ગુજરાતથી ગોવા ફિલ્મથી સ્મિતા બારોટ ઢોલીવુડમાં કરશે પોતાની સફર શરૂ

નારી સમાનતાની વાતો થતી હોય છે પણ હજુ એવા ઘણા પરિવારો છે જે ઘરની દીકરી કે વહુને તેમની પસંદગીના ફિલ્ડમાં જવાની ના પાડતા હોય છે. પરંતુ સુરતમાં રહેતાં સ્મિતા બારોટ આ મામલે ઘણા નસીબદાર છે કે તેમના અભિનયના શોખની સાથે ફિલ્મ પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની મહેચ્છા પૂરી કરવામાં તેમના પતિ ભરત બારોટ (બ્રહ્મભટ્ટ) પૂરો સહયોગ આપી રહ્યા છે.

તાજેતરમાં સ્મિતા બારોટની મુલાકાત તેમના બેનર સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન હેઠળ બની રહેલી ગુજરાતી ફિલ્મ ગુજરાતથી ગોવાના સેટ પર થઈ. લખલૂટ ખર્ચે બની રહેલી ફિલ્મમાં બૉલિવુડના વિખ્યાત વિલન શક્તિ કપૂર ગુજરાતીમાં પહેલીવાર ખૂંખાર ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે.

ગુજરાતથી ગોવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલાં નિર્માત્રી સ્મિતા બારોટે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, ફિલ્મો પ્રત્યે મને નાનપણથી જ આકર્ષણ રહ્યું છે. નાની હતી ત્યારે પણ મારી જાતને ફિલ્મી પરદે જોવાનું સપનું નિહાળતી. આજે મારાં સપનાંને સાકાર થયું એનો આનંદ હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. જોકે મારું સપનું સાકાર થયું એનું શ્રેય હું મારા હસબન્ડ ભરત બારોટ(બ્રહ્મભટ્ટ)ને આપીશ. જો તેમનો સાથ-સહકાર અને પ્રોત્સાહન ન મળ્યા હોત તો હું અહીં સુધી પહોંચી શકી ન હોત.

નિર્માત્રી તરીકે તમને કોઈ સારા-નરસા અનુભવ અંગે સ્મિતા બારોટ કહે છે કે, સાચું કહું તો મને સમગ્ર યુનિટનો પૂરો સાથ-સહકારની સાથે સિનિયર કલાકાર-કસબીઓનું માર્ગદર્શન પણ મળી રહ્યુ છે. અહીં હું અમારા દિગ્દર્શક રાજદીપનો ઉલ્લેખ જરૂર કરીશ. તેઓ માત્ર દિગ્દર્શક જ નથી, માર્ગદર્શક પણ છે. રાજદીપ સાહેબની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા-દિગ્દર્શક તરીકેની આગવી ઓળખ છે.

ગુજરાતથી ગોવા ફિલ્મ વિશે જણાવતા તેઓ કહે છે કે, હકીકતમાં અમારી ફિલ્મના હીરો મોજશોખ માટે ગોવા જાય છે જ્યાં તેઓ લક્ઝરી ક્રુઝમાં બેલી ડાન્સર સાથે ડાન્સની મોજ માણવા ઉપરાંત કસિનોમાં જુગાર રમવા જાય છે. આ દૃશ્યોની સાથે ક્રુઝમાં ફિલ્મની મહત્ત્વની સિક્વંસ શક્તિ કપૂર પર ફિલ્માવવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી મહિલા નિર્માત્રી છે જેમાંના એક છે સ્મિતા બારોટ. તેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં હું શોખને કારણે આવી નથી પણ દર્શકોને મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી વૈવિધ્યસભર વિષયો ધરાવતી લોકભોગ્ય ફિલ્મો બનાવવા માગું છું. અને એટલા માટે જ મેં અમારા પ્રોડક્શન હાઉસ ‘રાજસ્મિત ફિલ્મ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ’ની સ્થાપના કરી છે.

રાજસ્મિત ફિલ્મ્સ બેનર હેઠળ એક ગુજરાતી ફિલ્મના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ જે મહિલા સશક્તિકરણ પર આધારિત હશે. વાર્તા વિશે વધુ જાણકારી આપીશ નહીં. પરંતુ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મના સમગ્ર યુનિટમાં, નિર્માતાથી લઈ તમામ ટેક્નિશિયનો જ નહીં સ્પૉટબૉયને બદલે સ્પૉટગર્લ તમને સેટ પર જોવા મળે તો નવાઈ નહીં. વાર્તાની જરૂરિયાત હોવાથી માત્ર ત્રણ પુરુષ કલાકારો એમાં જોવા મળશે. આ ફિલ્મ જૂન-જુલાઈમાં શરૂ કરવાનું અમારું પ્લાનિંગ છે.

ઉપરાંત બે શોર્ટ ફિલ્મ પણ છે જેમાં હું સહ-નિર્માત્રી છું. જેમાંની એક છે વન ક્લિક પ્લીઝ. જે તમામ ફોટોગ્રાફરને સમર્પિત કરાઈ છે.