Abtak Media Google News

મવડીમાં બનશે સ્પોર્ટસ કોમ્પલેક્ષ: સ્ટે.ચેરમેને ત્રણ રમતો ઉમેરાવી

સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ત્રણ બેડમિન્ટન કોર્ટ, બે ટેબલ ટેનિશ કોર્ટ, 2 ટેનિશ કોર્ટ, હોલીબોલ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ અને એક સ્કવોશ કોર્ટનું નિર્માણ કરાશે : પુષ્કરભાઈ પટેલ

રમતવિરોને પ્રોત્સાહન આપવા માટે ન્યુ રાજકોટમાં કોર્પોરેશન દ્વારા નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. આ માટે રૂા.6 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાની જાહેરાત બજેટ દરમિયાન સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન તેઓએ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો પ્રોજેકટ હાથ પર લીધો છે. પ્રારંભીક તૈયાર કરવામાં આવેલી ડિઝાઈનમાં તેઓએ જરૂરી સુધારા વધારા કરાવ્યા અને સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં નવી ત્રણ ગેમો સામેલ કરવાની સુચના આપી છે. ટૂંક સમયમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષના નિર્માણ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ન્યુ રાજકોટમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષના નિર્માણ માટે બજેટમાં 6 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. વોર્ડ નં.11 અને 12માં મવડી વિસ્તારમાં 2 પ્લોટ સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં એક પ્લોટની પહોળાઈ 8 હજાર ચો.મી. અને બીજા પ્લોટની પહોળાઈ 11 હજાર ચો.મી. જેવી છે. હાલ આર્કિટેક્ટ દ્વારા આ સંકુલ માટે પ્રારંભીક ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઈન્ડોર સ્ટેડિયમમાં 3200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઈન્ડોર સ્ટેડિંયમની બેઠક વ્યવસ્થા 1200 થી 1500 લોકોની રાખવામાં આવશે. આ ઉપરાંત અહીં એક સાથે 60 કાર પાર્કિંગ થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જરૂરી સુધારા વધારા સાથે રિવાઈઝડ ડિઝાઈન બનાવવા સુચના આપવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે, આર્કિટેક્ટ દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જે ગેમનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં નવી ત્રણ ગેમ ઉમેરવા માટે પણ સુચના આપવામાં આવી છે. જેમાં ટેબલ ટેનિસ, વોલીબોલ અને સ્કવોસનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં મવડીના ક્યાં પ્લોટમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવશે તે અંગે સત્તાવાર નિર્ણય લઈ લેવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ન્યુ રાજકોટના મવડી વિસ્તારમાં બનનારા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ત્રણ બેડમિન્ટન કોર્ટ, બે ટેબલ ટેનિશ કોર્ટ, 2 ટેનિશ કોર્ટ, હોલીબોલ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ અને એક સ્કવોશ કોર્ટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત અહીં જીમ, ચેસ, કેરમની પણ વ્યવસ્થા રમતવિરો માટે રાખવામાં આવશે. આગામી એક પખવાડિયામાં ડિઝાઈન ફાઈનલ કરી ટેન્ડર પ્રસિધ્ધ કરવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.