર્ધારિત કરાયેલી તારીખે રુબરુ જશે અને શહેર અથવા જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે જેમાં મહાપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક બનવા ઇચ્છુકો ને સાંભળવામાં આવશે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા નીરીક્ષકોના નામોની જાહેરાત કરવામાં આવશે અને આ નિરીક્ષકોની ટીમ કંઇ તારીખે કયાં શહેર-જિલ્લામાં સેન્સ લેવા માટે જશે તે તારીખનું એલાન કરવામાં આવશે.

નિરીક્ષકો દ્વારા અલગ અલગ હોદા માટે દાવેદારોને સાંભળવામાં આવશે ત્યારબાદ પોતાની સમક્ષ આવેલા તમામ નામોને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા મેયર અને જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોના નામ ફાઇનલ કરવામાં આવશે. અત્યાર સુધી એવી સિસ્ટમ હતી કે, શહેર કે જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડક, જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના હોદાઓ માટે પ્રબળ દાવેદારો હોય તેવા ત્રણ-ત્રણ કે ચાર.-ચાર નામોની પેનલ બનાવી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવતી હતી સાથો સાથ તમામ કોર્પોરેટરોના નામનું લીસ્ટ પણ પ્રદેશ સમક્ષ રજુ કરી દેવામાં આવતું હતું. દરમિયાન હવે પ્રદેશ દ્વારા આ વખતથી નવી પ્રણાલી શરુ કરવામાં આવી રહી છે. જેમાં પદાધિકારીઓની પસંદગી માટે પણ નીરીક્ષકોને મોકલીને દાવેદારોને સાંભાળવામાં આવશે એકદમ લોક શાહી પ્રણાલીથી નિયુકિત કરવામાં આવશે.

સોમવાર સુધીમાં અલગ અલગ મહાનગરો તથા જીલ્લા માટે નીરીક્ષકોને નિયુકિત કરી દેવામાં આવશે. અને પ્રદેશના નીરીક્ષકો કયારે કયાં શહેર કે જિલ્લામાં સેન્સ લેવા જશે તેની તારીખ પણ જાહેર કરવામાં આવશે. આ નવી સિસ્ટમથી નગરસેવકોમાં પણ નવી આશા ઉભી થવા પામી છે.

અગાઉ પ્રદેશમાં બેઠેલા સ્થાનીક નેતાઓ પોતાના જુથના કાઉન્સીલરોને સાચવી લેવા માટે હોદાની ફાળવણી કરી દેતા હતા. જેમાં સીનીયોરીટી કે લાયકાતને નજર અંદાજ  કરવામાં આવતી હતી. હવે સેન્સે પ્રક્રિયા દરમિયાન પ્રદેશ નીરીક્ષકો દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ દાવેદારની ખામી અને ખુબીઓ રજુ કરવામાં આવશે જેનાથી લાયકાત ધરાવતા નેતાને ખુરશી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.