Abtak Media Google News
  • અનરાધાર ખાબકેલા વરસાદના કારણે શહેરભરમાં પાણી-પાણી: લલુડી વોંકળી, રામનાથપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા: અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
  • મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સવારથી ફિલ્ડમાં: વરૂણ દેવે મધરાતે વહાલ વરસાવતા ઓછી હાલાકી: સાવચેતીના ભાગરૂપે તમામ અન્ડરબ્રિજ બંધ કરાયા, બીઆરટીએસ અને સિટી બસ સેવા આંશિક બંધ

સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં મેઘરાજા જે રીતે અનરાધાર હેત વરસાવી રહ્યા છે તેવું હેત રાજકોટ પર વરસાવતા નથી. તેવું રાજકોટવાસીઓનું મ્હેણું ગત મધરાતે વરૂણ દેવે ભાંગી નાખ્યુ છે. મધરાતે શહેરમાં મેઘાના મંડાણ થયા હતા. સવાર સુધીમાં શહેરમાં સુપડાધારે આઠ ઇંચ વરસાદ વરસી જતા સ્માર્ટ સિટી પાણી-પાણી થઇ ગયું હતું. લલુડી વોંકળી, રામનાથપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા.

Img 20220712 Wa0010 1

સલામતીના ભાગરૂપે અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. મેયર ડો.પ્રદિપ ડવ લલુડી વોંકળી વિસ્તારમાં કેડસમા પાણીમાં ઉતર્યાં હતા અને રાહત તથા બચાવ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. સાવચેતીના ભાગરૂપે શહેરના મોટાભાગના અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા. વરસાદી પાણી ભરાવાના કારણે બીઆરટીએસ અને સિટી બસ સેવા પર આંશિક અસર પડી હતી.

સોમવારે દિવસભર ઝરમર-ઝરમર હેત વરસ્યા બાદ મધરાતે રાજકોટમાં મેઘો મન મૂકીને મંડાયો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં શહેરમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે સમગ્ર શહેરમાં જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ જવા પામી હતી. 150 ફુટ રીંગ રોડની બંને બાજુએ આવેલી સોસાયટીમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોર્પોરેશનની ફાયર બ્રિગેડના રેકોર્ડ પર આજે સવારે 8 વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 188 મીમી (મૌસમનો કુલ 563 મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં 138 મીમી (મૌસમનો કુલ 497 મીમી) અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં સૌથી વધુ 201 મીમી (મૌસમનો કુલ 461 મીમી) વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જ્યારે હવામાન વિભાગના રેકોર્ડ શહેરમાં 197.04 મીમી વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન વરસી ગયો છે અને મૌસમનો કુલ 564.2 મીમી વરસાદ પડ્યો છે. હજુ ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

20220712 084449

શહેરમાં મધરાતથી આજે સવાર સુધીમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. લલુડી વોંકળી, રામનાથપરા સહિતના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા. સવારે પણ વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા સેંકડો લોકોનું સલામત સ્થળે કોર્પોરેશન દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદમાં શહેરના અન્ડરબ્રિજ સ્વિમીંગ પુલમાં ફેરવાઇ જાય છે.

મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે મહિલા કોલેજ અન્ડરબ્રિજ, આમ્રપાલી અન્ડરબ્રિજ, પોપટપરાનું નાલું અને રેલનગર અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા. અહીં પંપ મૂકી વરસાદી પાણી ઉલેચવામાં આવી રહ્યા છે. બ્રિજમાંથી પાણી ક્લિયર થતાંની સાથે ફરી વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવશે. સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા પણ આંશિક બંધ છે.

Img 20220712 Wa0043

શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છેે. ભારે વરસાદના કારણે શહેરમાં સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

150 ફૂટ રીંગ રોડ પરની મોટાભાગની સોસાયટીઓમાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોર્પોરેશનના કોલ સેન્ટર પર વરસાદી પાણી ભરાયાની ફરિયાદોનો ધોધ છૂટ્યો છે. ભારે વરસાદમાં કોઇ ખાનાખરાબી ન સર્જાય તે માટે મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સવારથી ફિલ્ડમાં ઉતરી ગયા છે. નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદના પાણી ભરાયા ત્યાં હાલ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે.

Img 20220712 Wa0126

  • રાજકોટ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ
  • રાજકોટ શહેર ઉપરાંત જેતપુર, પડધરી, ઉપલેટા અને જસદણમાં વરસાદ

Rain Monsoon 10

રાજકોટ જિલ્લામાં ગત મધરાતે અનરાધાર વરસાદ પડ્યો હતો. ઝાપટાથી લઇ આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દરમિયાન આજે સવારથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકના સમયમાં રાજકોટ સિટીમાં 3॥ ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જેતપુર અને પડધરીમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ જિલ્લામાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. જિલ્લાના અનેક જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. શહેરની ભાગોળે આવેલું લાલપરી તળાવ પણ ઓવર ફ્લો થઇ ચુક્યું છે. ન્યારી-2 ડેમના ચાર દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જ્યારે 6 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે.

  • નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો

Untitled 1 129

ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમમાં પ્રતિ સેક્ધડ 17,750 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 117.17 મીટરે પહોંચી જવા પામી છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે નર્મદાના ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. મેઘરાજાએ મહેર કરતા જળ વૈભવ વધી રહ્યો છે.

  • કેબિનેટ બેઠક રદ્: પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં સતત એલર્ટ રહેવા આદેશ

Whatsapp Image 2022 07 11 At 8.38.21 Pm

દર મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળતી રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠક આજે ભારે વરસાદના કારણે રદ્ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેવડિયા ખાતે ધારાસભ્યો અને સંસદ સભ્યોની જે બેઠક મળવાની હતી તે પણ રદ્ કરી દેવામાં આવી છે. આટલું નહિં તમામ પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં સતત એલર્ટ રહેવા માટે મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય રાજ્યભરમાં વહિવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અથવા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.