Abtak Media Google News

એશિયા કપમાં સુપર ફોરમાં પહોંચવાની બાંગ્લાદેશની આશા પર શ્રીલંકાનું બુલડોઝર ફરી વળ્યું

શ્રીલંકા ટીમે એશિયા કપ 2022ની સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 2 વિકેટથી હરાવ્યું છે. 184 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન અને ભારત પહેલી જ સુપર-4માં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે. ત્યારે, સુપર-4ની છેલ્લી ટીમનો નિર્ણય હોંગકોંગ અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચથી થશે.ગઈકાલની મેચ ખુબ જ રસાકસી ભરી રહી હતી. શ્રીલંકાના બેટરોએ બાંગ્લાદેશ પાસેથી જીતની બાજી છીનવી લીધી હતી.

શ્રીલંકા અને બાંગ્લાદેશનો મુકાબલો ઘણો રોમાંચક રહ્યો. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીત માટે 8 રનની જરૂર હતી. પહેલા બોલ પર મહીષ તીક્ષ્ણાએ લેગ-બાઈ સિંગલ લીધો. પછીના બોલ પર અસિથા ફર્નાડોએ ચોગ્ગો લગાવી પ્રેશર ઓછું કરી દીધું. મહેદી હસને આગલી બોલને નો-બોલ ફેંકી દીધી જેના પર બેટ્સમેન 2 રન પણ દોડ્યા હતા, જેને લઇને મેચ ત્યાંજ સમાપ્ત થઇ ગઇ.

શ્રીલંકાની જીતના હીરો કુસલ મેન્ડિસ અને કેપ્ટન દસુન શનાકા રહ્યા જેમણે બેટથી ધમાકેદાર પ્રદર્શન કર્યું. મેન્ડિસે 37 બોલ પર 60 રનની ઇનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. ત્યારે, શનાકાએ 33 બોલનો સામનો કરતા 45 રનની ઇનિંગ રમી. બાંગ્લાદેશ તરફથી ઇબાદત હુસેને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી, પરંતુ તેમના દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવર ઘણી મોંઘી રહી હતી જેમાં 17 રન આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.