Abtak Media Google News

બે દિવસથી સતત વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ: નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી

મેઘરાજાએ બે દિવસમાં દક્ષિણ ગુજરાતને રિતસર ધમરોળી નાંખ્યુ છે. અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. નવસારી અને વલસાડમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી ડાંગ, તાપી, વલસાડ, નર્મદા, તાપી, નવસારી અને સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

Advertisement

દક્ષિણ ગુજરાતમાં બુધવારે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. વલસાડ અને પારડીમાં સાત ઇંચ, કામરેજ, ખેરગામમાં છ ઇંચ, પલસાણા, ધરમપુર, વાપીમાં સાડા પાંચ ઇંચ, ઉમરગામ, વાલોડમાં પાંચ ઇંચ, માંડવી, વ્યારા, ચિખલી, સોનગઢમાં ચાર ઇંચ, ડોલવાણ, કપરાડા, મહુવા અને બારડોલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. કોઝવે બંધ કરી દેવાની ફરજ પડી છે. ગઇકાલે આખો દિવસ અને રાત્રિ દરમિયાન વરસાદ પડ્યા બાદ આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં એકધારો વરસાદ પડી રહ્યો છે. સવારે ચાર કલાકમાં તાપીના ઉપરમુંડામાં 3 ઇંચ, ડાંગના સુબીરમાં અઢી ઇંચ, ડોલવાણમાં બે ઇંચ, નીઝારમાં પોણા બે ઇંચ, બારડોલીમાં દોઢ ઇંચ, ડાંગમાં દોઢ ઇંચ, મહુવા, વ્યારા, ગરૂડેશ્ર્વર, શાગબારા, તિલકવારા, વધઇ અને ધરમનગર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે. ચોમાસાના આગમનની સાથે જ મોન્સૂ ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ,  આગામી 4  દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

બે જિલ્લામાં રેડ તો ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં વધુ વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું હોવાથી વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે.

જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ થવાની સંભાવના છે. વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટિમ તૈનાત

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવસારીમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં ગઉછઋની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.

ચોમાસાની જમાવટ: રાજયના 184 તાલુકાઓમાં વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ, નવસારીમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ, અધિકારીઓની રજા રદ

અષાઢ માસમાં મેધરાજા ગુજરાત પર અનરાધાર હેત વરસાવી રહ્યા છે. રાજયમાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોમાસાએ આરંભ સાથે જ જમાવટ કરી હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 250 પૈકી 184 તાલુકાઓમાં સાત ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. સર્વત્ર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 184 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાત ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ મેધરાજા એકધારા વરસી રહ્યા છે.

છેલ્લા ર4 કલાક દરમિયાન સૌથી વધુ પારડી અને વલસાડમાં સાત સાત ઇંચ વરસ્યો છે. આ ઉપરાંત કામરેજ અને ખેર ગામમાં છ ઇંચ, પલાસણા ધરમપુર, વાપીમાં સાડા પાંચ ઇંચ, ઉમરગામ વાલોડમાં પાંચ ઇંચ, કેશોદ અને વિસાવદરમાં સાડા ચાર ઇંચ, માંડવી, કુતીયાણા, કોડીનાર, વ્યારા, ચિખલીમાં ચાર ઇંચ, સોનગઢ, વડિયા, ડોલવાણ, જુનાગઢ, કપરાડામાં સાડા ત્રણ ઇંચ, ખંભાળીયા, મહુવા, સરસ્વતી, બારડોલી, વાસદમાં સાવ ત્રણ ઇંચ, ઉપલેટા, ડાંગમાં ત્રણ ઇંચ માંગરોળ, વધઇ, ગણદેવી, સુત્રાપાડા, ગાંધીનગરમાં અઢી ઇંચ, ધોરાજી, સુરત, બરવાળા, મોરવા હડફ, વેરાવળ, પાટણ, તાલાલા, સુબીર અને કડીમાં બે ઇંચ, ચાણસ્મા, વંથલી, ડેડીયા પાડા, મેંદરડામાં પોણા બે ઇંચ, ગોધરા, બગસરા, માણાવદર, જામકંડોરણા, ભેંસાણ, સિઘ્ધપુર, માલપુર, જોડીયામાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજયના 184 તાલુકાઓમાં વરસાદ વરસી ગયા બાદ આજે સવારથી રાજયના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં આજ સુધી સિઝનનો 17.55 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 69.94 ટકા, સૌરાષ્ટ્રમાં 24.81 ટકા, ઉતર ગુજરાતમાં 22.39 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 10.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 10.42 ટકા વરસાદ વરસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.