Abtak Media Google News
  • કલેકટર પ્રભવ જોશીની આગેવાનીમાં 6 મે સુધી ડિજિટલી તેમજ ગ્રાઉન્ડ પર વિવિધ મુદ્દાઓ આધારિત ઝુંબેશ: પ્રાંત અધિકારી-નાયબ કલેક્ટરોને સોંપાઈ જવાબદારી

રાજકોટ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઓછા મતદાનવાળા વિસ્તારોમાં લોકોને મતદાન માટે પ્રેરિત કરવા કેન્દ્રીય ચૂંટણી પંચ તથા રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, જિલ્લા ચૂંટણી તંત્રએ વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ટી.આઈ.પી. (ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન) અંતર્ગત, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની સૂચના મુજબ, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા દસ વિધાનસભા મત વિસ્તારોમાં મતદારોને જાગૃત કરવા ડિજિટલથી લઈને ગ્રાઉન્ડ પરની વિવિધ પ્રવૃત્તિઓનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે દસેય વિધાનસભા મત વિસ્તારમાં આ પ્રવૃત્તિઓનું સઘન અમલીકરણ થાય તે માટે સંલગ્ન તમામ પ્રાંત અધિકારી-નાયબ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.

Advertisement

રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે જિલ્લા ચૂંટણી તંત્રએ કરેલા આયોજન મુજબ, 23મી એપ્રિલે વિવિધ દુકાનો, રેસ્ટોરાં, હોટેલ્સ, મેડિકલ સ્ટોર્સ, થિયેટર વગેરે સાથે મિટિંગ યોજીને, મતદાન કરે તે નાગરિકોને સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર આપવા અંગે મિટિંગનું આયોજન કરાયું છે. આ સાથે મતદાનના દિવસે સ્ટાફને પેઈડ રજા આપવા પણ સૂચના અપાશે.

24મી એપ્રિલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે મિટિંગ યોજીને, ડિજિટલી મતદાન જાગૃતિ ઝુંબેશ માટે સહયોગ લેવાશે.  25મી એપ્રિલે કેમ્પસ એમ્બેસેડર્સ સાથે લાઈવ સેશન યોજાશે. 26મીએ મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. 27મીએ લોકો એકઠા થતા હોય તેવા સ્થળો જેમ કે, મોલ, ફૂડ પોઈન્ટસ, મેદાન, બગીચા વગેરેએ ફ્લેશ મોબ યોજાશે.

28મીએ એપ્રિલે ચુનાવ પાઠશાલા અંતર્ગત સ્વચ્છ બૂથ કેમ્પેઈન તથા તમારા મતદાન મથકને જાણો ઝુંબેશ થશે. 29મી તથા 30મી એપ્રિલે જિલ્લા તંત્ર દ્વારા મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

1લીમેના રોજ આંગણવાડી અને આશાવર્કર બહેનોને સાથે રાખીને મોટાપાયે મહેંદીનો કાર્યક્રમ યોજાશે. 2 મેના રોજ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. 3મેના રોજ મહત્વના મોલ્સ, જાહેર માર્ગો પર વિશાળ રંગોળી કરીને લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવશે. 4 મેના રોજ વિવિધ મોલ્સ તેમજ જાહેરસ્થળોએ ફ્લેશ મોબ યોજાશે. પાંચમી મેના રોજ રન ફોર વોટ અંતર્ગત શહેરમાં વિશેષ દોડનું આયોજન કરાશે.

6 મેના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી, શહેર પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં ચૂંટણીની તૈયારીઓની માહિતી સાથે અચૂક મતદાનની અપીલ કરાશે.

લોકશાહીમાં મતદાનનું મહાત્મ્ય સમજાવતા જિલ્લા ચૂંટણી અધિકારી

આલાપ ગ્રીન, મવડી વિસ્તારમાં અંબીકા ટાઉનશી5 રહેતા લોકોને લેવડાવ્યા મતદાનના શપથ

લોકો થકી, લોકો વડે, લોકો માટે ચાલતી લોકશાહીમાં મતદાતા મત આપી તેઓના પસંદગીના નેતાને ચૂંટી ઇચ્છુક શાસકો દ્વારા સશક્ત રાષ્ટ્ર, સમાજનું નિર્માણ કરી શકે તે માટે લોકોને મળેલો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને મતદાન માટે જાગૃતિ અર્થે હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ શહેરમાં આલાપ ગ્રીન સોસાયટીમાં કલેકટરએ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને મતદાન કરવા માટે શપથ લેવડાવ્યા હતાં. જયારે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે દ્વારા 71 – રાજકોટ (ગ્રામ્ય) મવડી વિસ્તારમાં અંબીકા ટાઉનશી5 સ્થિત મોદી સ્કૂલ ખાતે ગોલ ટ્રાયો એપાર્ટમેન્ટ, શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટ, કોપર એલીગન્સ,ડ્રીમસીટી, આદર્શ ડ્રીમ એપાર્ટમેન્ટ, રઘુલીલા એપાર્ટમેન્ટ, સીધ્ધી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો સાથે મતદાન જાગૃતિ અર્થે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આગામી તા. 07/05/2024 નાં રોજ થનાર ચૂંટણી માં મતદાન  કરવા માટે શપથ લેવડાવ્યાં હતાં.

જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ વિસ્તારોમાં મતદારોને જાગૃત કર્યા

રાજકોટ પૂર્વ વિસ્તારમાં મતદાન સઘન ઝુંબેશ દરમિયાન લોકોને “મતદાનનો મહિમા” સમજાવાયો

આગામી લોકશાહીના પર્વ એવા લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં રાજકોટ જિલ્લાના મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવે અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપે તે માટે સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો તેમજ જનતા જનાર્દન સાથે બેઠકો યોજીને મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી  નવનાથ ગવ્હાણેએ 71-રાજકોટ ગ્રામ્ય  વિધાનસભા વિસ્તારની સોસાયટીઓની મુલાકાત લઈ લોકોને મતદાન વિષે સમજૂત કરી, લોકોને મતદાનના શપથ લેવડાવ્યા હતા.

લોકજાગૃતિની આ ઝુંબેશ અંતર્ગત તા. 22.04.2024 ના રોજ 68 રાજકોટ પુર્વ વી.મ.વીમાં જિલ્લા પુરવઠા અધિકારી, તથા મામલદારશ્રી રાજકોટ પુર્વના માર્ગદર્શનમા  મતદાર જાગૃતિ 15 દિવસ સઘન ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.04 આસ્થા વેન્ટિલા વિસ્તાર, વોર્ડ નં.15 રામનગર વિસ્તાર, વોર્ડ નં.03 શાશ્વત પાર્ક રેલનગર વિસ્તાર અને વોર્ડ નં.16 ન્યૂ સાગર સોસાયટી વિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં નવો ટ્રેન્ડ: મતદાન કરનાર ગ્રાહકોને અપાશે વિશેષ ડિસ્કાઉન્ટImg 20240423 Wa0087

પેટ્રોલ પંપ ઉપર 7%, રેસ્ટોરન્ટમાં 10% અને મોલમાં 7થી 50%ની છૂટ

મતદાન એ આપણી ફરજ અને અધિકાર છે. લોકશાહીને મજબૂત બનાવવા મતદાન માટે લોકો પ્રેરાય તે માટે અનેકવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ પ્રેરણા પુરી પાડી રહ્યું છે.  જામકંડોરણા પેટ્રોલિયમ એસોસિએશન હેઠળના પેટ્રોલ પંપ પર તા. 7 મે ના મતદાન દિવસે મતદાન કરનાર મતદાતાને ઓઈલની ખરીદી પર 7 ટકા ની છૂટ આપવાની જાહેરાત જામકંડોરણા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

મતદાતા મતદાન કર્યાનું આંગળી પર નિશાન બતાવી ઓઈલની ખરીદી પર  7 ટકા છુટનો  લાભ મેળવી શકશે તેમ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે. ઉપરાંત પડધરીમાં આવેલ નેત્રમાર્ટ મોલમાં ઘરવખરીની ખરીદીમાં મતદાન કરી આવનાર વ્યક્તિને એમ.આર.પી. પર 7 ટકા થી શરૂ કરીને અલગ અલગ ચીજ વસ્તુઓમાં 50% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગોંડલની સાઈ બાબા પ્રોવિઝન સ્ટોર પરથી ખરીદીમાં 7 ટકા વળતર આપવામાં આવશે. જયારે મવડી પાળ રોડ પર આવેલ એમ.એસ. મૈસુર ઢોસા રેસ્ટોરમાં મતદાન કરનારને 10 ટકા છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મતદાતાઓ મતદાન કરી દેશના ઘડતરમાં અહેમ રોલ ભજવી રહ્યા હોઈ તેઓને પ્રોત્સાહિત કરવા સ્ટોર્સ દ્વારા આ પ્રકારે ખરીદીમાં વળતર આપવામાં આવી રહ્યું છે.

અવસર ઉજવીશ હું, મારા સ્વેગમાં..: ઈલેક્શન સોંગ રિલીઝImg 20240424 Wa0019

નાયબ મામલતદાર પ્રીતિબેન વ્યાસની કલમે લખાયેલા બે ગીતોમાં મતદાનની અપીલ

સમગ્ર દેશમાં લોકશાહીનો રૂડો અવસર ગણતરીના દિવસોમાં આવી રહ્યો છે. રાજકોટ સંસદીય મત વિસ્તારનો દરેક નાગરિક આ મહાપર્વની ઉજવણીમાં જોડાય, તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બની રહ્યું છે. જે અન્વયે સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં યુવાનોને મતદાન માટે પ્રેરિત કરવા રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવતર અભિગમરૂપે નાયબ મામલતદારશ્રી પ્રીતિબેન વ્યાસની કલમે લખાયેલા બે ગીતોના વિડીયો રીલીઝ કરવામાં આવ્યાં છે.

ગીતમાં મતદાનની તારીખ, ચૂંટણીલક્ષી એપ્લીકેશન્સ, મતદાનનું મહત્વ જેવી બાબતોને યુવાનોને આકર્ષે તેવી સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. આ ગીતના શબ્દો છે – દસ મિનિટ દેશ માટે, દસ મિનિટ લોકશાહી માટે, દસ મિનિટ મારી ફરજ માટે.. બસ આ અવસર ઉજવીશ હું, મારા સ્વેગમાં..  એટલું જ નહીં, ગત વિધાનસભા ચૂંટણીમાં જિલ્લા ટ્રાન્સજેન્ડર આઇકોન રાગિણી પટેલ અભિનીત ’હર એક વોટ જરૂરી હોતા હૈ’ અન્ય એક ગીત એડિટીંગ સાથે ફરીવાર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાન્સજેન્ડર્સ દ્વારા મતદાતાઓને લોકસભાની ચૂંટણીમાં મતદાનની અપીલ કરવામાં આવી છે. તેમજ મતદાનના દિવસે ’દસ મિનિટ દેશ માટે’ ફાળવીને અચૂક મત આપવા જવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.