Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં કાલથી વરસાદનું જોર વધશે: દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘાના મંડાણ

વહેલા આગમન બાદ મેઘરાજાએ મોટું ફેરી લેતા જગતાતના ચહેરા પર ચિંતાની લકાર ખેંચાય ગઇ છે. જો કે ખેડુતો માટે લાપસીના આંધણ મૂકાય તેવા હવે ટાઢક આપતા સમાચાર મળી રહ્યા છે, આવતીકાલથી સૌરાષ્ટ્રમાં મેધરાજાનું વધશે આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેધાના મંડાણ થયા છે. વલસાડ-ઉમરપાડામાં સાબેલાધાર સાત ઇંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર જળ બંબાકાર જેવી પરિસ્થિતિનું નિમાર્ણ થઇ ગયું છે. સતત વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્રમાં પણ સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલું છે.

અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે ગમે ત્યારે મેધરાજા કૃપા વરસાવે તેવું વાતાવરણ બન્યું છે.

ગુજરાતમાં આ વર્ષે નૈત્રત્વના ચોમાસાનું વહેલું આગમન થઇ ગયું હતું. અનેક વિસ્તારોમાં વાવણી લાયક કાર્ય આટોપી લીધું હતું. જો કે છેલ્લા દશેક દિવસથી સૌરાષ્ટ્રમાં મેધરાજાએ રૂસણા કર્યા હોવાના કારણે જગતાત ચિંતીત બની ગયો હતો. વાવણી કાર્ય નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. જો કે અષાઢી બીજથી ફરી વરૂણ દેવ સૌરાષ્ટ્ર પર હેત વરસાવે તેવા સુખદ એંધાણ વર્તાય રહ્યા છે. છેલ્લા ર4 કલાકમાં રાજયના 41 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડ- ઉમરપાડામાં અનશધાર સાડા છ ઇંચ જેટલો વરસાદ પડયા બાદ સવારથી ફરી મેધાના મંડાણ થયા હતા. અને વધુ  અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. વલસાડ-ઉમરપાડામાં સાંબેલાધારે સાત ઇંચ જેટલો વરસાદ  વરસી જતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા. અને જળબંબાકાર જેથી સ્થિતિ સર્જાય જવા પામી હતી. સવારથી સતત વલસાડ-ઉમરપાડામાં વરસાદ ચાલુ જ છે.

વલસાડ-ઉમરપાડા ઉપરાંત પારડીમાં અઢી ઇંચ, ભાવનગરના મહુવામાં અઢી ઇંચ, ગરિયાધારમાં બે ઇંચ, વાપીમાં દોઢ ઇચ, હન્સોટમાં સવા ઇંચ, હાલોલમાં સવા ઇંચ, માંગરોળમાં એક ઇંચ, ધરમપુરમાં એક ઇંચ અને ઓલપાડમાં એક ઇંચ વરસાદ પડયો હતો. 41 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા છ ઇંચ  જેટલો વરસાદ આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાકમાં પડયો હતો.દરમિયાન આજે સવારથી ફરી દક્ષિણ ગુજરાતમાં મેધરાજાના મંડાણ થયા છે. નવસારીના ગણદેવીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ઉમરપાડામાં પાંચ ઇંચ, સુરતના માઁગરોળમાં એક ઇંચ, ભીલોડામાં એક ઇંચ અને અંકલેશ્ર્વરમાં એક ઇંચ સહીત સવારથી 37 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં સવારથી વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેધાનું જોર યથાવત રહેશે સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઇ બે થી સાત ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન  વિભાગ દ્વારા આપવામાં આવી છે.

બાંગ્લાદેશમાં પૂર પ્રકોપ 40 લાખ લોકો ફસાયા

બાંગ્લાદેશમાં ચોમાસું તબાહી મચાવી રહ્યું છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 40 લાખથી વધુ લોકો ફસાઈ ગયા છે. ભારે તારાજી વચ્ચે 25 લોકોના મોત થયા છે. શનિવારના રોજ અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં પૂર એ કાયમી સમસ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લાખો લોકોને પૂરનો સામનો કરવો પડે છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, વાતાવરણમાં બદલાવના કારણે વારંવાર પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. પૂરની આગાહી કરવી પણ મુશ્કેલ બની રહી છે. બાંગ્લાદેશના ઉત્તર-પૂર્વ ભાગમાં ગયા અઠવાડિયે અવિરત ભારે વરસાદે સ્થિતિ વધુ ખરાબ કરી છે. રાહત અને બચાવ કામગીરી માટે સેનાને ત્યાં તૈનાત કરવામાં આવી છે. ઘણા લોકો ઘરોમાં ફસાયેલા છે. તેમનો સંપર્ક તૂટી ગયો છે. ઘણી નદીઓ વહેતી થઈ રહી છે. પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને શાળાઓમાં સ્થાપિત રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.