Abtak Media Google News

અબતક, કોલકતા

અહીં શુક્રવારે રમાયેલી એક એક્ઝિબિશન મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના આકોનિક પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ટ્રેડમાર્ક ઓફસાઇડ ડ્રાઇવ્ઝ અને સ્ટેપ આઉટ થઈ લગાવેલા જોરાદર શોટ્સની આતશબાજી જોવા મળી હતી, પરંતુ બીસીસીઆઇ પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ જય શાહના નેતૃત્વ હેઠળની સેક્રેટરી ઇલેવન સામે એક જ રનથી હારી ગઈ હતી.ઇડન ગાર્ડન ખાતે યોજાયેલી 15 ઓવરની આ મેચ બોર્ડની એજીએમની આગલી સાંજે યોજાઈ હતી અને આ મેચ ખૂબ જ યાદગાર બની રહી હતી.

મેચ ફિનિશરની ભૂમિકા નિભાવતાં ગાંગુલી છઠ્ઠા નંબરે બેટિંગમાં આવ્યા હતા અને માત્ર 20 બોલમાં 35 રનની આતશબાજીમાં તેમણે બે સિક્સ અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. મેચના નિયમ મુજબ તેમણે રિટાયર થઈ જવું પડ્યું હતું અને તેમની ટીમ વિજયથી માત્ર એક જ રન દૂર રહી ગઈ હતી.ગાંગુલીના હોમગ્રાઉન્ડ ખાતે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ મેચના સ્ટાર પુરવાર થયા હતા અને તેમણે ઠંડાગાર ડિસેમ્બરની સાજે 128 રનનો પીછો કરતી પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ સામે સાત ઓવરની ફાસ્ટ બોલિંગમાં 58 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. જય શાહે ઝડપેલી વિકેટમાં ઇડન ગાર્ડનના એક સમયના ફેવરિટ બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે જેઓ માત્ર બે રનના અંગત સ્કોર પર લેગ બિફોર થયા હતા. શાહે ગોવા ક્રિકેટ એસોસિયેશનના સુરજ લોટલીકરને પણ આઉટ કર્યા હતા.જ્યારે શાહે ઝડપેલી ત્રીજી વિકેટ ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળના પ્રેસિડેન્ટ અવિષેક દાલમિયાની હતી, જેઓ ઓપનિંગ બેટિંગ કરવા આવ્યા હતા અને માત્ર 13 રન બનાવી શાહની વધુ એક ઓવરના પહેલા જ બોલે આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ કોલકતા શહેરના સૌથી વિખ્યાત પુત્ર ગાંગુલી બેટિંગ કરવા આવ્યા અને તેમણે પોતાની આગવી શૈલીમાં ડ્રાઇવ તથા ઓફ સાઇડ પર કટ મારવાનું શરૂ કર્યું હતું. તેમણે સ્ટેપઆઉટ થઈને લગાવેલા પોતાના ટ્રેડમાર્ક શોર્ટ થકી બે વાર બોલને ગ્રાઉન્ડની બહાર મોકલી દીધો હતો.અગાઉ, બીસીસીઆઇ સેક્રેટરી ઇલેવને ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું અને અરુણ ધુમલ (36) અને જયદેવ શાહ (40)ની 92 ભાગીદારીની મદદથી ત્રણ વિકેટ ગુમાવીને કુલ 128 રનનો જુમલો ખડક્યો હતો. ગાંગુલીએ તેમની ત્રણ ઓવરમાં 10 રન આપીને એક વિકેટ ઝડપી હતી, જેમાં તેમણે પ્રવીણ અમીનને આઉટ કર્યા હતા. જ્યારે અઝહરુદ્દીને બે ઓવરમાં આઠ રન આપી હતી. તેઓ એકપણ વિકેટ ઝડપી શક્યા નહોતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.