Abtak Media Google News
  • પાલડી વિસ્તારમાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ, ઉસ્માનપુરામાં 15 ઇંચ, બોડકદેવમાં 13 ઇંચ, જોધપુર, બોપલ અને મુક્તાપુરામાં
  • 12-12 ઇંચ વરસાદ, ગોતામાં 8 અને ચાંદલોડિયામાં 7 ઇંચ વરસાદથી રાજ્યની આર્થિક રાજધાની પાણી-પાણી

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરને રવિવારે મેઘરાજાએ રિતસર ધમરોળી નાખ્યું છે. આકાશી આફતના કારણે અમદાવાદમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. શહેરમાં 7 ઇંચથી લઇ 18 ઇંચ સુધી વરસાદ વરસી જવાના કારણે શહેર પાણી-પાણી થઇ ગયુ હતું. આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સલામતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક સોસાયટીમાં વરસાદના ધસમસતા પાણી લોકોના ઘર ઘૂસી ગયા હતા. ભારે વરસાદના કારણે જળાશયોમાં પણ માતબર પાણીની આવક થવા પામી છે. વાસણા બેરેજ ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. સવારથી મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદવાસીઓએ થોડોક રાહતનો શ્ર્વાસ લીધો છે.

Untitled 3 14

વાસણા બેરેજ ડેમના પાંચ દરવાજાઓ ત્રણ ફૂટ સુધી ખોલાયા, કોર્પોરેશનની પ્રિ-મોનસૂન કામગીરીના ધજાગરા, શહેરની અનેક  નીચાણવાળી સોસાયટીમાં વરસાદના પાણી ઘરમાં ઘૂસી ગયા

રવિવારનો દિવસ મધ્ય ગુજરાતની જનતા માટે થોડોક ભારે રહ્યો હતો. પૂર્વ મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ છોટા ઉદેપુરના બોડેલીમાં સુપડાધારે 22 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. અમદાવાદને પણ મેઘરાજાએ રિતસર ધમરોળી નાખ્યું છે. એક દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 7 ઇંચથી 18 ઇંચ સુધી વરસાદ વરસી જવાના કારણે આખું શહેર જાણે પાણીમાં ગરકાવ થઇ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. સૌથી વધુ વરસાદ શહેરના પાલડી વિસ્તારમાં 18 ઇંચ જેટલો ખાબક્યો હોવાનું નોંધાયું છે. જ્યારે ઉસ્માનપુરામાં 15 ઇંચ, જોધપુર, બોપલ અને મુક્તાપુરામાં 12 ઇંચ, બોડક દેવમાં 13 ઇંચ, ગોતામાં 8 ઇંચ, ચાંદલોડિયામાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. હવામાન વિભાગના રેકોર્ડ પર અમદાવાદ શહેરમાં સરેરાશ 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોવાના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આખું અમદાવાદ શહેર જાણે પાણીમાં ગરકાવ થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હજી અનેક સોસાયટીઓમાં ગોઠણડૂબ પાણી ભરેલા છે. મોટાભાગના અન્ડરબ્રિજ સ્વિમીંગ પુલમાં ફેરવાઇ જતા બંધ કરી દેવામાં આવ્યા છે. આજે ચાલુ દિવસ હોવાના કારણે વરસાદી પાણી ભરેલા હોય લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

મેઘરાજાએ એક જ દિવસમાં રાજ્યના સૌથી મોટા અને સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ મહાપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વરસાદી પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે શહેર આખું પાણીમાં ગરકાવ થઇ ગયું છે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. વાસણા બેરેજ ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. અનરાધાર વરસાદને કારણે અમદાવાદની અનેક સોસાયટીઓમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. મેઘરાજાના પ્રકોપ સામે તંત્ર લાચાર બની ગયું હતું. અમદાવાદ ઉપરાંત જિલ્લાના ઢોલેરામાં 4 ઇંચ, દશક્રોઇમાં અઢી ઇંચ, બાવળા અને ધંધુકામાં બે ઇંચ, સાણંદમાં ત્રણ ઇંચ, દેત્રોજ અને ધોળકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સવારથી મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: શાળા-કોલેજોમાં રજા જાહેર

અમદાવાદમાં ભારે વરસાદને પગલે મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો હતો. આજે મહાપાલિકા સંચાલિત તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાનગી શાળાઓ પણ લગભગ બંધ છે. અમદાવાદનો કોઇ પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી ન ભરાયું હોય. બીજી તરફ અનેક વિસ્તારોમાં વધુ પાણી ભરાયા હોય, શાળાઓ ઉપર કોલેજો પણ બંધ રહી હોવાનું જાણવા મળ્યું છે.

Screenshot 7 4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.