કોરોનામાં “ગરીબોના મસિંહા” બનેલા સોનુ સૂદ ખુદ ફસાયા, રૂપિયા 20 કરોડથી વધુ કરચોરી કર્યાનો આવકવેરા વિભાગનો દાવો

અભિનેતા સોનુ સૂદ કે જે કોરોના સમયગાળા દરમિયાન લોકોની મદદ કરીને ગરીબો માટે મસીહા બન્યા હતા. ગરીબોના મસીહા હવે ખુદ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. આવકવેરા વિભાગ છેલ્લા ત્રણ દિવસથી અભિનેતા સોનુ સુદ ઘરે સર્વે કરી રહ્યું હતું. ત્યારે આજરોજ મોટો ધડાકો થયો છે. સોનુ સૂદ રૂપિયા 20 કરોડથી વધુની કર ચોરીમાં સામેલ છે તેમ આવકવેરા વિભાગે દાવો કર્યો છે.

આઇટી વિભાગે કહ્યું છે કે સોનુ સૂદ અને તેના સહયોગીઓએ 20 કરોડથી વધુની કર ચોરી કરી છે. એક અહેવાલ મુજબ, IT વિભાગે કહ્યું છે કે સોનુ સૂદે 20 કરોડથી વધુનો ટેક્સ ટાળ્યો છે. આ સિવાય તેમની ચેરિટી સંસ્થાને ગેરકાયદેસર રીતે 21 મિલિયનનું વિદેશી દાન મળ્યું છે. જે તેમણે એફસીઆરએ એક્ટના ઉલ્લંઘનમાં ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા એકત્ર કર્યું હતું તેમ ખુલાસો થયો છે.

IT વિભાગનું કહેવું છે કે સોનુ સૂદે અસુરક્ષિત લોનના રૂપમાં બિનહિસાબી નાણાં જમા કરાવ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2020માં સોનુ સૂદ દ્વારા શરૂ કરવામાં આવેલી એનજીઓને 1 એપ્રિલ, 2021 થી 18.94 કરોડનું દાન મળ્યું છે. આ દાનમાંથી અત્યાર સુધીમાં 1.9 કરોડ જુદા જુદા કામોમાં ખર્ચવામાં આવ્યા છે. જ્યારે 17 કરોડની બાકી રકમ હજુ પણ ખાતામાં છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદને લગતા IT વિભાગ દ્વારા જે સ્થળો પર સર્વે કરવામાં આવ્યા છે તેમાં મુંબઈ, લખનઉ, જયપુર, કાનપુર, દિલ્હી અને ગુરુગ્રામ સહિત 28 સ્થળોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં સોનુ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળવા આવ્યા હતા. તાજેતરમાં તેમને દિલ્હી સરકારના માર્ગદર્શક કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા હતા.