Abtak Media Google News

રાઈડ્સ, ખાણીપીણી-રમકડા, આઈસ્ક્રીમના સ્ટોલ માટે 183 ટેન્ડર આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી શ્રાવણ માસમાં પ્રદર્શન મેદાન તેમજ રંગમતી નદીના પટમાં બે સ્થળે 25 દિવસ માટે ના મેળા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદર્શન મેદાનના મેળામાં જામનગર મહાનગરપાલિકાને રેકોર્ડબ્રેક 3 કરોડથી વધુની આવક થઈ છે. જ્યારે રંગમતી નદીના મેળા માટે રૂપિયા ત્રણ લાખની આવક થઈ છે.

Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા 2011 ની સાલથી જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે 16 દિવસનું આયોજન કરાયું હતું. જેમાં આ વખતે શ્રાવણ મહિનાના ચાર સોમવારનો સમાવેશ થઈ જાય તે રીતેના દિવસો વધારીને  કુલ 25 દિવસના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેના માટે ટેન્ડર ફોર્મ મારફતે મશીન મનોરંજન ની રાઈડ તથા ખાણીપીણી-રમકડાં-આઈસ્ક્રીમના સ્ટોલ વગેરેના ભાવો માંગવામાં આવ્યા હતા. જે ટેન્ડર સ્વીકારવાના અંતિમ દિવસે ગઈકાલે કુલ 183 ટેન્ડર ફોર્મ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા થયા હતા.  દરમિયાન આજે સવારે ટાઉનહોલમાં મેળાના ધંધાર્થીઓની હાજરીમાં ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી ઇન્ચાર્જ ડી.એમ.સી. ભાવેશ જાની તેમજ એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત તેમજ સિક્યોરિટી વિભાગના અધિકારી સુનિલ ભાનુશાળી અને એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા સમગ્ર મેળાના ટેન્ડર ખોલવા સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી.

જામનગરના પ્રદર્શન મેળા માટે આ વખતે રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલી 3,01,90,000 ની આવક થઈ છે. જેમાં મશીન મનોરંજનના 10 પ્લોટ પાડવામાં આવ્યા છે, જેના માટે 1 કરોડ 89 લાખના ટેન્ડર ભરાઈને આવ્યા છે. તે જ રીતે ચિલ્ડ્રન રાઈડ માટે 40 લાખ રૂપિયા, હાથ થી ચાલતી રાઈડ માટે 20 લાખ રૂપિયા, આઈસ્ક્રીમના 2 સ્ટોલ માટે 12 લાખ રૂપિયા, રમકડાના 8 પ્લોટ માટે 25 લાખ સહિત કુલ ત્રણ કરોડથી વધુની જામનગર મહાનગરપાલિકાને આવક થઈ છે, જે શહેરના વિકાસ કામો માટે ઉપયોગમાં લેવાશે.

આ ઉપરાંત રંગમતી નદીના પટ માં પણ શ્રાવણી મેળો યોજાનાર છે. જોકે હાલ વરસાદી પાણી ભરાવાના કારણે મેળાના ધંધાર્થીઓ નિરાશા દાખવતા હતા. પરંતુ આ વખતે મહા નગરપાલિકા દ્વારા ટેન્ડરમાં મેળા ની અપસેટ પ્રાઈઝ મા ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો, અને રંગમતી નદીના મેળા માટે રૂપિયા ત્રણ લાખની રકમ સાથે નું ટેન્ડર ભરાયું છે. જ્યાં પણ 25 દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.