Abtak Media Google News

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ભગવો લહેરાયો છે, તો ગુજરાત તો નરેન્દ્રભાઇ મોદીની જન્મ-કર્મભૂમી છે: ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક

સૌરાષ્ટ્ર ઝોન પછી મધ્ય ગુજરાત ઝોનના પેઇજ પ્રમુખ, બૂથ કમિટીઓના કાર્યકરોની જંગી મેદનીથી ઉત્સાહિત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ૧૫૦ પ્લસ ટાર્ગેટને હાંસલ કરવા માટે અનેક મુદ્દાઓ, દ્રષ્ટાંતો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. શાહે સ્પષ્ટ કર્યું કે, જો કેન્દ્રમાં ત્રણ વર્ષના ગાળામાં ભાજપ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વિજયનો અશ્વમેઘ ફેરવ્યો છે ત્યારે ગુજરાત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ, કર્મભૂમિ છે, એમણે પોતાનું જીવન પક્ષ અને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે ત્યારે આપણે ૧૫૦ પ્લસ બેઠકોનો વિજય મેળવી ઋણ ચૂકવવાનું છે ત્યારે એમાં એકપણ બેઠક ઓછી નહીં ચાલે !

નડિયાદમાં કાર્યકરોના આત્મવિશ્વાસમાં વધારો કરતાં રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, કોઇ ચૂંટણી એમને એમ જીતાતી નથી. બૂથ અને પેઇજ પ્રમુખો, કાર્યકરોના પરિશ્રમથી જ જીતાય છે ભાજપના એજ માલિક છે. આ બૂથ અને પેઇજ પ્રમુખ પ્રત્યેકે પચાસ પરિવારને સાચવવાનો છે એમને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોની કામગીરીની વાત કહેવાની છે. મતદાન કરાવવાનું છે. તેમણે કહ્યું કે, ૧૯૯૫થી ગુજરાતમાં ભાજપ તમામ ચૂંટણી જીતતો આવ્યો છે કેમ કે જનતા કોંગ્રેસના કુશાસનને ભૂલી નથી. કોંગ્રેસના શાસનમાં ગામડાઓમાં વીજળી, પાણીની તંગી હતી. આણંદ, ખેડામાં ખેડૂતોના ઊભા પાકને કાપી લેવાતો હતો.

ગુજરાતના મુખ્યપ્રધાનો માધવસિંહ સોલંકી હોય કે અમરસિંહ ચૌધરી હોય દિલ્હીમાં એમને સાત સાત દિવસ સુધી એપોઇન્ટમેન્ટની રાહ જોવી પડતી હતી. તેમણે સરદાર સાહેબના સ્વપ્ન સમાન નર્મદા યોજનાનો દાખલો આપતા કહ્યું કે, જવાહરલાલ નહેરુએ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ પછી કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસનું શાસન હતું. પરંતુ નર્મદા યોજના આગળ વધારી ન હતી. ભાજપની સરકાર આવી પછી કામ શરૂ થયું. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા પછી કોંગ્રેસે અવરોધો ઊભા કર્યા ત્યારે ૫૧ દિવસના ઉપવાસ કરી કેન્દ્રની કોંગ્રેસ સરકારને ઝૂકાવી બંધની ઊંચાઇ વધારવાની મંજૂરી મેળવી હતી. આ પછી પણ કોંગ્રેસે ગુજરાતમાં ભાજપ અને મોદી મોટા ન થઇ જાય, જસ ન ખાટી જાય એટલે ડેમ ઉપર દરવાજા મુકવાની મંજૂરીની ફાઇલ સાત સાત વર્ષ સુધી દબાવી રાખી હતી, પરંતુ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સરકાર બની એના ૧૭ દિવસમાં જ ડેમ પર દરવાજાની મંજૂરી આપી હતી.

તેમણે ઉમેર્યું કે, એ વખતે ગુજરાતમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે પળનો વિલંબ કર્યા વગર કામ શરૂ કરાવ્યું અને હમણાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યપ્રધાનો સાથે સંવાદ કરી ગેઇટ બંધ કરવાની મંજૂરી વડાપ્રધાને અપાવી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડેમ પરના ગેઇટ બંધ કર્યા છે. આમ છતાં રોડાં નાખવા કોંગ્રેસના નેતા વિસ્થાપિતોના નામે કાગારોળ કરવા ગયા હતા. કોંગ્રેસે હવે આનો જવાબ આપવાનો છે. કોંગ્રેસે એમના કુશાસનનો જવાબ આપવાનો છે. ભાજપના કોઇપણ પાંચ વર્ષના શાસનનો હિસાબ કાઢો અને કોંગ્રેસના પાંચ વર્ષના શાસનનો હિસાબ કાઢો, ખબર પડશે કે કોણે ગુજરાતનો વિકાસ કર્યો છે. મોદી સરકારે ગુજરાતના વિકાસને નવા શિખર સુધી પહોંચાડ્યો એની સાથે હવે ત્રણ વર્ષના કેન્દ્રના શાસનમાં ગુજરાત માટે તો મોસાળમાં જમણ ને મા પીરસનાર જેવું છે. યુવાનો, ખેડૂતો, મહિલા, પછાત અને ગરીબો માટે ૧૦૬ યોજનાઓ લાગુ કરી છે એટલે એકપછી એક રાજ્યોની ચૂંટણી ભાજપ જીતતો આવ્યો છે. ત્યારે ગુજરાત તો નરેન્દ્ર મોદીનું છે આપણે ૧૫૦ પ્લસ બેઠકથી ઓછી એકપણ બેઠક ચાલશે નહીં.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કાર્યકરોને સંકલ્પબધ્ધ કરતાં જણાવ્યું કે, આપણી પાસે નરેન્દ્રભાઇ અને અમિતભાઇ જેવું સબળ નેતૃત્વ છે. દેશભરની જનતાનો ભરોસો અને પ્રેમ મળી રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતના કાર્યકરોએ પ્રત્યેક બૂથમાંથી કોંગ્રેસને મૂળ સમેટ ઉખાડી ફેંકવાની છે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્રની મોદી સરકારની અનેક કામગીરી તેમજ ગુજરાતમાં સરકારે કરેલી કામગીરીનો ચિતાર આપીને કહ્યું કે, જનતાનો ભરોસો, પ્રેમ આપણી સાથે છે કોંગ્રેસ પાસે કોઇ નીતિ, નેતૃત્વ અને નિયત નથી ત્યારે ભાજપના કાર્યકરોએ પરિશ્રમની પરાકાષ્ટા સર્જી ૧૫૦ પ્લસ બેઠકો જીતવાની છે.સંમેલનમાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાનો પરષોત્તમ રૂપાલા, જશવંતસિંહ ભાભોર, સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.