Abtak Media Google News

નગરનિગમના કુલ  67 કાઉન્સિલરોમાંથી હવે ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં માત્ર 1 જ કાઉન્સિલર વધ્યો

ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી મહારાષ્ટ્રની સત્તા ગઈ, પછી પાર્ટીને બચાવવાનો પડકાર સામે આવ્યો.  હવે તેમના માટે તેમનો ગઢ બચાવવો પણ અશક્ય બની ગયો છે.  એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની સત્તા સંભાળ્યાના બે દિવસમાં થાણે પણ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી ગયું છે.  એકનાથ શિંદે સાથે થાણે નગર નિગમના 66 કાઉન્સિલરો ખુલ્લેઆમ સામે આવ્યા છે.  આ કાઉન્સિલરો શિંદેને મળ્યા અને ત્યાર બાદ જાહેરાત કરી કે તેઓ  શિંદે કેમ્પને સમર્થન આપી રહ્યા છે.  કાઉન્સિલરો સાથે સીએમ શિંદેની ઘણી તસવીરો પણ સામે આવી છે.

થાણેને એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. અહીંથી તેમણે આનંદ દિઘેના સંપર્કમાં રહીને રાજનીતિ શીખી અને 1997માં પહેલીવાર શિવસેનાના કાઉન્સિલર બન્યા.  હવે શિવસેનાની ઉદ્ધવ ઠાકરે છાવણીએ પણ થાણે પરનું નિયંત્રણ ગુમાવ્યું છે.  નગરપાલિકામાં 67 કાઉન્સિલરો છે.  હવે 66ના શિંદે કેમ્પમાં ગયા બાદ ઉદ્ધવ કેમ્પમાં માત્ર એક કાઉન્સિલર બચ્યો છે.  આ તમામ કાઉન્સિલરો બુધવારે સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા બાદ શિંદે કેમ્પમાં આવ્યા છે.  કાઉન્સિલરોએ શિંદે સાથે બેઠક યોજી અને તેમની સાથે તસવીરો પડાવી.  શિવસેનાના 40 ધારાસભ્યો ઉદ્ધવને ઝટકો આપી ચૂક્યા છે.  આ ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટમાં એકનાથ શિંદેનું સમર્થન કર્યું હતું.

એકનાથ શિંદેએ 30 જૂને મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.  4 જુલાઈએ, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું ત્યારે ઉદ્ધવ કેમ્પના અન્ય ધારાસભ્ય સંતોષ બાંગર પણ શિંદેની સાથે ગયા હતા.  શિંદેએ ભાજપના 106 ધારાસભ્યો, 18 અપક્ષો અને અન્ય પક્ષોના 18 ધારાસભ્યોની મદદથી વિધાનસભામાં બહુમતી મેળવી હતી.  શિંદેના સમર્થનમાં 164 ધારાસભ્યોએ મતદાન કર્યું.  અને 99એ વિરોધમાં મતદાન કર્યું હતું.  કોંગ્રેસના 11 ધારાસભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા.  દરમિયાન શિવસેનાએ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં ચીફ વીઆઇપી બનાવ્યા છે.

થાણે ઉપર શિંદેની પકડ વર્ષોથી મજબૂત

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેમાં મજબૂત પકડ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. 1997ના વર્ષમાં તેઓ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ત્યાર બાદ 2001ના વર્ષમાં નગર નિગમ સદનમાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા. ત્યાર બાદ 2002ના વર્ષમાં તેઓ બીજી વખત થાણેના કોર્પોરેટર બન્યા હતા. 2004ના વર્ષમાં શિંદે થાણે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ તેઓ 2009, 2014 અને 2019ના વર્ષમાં થાણેની કોપરી પછપાખડી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.