સોમનાથ: કલેકટરના હસ્તે શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ લાઇવ દર્શનનો સેવાનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે વિશ્વભરમાં ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે. ગિરસોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ,  કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તેભાલકા લાઈવ દર્શન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ અવસર પર સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ, અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાલકાત2ીર્થ લાઈવ દર્શન સેવાનો પ્રારંભ કરાયો છે. આ સેવા અંતર્ગત સોમનાથ ટ્રસ્ટની ઑફિશ્યલ વેબસાઈટ somnath.org તેમજ સોમનાથ ટ્રસ્ટના facebook youtube સહિતના માધ્યમો પર ભાલકા તીર્થ ના લાઈવ દર્શન સવારના 6:30 કલાકથી રાત્રે 8:30 કલાક સુધી કરી શકશે.

શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ પાસે શ્રી ભાલકાતીર્થ ખાતે ભાલકેશ્વર શ્રીકૃષ્ણના દર્શન લાઈવ બતાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો શ્રદ્ધાળુઓના અનુરોધને માન આપીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આધુનિક હાઇ ક્વોલિટી કેમેરા ગોઠવી હાઈ સ્પીડ ઇન્ટરનેટની મદદથી આખી સુચારુ વ્યવસ્થા તૈયાર કરી લાઈવ દર્શન સેવા પ્રારંભ કરવામાં આવી હતી.

આમ હવે દેશ-વિદેશના કરોડો ભકતો સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના ભાલકા મંદિરના ભાલકેશ્વર સ્વરૂપના લાઈવદર્શન ઓનલાઇન માધ્યમથી કરી શકશે અને સોમનાથ ટ્રસ્ટ વિશ્વ ગુરુ શ્રીકૃષ્ણના દર્શન સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવા માધ્યમ બનશે.