Abtak Media Google News

રાજકોટથી જામનગર, મોરબી અને પોરબંદર ૫ અને ૬ જાન્યુઆરી એમ સતત બે દિવસ ૩૫૦ બસો દોડાવાશે

આગામી તા.૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાના ઉમેદવારો માટે જવા-આવવા માટે સરકાર દ્વારા વિના મુલ્યે એસટી બસ પૂરી પાડવાનું નકકી કરાયું છે. જે અનુસાર ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષાના ઉમેદવારો માટે અલાયદી વ્યવસ્થા કરી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લા અને તેના તાલુકાઓમાંથી રાજકોટ જિલ્લામાં ૧૦૦ બસો અને ૩૧૭ ટ્રીપ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦૩ બસો અને ૩૭૫ ટ્રીપ તથા મોરબી જિલ્લાના ૪૦ બસો અને ૧૦૫ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પરીક્ષાર્થીઓને ત્રણેય જિલ્લામાંથી જે તે પરીક્ષા કેન્દ્ર પર જવા એડવાન્સ બુકિંગની સુવિધા રાજકોટ જિલ્લાના રાજકોટ, ગોંડલ, જસદણ, વિંછીયા તથા સુરેન્દ્રનગર જિલ્લા માટે સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા અને મોરબી જિલ્લામાંથી મોરબી, વાંકાનેર, હળવદ ખાતેથી એડવાન્સ બુકિંગની સુવિધા મળી રહે તે માટે ગઈકાલથી કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે. આ તમામ માહિતી આપવા માટે આજરોજ રાજકોટ એસ.ટી. ડિવિઝન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકરક્ષક દળની પરીક્ષાને લઈ અત્યારથી જ બસની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટના હંગામી એસટી બસ સ્ટેન્ડના બાજુના ગ્રાઉન્ડમાં લોકરક્ષક દળના ઉમેદવારો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટથી જામનગર, પોરબંદર અને મોરબીમાં તા.૫ અને ૬ જાન્યુઆરી દરમિયાન સતત ૨૪ કલાક ૩૫૦ બસો દોડવાની છે. ઉપરાંત રીટર્નમાં વિદ્યાર્થીઓને બીજા જિલ્લામાંથી રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં આવવા માટે રાજકોટ જિલ્લાની ૨૮૮ બસ અને ૪૮૫ ટ્રીપ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે ૮૫ બસ અને ૧૮૧ ટ્રીપ અને મોરબી જિલ્લામાં માટે ૬૦ બસ અને ૧૯૧ ટ્રીપનું આયોજન રાજકોટ એસટી ડીવીઝન દ્વારા કરવામાં આવ્યું છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર સંચાલન માટે ૨૪ કલાક કંટ્રોલમાંથી દરેક બસોનું જીપીએસથી મોનીટરીંગ કરવામાં આવશે જેના કંટ્રોલ‚મ ઈન્ચાર્જના ફોન નં.૦૨૮૧-૧૩૩૮૬૪૪૨ રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈ અવ્યવસ્થા ન થાય તેમજ તકેદારીના ભાગરૂપે અત્યારથી જ ડ્રાઈવર અને કંડકટરને તમામ પ્રકારની તાલીમ આપી દેવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં કલમ ૧૪૪ લાગુ કરાશે

આગામી રવિવારના રોજ લોકરક્ષક દળની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં તેમજ પારદર્શકતાથી યોજાય તે હેતુથી અધિક જિલ્લા કલેકટર પરીમલ પંડયા દ્વારા જાહેરનામું પ્રસિઘ્ધ કરીને જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૦૦ મીટરની ત્રિજયાની આસપાસ ઝેરોક્ષ કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું જિલ્લાના લોધીકા, ધોરાજી, ગોંડલ સીટી, જેતપુર, કોટડાસાંગાણી, પડધરી, ઉપલેટા અને વિરપુર પોલીસ મથકના કુલ ૫૨ પરીક્ષા કેન્દ્રો માટે અમલમાં રહેશે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.