Abtak Media Google News

શ્રી રામજન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરીજી મહારાજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સંસ્થાએ અનુદાન આપવા સંદર્ભે યોજાયેલા સમારોહમાં આશિર્વચન પાઠવ્યા

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સમારોહનેં આયોજન, આજે તા. 13 ફેબ્રુઆરીના રોજ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે થયું હતું. જેમાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ પરમ પૂજ્ય ગોવિંદદેવગીરીજી મહારાજે ખાસ પધારીને આશીર્વચન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ‘જે સ્થાનથી રામશિલાના પૂજન સાથે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિર-નિર્માણની શિલાના પૂજનનો આરંભ થયો હતો એ સ્થાનમાં આજે પુન: રામમંદિર માટે એકત્રિત થયા છીએ ત્યારે એટલું કહીશ કે રામમંદિરની યાત્રાનો પ્રારંભ ભગવાન સોમનાથના મંદિરથી થયો હતો. એટલે તેને રામમંદિરની યાત્રાની ગંગોત્રી કહીએ, અને આ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને તેનું ગૌમુખ કહેવું જોઈએ. અહીંથી આપણને બધાને પ્રેરણા આપતી ધારા વહી છે. આ દેશને જે પ્રકારના પુરુષાર્થની આવશ્યકતા છે, જે પ્રકારના ત્યાગની આવશ્યકતા છે, જે પ્રકારના પુરુષાર્થરત જીવન સાથે ભારતમાતાની સેવાની આવશ્યકતા છે એ તમામ બાબતો આ સંપ્રદાયે એક ઉચિત આદર્શ સાથે આપણી સમક્ષ મૂકી છે. લોકોને એમ લાગે કે સાધુઓ શું કરી શકે? પરંતુ આ સંતોએ જે કાર્ય કર્યું છે એ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમાં પણ મંદિરનિર્માણનો રેકોર્ડ અદભુત છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અંત:કરણની તીવ્ર ભાવના હતી કે જન્મભૂમિ પર રામનું મંદિર ભવ્ય બનવું જોઈએ.

રામનું મંદિર તો સર્વત્ર હોઈ શકે છે, પરંતુ જન્મભૂમિનું મંદિર તો એક જ બનશે. લાંબા સંઘર્ષ પછી તેના નિર્માણનો આરંભ થઈ રહ્યો છે. ભગવાન શ્રીરામ તો નૈતિકતાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. ભગવાન શ્રીરામ રાષ્ટ્રપુરુષ છે. વાલ્મીકી રામાયણમાં હજારો લોકોએ એક વાત કહી છે કે અમે એ રાષ્ટ્રને જાણતા નથી, જ્યાં ભગવાન શ્રીરામ નથી. અને જ્યાં રામ નથી તેનું અમારે કંઈ કામ નથી. જ્યાં રામ હશે ત્યાં નવી અયોધ્યા ખડી કરીશું. ભગવાન શ્રીરામચંદ્રજી આત્મનિર્ભર હતા. તમામ સદગુણોના મૂર્તિમંત સ્વરૂપ હતા. એમનું આ મંદિર સ્થપાય છે ત્યારે તેમના દિવ્ય ગુણોનો ભાવ સમગ્ર દેશમાં જાગશે. આ દેશ માત્ર સોનાની ચીડીયા નહીં, પરંતુ સોનાનો સિંહ બનીને વિશ્વ સમક્ષ પરાક્રમોનું દર્શન કરાવશે. જેનો આરંભ સંતોના હસ્તે થયો હોય એ કાર્ય શ્રેષ્ઠ જ થાય. આથી મંદિરની સાથે સાથે તમામ એશિયાઈ દેશોમાં પણ રામનો સંબંધ જાગ્રત કરીશું. ત્યાં લોકો સાથે સંપર્ક કરીને એમને વિશ્વાસ અપાવીશું કે રામ તમારા પણ છે. એ લોકો અયોધ્યાની યાત્રાએ આવશે અને તેમને પણ ગૌરવ જાગશે. આ મંદિરના નિર્માણ સાથે અયોધ્યા ‘ધ કલ્ચરલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ’ એટલે કે વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનશે, વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના જાગશે, ભારત એક સમર્થ રાષ્ટ્ર પણ બનશે, ભારતનું આ સામર્થ્ય ભારત કા યહ સામર્થ્ય વિશ્વ પર આક્રમણ કરવા માટે નહીં, પરંતુ વિશ્વનું મંગલ કરવાના કામમાં આવશે.’

આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું, ‘વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું અને ત્યારે આશીર્વાદ આપેલા ત્યારથી સતત પ્રમુખસ્વામી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ આ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે દુનિયાભરમાં અનેક મંદિરો, શ્રેષ્ઠ મંદિરો બનાવ્યા છે, તે અનુભવ-દૃષ્ટિનો લાભ આ મંદિરમાં પણ મળશે. ગુજરાતે પહેલેથી ભગવાન રામના મંદિરને બનાવવા માટે અનેક સંઘર્ષ કરેલા છે. યાત્રા પણ સોમનાથથી જ નીકળી હતી. રામમંદિર, રામશિલાપૂજન, રામરથ આ બધા કાર્યક્રમની શરૂઆત સોમનાથથી જ થઈ હતી. ગુજરાતની ધરતી ઉપરથી જ થઈ હતી. અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે રામશિલાપૂજન એ પણ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હાથેથી શરૂઆત થઈ હતી. આપણે સૌ ઇચ્છીએ જલદી મંદિર બને. આપણે સાક્ષી બન્યા છીએ એ  આપણા બધા માટે આનંદની વાત છે. ઇતિહાસ અનેક વર્ષો સુધી લોકો સમક્ષ રહેવાનો છે ત્યારે આપણને ગૌરવ થશે કે એ વખતે અમે સૌ સાક્ષી હતા.’

આ પ્રસંગે રામમંદિરના નિર્માણ માટે નિધિમાં રૂપિયા 2,11,11,111નો ચેક બી.એ.પી.એસ. સંસ્થા વતી પૂજ્ય શ્રી ગોવિંદદેવગિરિજી મહારાજ અને મુખ્યમંત્રીશ્રીને આપીને આશીર્વચન ઉચ્ચારતાં સદગુરુ ઈશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ‘સન 1968માં યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સહિત અમે સૌ રામજન્મભૂમિ પર રામલલ્લા સમક્ષ ધૂન કરી હતી, એ આજે યાદ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.