Abtak Media Google News

રૂા.7.56 લાખની કિંમતની 1751 બોટલ વિદેશી દારૂ કબ્જે

શાપરનો શખ્સ 534 બોટલ વિદેશી દારૂ સાથે લોધિકા પોલીસે કરી ધરપકડ

એલસીબીએ રૂા.1.56 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ

પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કરનાર લીલી સાજડીયાનો શખ્સ 756 બોટલ દારૂ સાથે ઝડપાયો

31 ફસ્ટ ડિસેમ્બરની રાતને રંગીન બનાવવા 2021 વર્ષને બાય બાય અને 2022ના વર્ષને વેલકમ કરવા થતી ઉજવણી માટે વિદેશી દારૂની રેલમ છેલ કરવા માટે બુટલેગરોએ વિદેશી દારૂ મગાવતા પોલીસે લીલી સાજડીયાળી, નવઘણચોરા, શાપર અને રાજકોટમાં વિદેશી દારૂ અંગે દરોડા પાડી રૂા. 7.46 લાખની કિંમતના 1751 બોટલ વિદેશી દારૂ સાથે છ દારૂના ધંધાર્થીની ધરપકડ કરી છે.

ભાવનગર હાઇ-વે પર આવેલા લીલી સાજડીયાળી ગામના લાખા સંગ્રામ ઘીયાડની વાડીમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી અને પી.એસ.આઇ. યુ.બી.જોરાણા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.3 લાખની કિંમતના 756 બોટલ વિદેશી સાથે લીલી સાજડીયાળીના જયસુખ કેશુ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે. જયસુખ મકવાણાની પૂછપરછ દરમિયાન વિદેશી દારૂ લાખા ઘીયાડે મગાવ્યાની અને પોતે તાજેતમાં જ પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કર્યાની કબુલાત આપી છે. પોલીસે જયસુખ પરમાર પાસેથી દારૂ અને બાઇક મળી રૂા.3.37 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

કોટડા સાંગાણીના શાપર ખાતે અનમોલ વિહાર સોસાયટીના બ્રિજેશ દેવજી પરમાર નામના શખ્સને રૂા.2.67 લાખની કિંમતની 534 બોટલ વિદેશી દારૂ સાથે જી.જે.3બીડબલ્યુ. 1429 નંબરના અશોક લેલેન્ડ દોસ્ત એલ.એસ.માં લઇને અનિડા વાછરા ગામથી નવઘણચોરા તરફ જતો હોવાની બાતમીના આધારે લોધિકા પોલીસ મથકના ઇર્ન્ચાજ પી.આઇ. કે.કે.જાડેજા, પી.એસ.આઇ. એચ.આર.જાડેજા, હેડ કોન્સ્ટેબલ મનેશ જોગરાદીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને જયરાજભાઇ સોનારા સહિતના સ્ટાફે દારૂ સાથે ધરપકડ કરી દારૂ, વાહન અને મોબાઇલ મળી રૂા.4.73 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન 31 ડિસેમ્બર નિમિતે વિદેશી દારૂ આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

શાપરના શાંતિધામ ગેઇટ સામે રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવિણ પ્રજાપતિ નામના શખ્સને રૂા.1.56 લાખની કિંમતની 408 બોટલ વિદેશી દારૂ સાથે પાટીદાર પ્રોવિઝન સ્ટોર પાસેના કારખાનાની ઓફિસમાંથી એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે ધરપકડ કરી તેની પાસેથી વિદેશી દારૂ અને મોબાઇલ મળી રૂા.1.66 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

કોઠારિયા રોડ પર આવેલા મોરારીનગરમાં રહેતા અશ્ર્વિન છગન પરમાર નામનો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ મોયા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.17,600ની કિંમતની 44 બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી મોબાઇલ અને બાઇક મળી રૂા.51,600નો મુદામાલ કબ્જે કર્યો છે. દારૂની હેરાફેરીમાં તેની સાથે તેનો પુત્ર ડેનિશ અશ્ર્વિન અને જયેશ ઉર્ફે જયલો રાઠોડની સંડોવણી બહાર આવતા પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.શાપર-વેરાવળમાં ગાયત્રી મંદિર પાસે રહેતા જય ભરત ચૌહાણ અને ધનસુખ સવજી સોલંકી નામના શખ્સોને રૂા.2800ની કિંમતની નવ બોટલ વિદેશી દારૂ સાથે શાપર પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.