Abtak Media Google News

નવસારીના ચીખલીમાં બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ ખાબક્યો: જૂનાગઢના મેંદરડામાં બે ઇંચ, માંગરોળ, કાલાવડ, સાવરકુંડલા, જામજોધપુરમાં એક-એક ઇંચ વરસાદ: આગામી બે દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ગઈકાલે બપોર બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. ગઈ કાલે સૌથી વધુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ પછી ડાંગના સુબીરમાં ત્રણ ઇંચ, સુરતના ઓલડામાં 2 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં પોણા બે ઇંચ, ભરુચના અંકલેશ્વરમાં પોણા બે ઇંચ, ડાંગમાં પોણા બે ઇંચ, સુરતના ઉમરપાડા, અમરેલીના બગસરા, ધારી અને જૂનાગઢના કેશોદમાં અઢીથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વરસાદે ગુજરાતમાં એન્ટ્રી કરતાની સાથે જ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાવણી લાયક પાણી તો પુરું પાડી દીધું છે પરંતુ કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓ એવા છે કે જેમાં હજુ ખેડૂતો વરસાદની વાટ જોઇને બેઠા છે.

જૂનાગઢના માંગરોળમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેને લઇ ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક સ્મિત આવી ગયું હતું. જ્યારે પોરબંદર, સુરતના પલસાણા, જૂનાગઢના માંગરોળ, જામનગરના કાલાવડ, અમરેલીના સાવરકુંડલા, ડાંગના વઘઈ, તાપીના ઉચ્છલમાં એકથી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો જામજોધપુર, રાણાવા, હાંસોટ, ઉમરગામ, વંથલી, વડિયા, ગારિયાધાર, મોરબી, ડેડિયાપાડા, ગણદેવી, માળિયા, પારડી, વિસાવદર, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, સૂત્રાપાડા, ડોલવણ, ગીર ગઢડા અને માણાવદરમાં અડથી પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. લિલિયા, પડધરા, માંગરોળ, લાલપુર, ભેસાણ, જામકંડોરણા, બાબરા, વલસાદ, વાગરા, તાલાલા, ટંકારા, નિઝર, સાણદ, સોનગઢ, વ્યારા, ગોંડલ, નવસારી, કોડિનાર, વાંસદા સહિત કેટલાય તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આજી-3 અને ખોડાપીપર ડેમમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ છેલ્લા 24 કલાકમાં મેઘમહેર થઇ હતી. જેને લઇને ઘણા ખરા ડેમોમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે આજી-3માં છેલ્લા 24 કલાકમાં 0.16 ફૂટ પાણી આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં આજુબાજુના વિસ્તારમા 45 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખોડાપીપર ડેમમાં 6.56 ફૂટ નવા નીરની આવક થઇ છે. તેમજ મોરબી જિલ્લાના ફલઝર-1માં 0.62 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. તેમજ વાડીસંગ ડેમમાં 0.89 ફૂટ નવા નીરની આવક થઇ છે.

ક્યાં વરસી શકે છે વરસાદ

હજુ તો ચોમાસુ બેઠું જ છે ક્યાંક મહેર છે તો હજુ ક્યાંક કોરું કટ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને મોરબીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ હજુ સક્રિય થશે, જેનાથી અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં કેટલો વરસાદ

જિલ્લો              તાલુકો              વરસાદ

નવસારી            ચીખલી             4 ઇંચ

સુરત                 ઓલપાડ          2 ઇંચ

જૂનાગઢ            મેંદરડા              2 ઇંચ

અમરેલી             બગસરા           1.5 ઇંચ

અમરેલી             ધારી               1.5 ઇંચ

જૂનાગઢ            કેશોદ               1.5 ઇંચ

પોરબંદર          પોરબંદર              1 ઇંચ

જૂનાગઢ            માંગરોળ             1 ઇંચ

જામનગર          કાલાવડ              1 ઇંચ

અમરેલી           સાવરકુંડલા           1 ઇંચ

જામનગર          જામજોધપુર          1 ઇંચ

પોરબંદર           રાણાવાવ            1 ઇંચ

જૂનાગઢ            વંથલી               1 ઇંચ

અમરેલી             વડીયા              1 ઇંચ

ભાવનગર          ગારીયાધાર        1 ઇંચ

મોરબી              મોરબી              1 ઇંચ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.