Abtak Media Google News

છેલ્લા 18 વર્ષથી પાટીદાર સમાજ મેયર પદથી વંચિત

રાજકોટ મહાનગરપાલિકાના 22માં મેયર તરીકે ભાજપ હાઇકમાન્ડ દ્વારા પાટીદાર સમાજની મહિલા પર પસંદગીનું કળશ ઢોળવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહે છે. જ્યારે ડેપ્યૂટી મેયર પદે ક્ષત્રીય સમાજના કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે બ્રહ્મ સમાજ અને શાસક પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજમાંથી આવતા નગરસેવકોની વરણી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. સંભવત: 11 અથવા 12 સપ્ટેમ્બરના રોજ નવા પદાધિકારીઓની વરણી માટે જનરલ બોર્ડની બેઠક મળશે.

ભાજપ દ્વારા છેલ્લા દોઢ દાયકાથી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં મેયર પદ પાટીદાર સમાજને આપવામાં આવ્યું નથી. વર્ષ-2005માં છેલ્લે પાટીદાર સમાજના કદાવર નેતા ધનસુખભાઇ ભંડેરીને મેયર બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 18 વર્ષથી મેયર પદ ઇત્તર સમાજને આપવામાં આવે છે. બીજી તરફ વિધાનસભાની ગત ચૂંટણીમાં શહેરની ચાર બેઠકો પૈકી એક બેઠક પર પાટીદાર સમાજની ટિકિટ કાંપી નાખવામાં આવી હતી. માત્ર દક્ષિણ બેઠક પરથી રમેશભાઇ ટિલાળાને ટિકિટ આપવામાં આવી હતી. વર્ષોથી રાજ્ય સરકારમાં રાજકોટ શહેર અથવા જિલ્લાના પાટીદાર સમાજના ધારાસભ્યને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતો હતો. નવી સરકારમાં રાજકોટ જિલ્લાના બે ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં એકપણ પાટીદાર નથી.

વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજની એક ટિકિટ કાંપી નાખવામાં આવી હોય હવે લોકસભા પૂર્વ બેલેન્સ કરવાની ગણતરી

એક વાત નિશ્ર્ચિત છે કે નવા પદાધિકારીઓની વરણી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. 18 વર્ષથી મેયર પદથી વંચિત પાટીદાર સમાજને લોકસભાની ચૂંટણી પહેલા સાચવી લેવાની ભાજપની વ્યૂહ રચના છે. હાલ મેયર પદ માટે ત્રણ પાટીદાર નગરસેવિકાના નામો ચર્ચાય રહ્યા છે. જેમાં જ્યોત્સનાબેન ટિલાળા, ભારતીબેન પરસાણા અને નયનાબેન પેઢડિયાના નામો ચર્ચાય રહ્યા છે. જ્યોત્સનાબેન છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ રહ્યા છે. આ ઉપરાંત સમિતિના ચેરમેન તરીકેની તેઓની કામગીરી પણ સારી રહી છે. તેઓ ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે.

જ્યારે વોર્ડ નં.18ના કોર્પોરેટર ભારતીબેન પરસાણા પાસે પણ સંગઠન અને વહિવટનો બહોળો અનુભવ છે. તેઓ કોઠારિયા ગ્રામ્ય પંચાયતના સભ્ય તરીકે, રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ખૂબ જ સારી રિતે જવાબદારી નિભાવી ચુક્યા છે. જ્યારે ત્રીજુ નામ નયનાબેન પેઢડિયાનું ચર્ચા છે. તેઓ વર્ષોથી આરએસએસ સાથે સંકળાયેલા છે. સંગઠનમાં પણ તેઓએ ખૂબ જ સારી રીતે કામગીરી કરી હતી. તેઓ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રમુખ પદે પણ જવાબદારી વહન કરી ચુક્યા છે. જો પાટીદાર સમાજને મેયર પદ આપવામાં આવે તો આ ત્રણ નામ સૌથી વધુ પ્રબળ માનવામાં આવી રહ્યા છે.જો ભાવનગર કે જામનગરમાં મેયર પદ પાટીદાર સમાજને આપવામાં આવે તો રાજકોટમાં ફેરફાર થવાની સંભાવના પણ રહેલી છે.

જ્યોત્સનાબેન ટિલાળા, ભારતીબેન પરસાણા અને નયનાબેન પેઢડિયાના નામો ચર્ચામાં: ડે.મેયર પદ ક્ષત્રીય સમાજને, સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ બ્રહ્મ સમાજને અને શાસક નેતાનું પદ ઓબીસી સમાજને આપવાની પક્ષની વિચારણા

ડે.મેયર પદ ક્ષત્રીય સમાજને આપવામાં આવે તેવી શક્યતા હાલ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે ઘણા સમયથી ક્ષત્રીય સમાજને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું નથી. મેયર પદ મહિલા માટે અનામત હોય કોર્પોરેશનમાં સૌથી શક્તિશાળી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ બ્રહ્મ સમાજને આપવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે. જેમાં દેવાંગભાઇ માંકડ, મનિષભાઇ રાડિયા અને જયમીન ઠાકરના નામો ચર્ચાય રહ્યા છે. મેયરની નિયુક્તીના આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બનાવવા તે અંગે નિર્ણય લેવામાં આવશે.

શાસક પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજના કોર્પોરેટરની નિયુક્તી કરવામાં આવે તેવું હાલ મનાય રહ્યું છે. જ્યારે વાત રહી દંડકની તો આ પદ માટે કોઇપણની નિયુક્તી કરી શકાય છે. કારણ કે આ હોદ્ો એટલો બધો મહત્વપૂર્ણ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.