Abtak Media Google News

સોમાનાથ ટ્રસ્ટ નિર્મિત બિલ્વવનમાં 750 ઘટાદાર વૃક્ષોનો વૈભવ:શ્રાવણમાં કરોડો બિલ્વનો અભિષેકનો અદ્ભૂત સંયોગ

વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરરોજના સવાલાખ બિલ્વપત્રોનો અભિષેક કરાય છે. સંપૂણ શ્રાવણ માસ અંતે કરોડોની સંખ્યામાં બિલ્વપત્રો ભગવાન ભોળાનાથને “ઓમ નમ: શિવાય” પવિત્ર મંત્રોચ્ચાર સાથે ભાવિકો તરફથી ચઢાવવામાં આવે છે.

સોમનાથ મંદિરને આટલો વિશાળ બિલ્વપત્રોનો જથ્થો સોમનાથ ટ્રસ્ટ હસ્તકનું બિલ્વવન પુરૂં પાડે છે. સોમનાથ ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરી તથા નિરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે સુચારૂરૂપ શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવી છે.વેરાવળ-ઉના હાઇ-વે ઉપર સોમનાથ ટ્રસ્ટનું લીલુછમ ઘટાદાર બિલ્વવન આવેલું છે. જેની સ્થાપના વર્ષ 2001માં સોમનાથ મંદિરે મંદિરની વિશાળ માત્ર અને જરૂરીયાત માટે આ વન ઉભુ કર્યું છે. જેમાં 750 જેટલા બિલ્વવૃક્ષો પથરાયેલાં છે.

મંદિરની દૈનિક પૂજામાં અને ભાવિકો તરફથી નોંધાવવામાં આવેલ બિલીપત્ર પૂજા માટે અહીંથી બારે ય માસ બિલીપત્રો મંદિર સુધી પહોંચાડાય છે.

જેમાં કાયમ માટે બે બેગ સોમનાથ મંદિર તથા અહલ્યાબાઇ સોમનાથ મંદિરે પહોંચાડાય છે. પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં 12 થી 13 બેગ એટલે આપણી દેશીભાષામાં કોથળા કે બારદાન મોકલાતા હોય છે.પવિત્ર શ્રાવણ માસમાં બિલીવન ખાતે આ માટે 14 જેટલા લોકો વહેલી સવારથી સાંજ સુધી કાર્યરત હોય છે. બિલ્વવૃક્ષ ઉપરથી બિલ્વપાન ચૂંટવાનું કામ પણ આકરું હોય છે. કારણ કે ઝાડની ડાળીમાં ઠેર-ઠેર અણીદાર શૂળ ભોંકે તેવા કાંટા હોય છે જે અવાર-નવાર લાગતા  પણ હોય છે. લોહી પણ નીકળે છે.

એક ટીમ વૃક્ષ ઉપરથી ઝાડ ડાળીઓ તોડી નીચે લાવે છે. જે ડાળીઓ એકઠી કરી 10 થી 12 જેટલા બહેનો-ભાઇઓ તે ડાળીમાંથી ત્રણ પાંદડના બિલ્વપત્રને છૂટા પાડી તેનો અલગ ઢગલો કરે છે.તેને સાફ કરી ભીના કપડામાં રાખી બધાયને ભેગાં કરી સાંજે પાંચ વાગ્યે ખાસ રેકડી કે ટ્રેક્ટરમાં સોમનાથ મંદિરે પહોંચાડાય છે અને ત્યાં પૂજા વિભાગ દ્વારા બિલીપત્ર પૂજન વિભાગ સુધી પહોંચે છે.વળતી ફેરે તે રેકડીમાં સોમનાથ મહાદેવને આગલા દિવસે ચઢાવાયેલ ફૂલ, બિલ્વપત્રો-હાર શણગારના ફૂલો રેકડીમાં લઇ જઇ બિલ્વવનમાં તેનો ખાસ ઢગલો કરી અને તે શિવ નિર્માણને ગાર્બેટ પ્રોસેસીંગ કરી તેનું જ પાછું ખાતર બનાવી સદ્ ઉપયોગ કરી તે જ બિલ્વવનમાં વૃક્ષોના થડોમાં નખાય છે.

આમ તેરા તુજકો અર્પણની દિવ્ય ભાવના જળવાય છે.ધર્મ માન્યતાઓને મતે બિલ્વવૃક્ષ ભગવાન શંકરનું સ્વરૂપ છે અને બિલ્વપત્ર વગર શિવપૂજા અધુરી ગણાય છે.મહાદેવને બિલ્વપત્ર-વૃક્ષ સદાય પ્રિય છે અને ભાવિકો બિલ્વપત્રમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સ્વરૂપ પણ અનુભૂતિ કરે છે.બિલ્વપત્રનું આધ્યાત્મિક તેમજ ઔષધિય મહત્વ છે તો બિલ્વફળ આરોગ્ય માટે ગુણકારી છે.બિલ્વવૃક્ષની ઉત્પતિ સાથે મહાદેવજીનું મહાત્મય જોડાયેલું છે.સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી- સચિવ પ્રવિણભાઇ લહેરીના સુંદર પ્રયાસોથી સોમનાથ મંદિર બિલ્વપત્રો મંદિર જરૂરતો માટે મેળવવામાં આત્મનિર્ભર બન્યું છે તથા સોમનાથ તીર્થની દિવ્યતા આ વનથી મહોરી ઉઠી સાર્થક થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.