Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા આજે બપોરે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63 દરખાસ્તો પૈકી 4 દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે ભાવમાં શંકા જણાતા જમીન વેંચાણ અને શાળાના નવા બાંધકામની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. પ્રદ્યુમન પાર્કમાં ટિકિટના દરમાં તોતીંગ વધારો કરવાની, એથ્લેટીક ટ્રેક, જીમ અને સ્વિમીંગ પુલના સભ્ય ફીના હાલ વસૂલાતા દરમાં વધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

બે દરખાસ્તો ભાવમાં શંકાના આધારે રખાઇ પેન્ડિંગ: રેલનગર અન્ડરબ્રિજમાં વધારાની પમ્પીંગ મશીનરી મૂકવા રૂ.34.16 લાખનો ખર્ચ મંજૂર

આ અંગે વધુ માહિતી આપતા ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે રાજકોટની જનતા ટેક્સ ભરી રહી છે. હાલ પ્રદ્યુમન પાર્કમાં ટિકિટના દરમાં વધારો કરવાની કોઇ જ આવશ્યકતા નથી. આ ઉપરાંત સિન્થેટીક એથ્લેટીક ટ્રેકના સભ્ય ફીના દરો અને ભાડાના દરમાં વધારો કરવાની પણ કોઇ જરૂરિયાત જણાતી નથી. સ્વિમીંગ પુલના સભ્ય ફીના દર, ભાડાના દર અને એકેડમીના દરોમાં સુધારો કરવાની પણ જરૂરિયાત જણાતી ન હોય, જીમના સભ્યપદના ફીના દરમાં પણ તોતીંગ વધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જે અભ્યાસ બાદ નામંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂના તમામ ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં જો જરૂર જણાશે તો ભાવ વધારો કરવામાં આવશે. હાલ કોઇપણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રામવનમાં પ્રવેશ શુલ્ક અને નિતી નિયમો નક્કી કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. વોર્ડ નં.5માં શાળા નં.72નું નવું બાંધકામ કરવા માટે રૂ.2.80 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રતિચોરસ મીટર રૂ.17,500 મુજબ ભાવ મંજૂર કરવા દરખાસ્ત મોકલવામાં આવી હતી. આટલો મોટો ભાવ સાંભળી ચેરમેન સહિત કમિટીના તમામ સભ્યો ચોંકી ઉઠ્યા હતા. હાલ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. કોર્પોરેશન ડેની ઉજવણી માટે થયેલો રૂ.5.60 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે રેલનગર અન્ડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે વધારાની પમ્પીંગ મશીનરી મુકવા માટે રૂ.34.16 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.

ભાવમાં શંકા: એચ.પી.ને પેટ્રોલ પંપ બનાવવા જમીન વેંચાણની દરખાસ્ત પેન્ડિંગ

શહેરના મવડી વિસ્તારમાં સર્વે નં.28માં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે હિન્દુસ્તાન પેટ્રોલીયમ લીમીટેડને 1176 ચોરસ મીટર જમીન 60,000 રૂપિયાના ભાવે જમીન વેંચાણથી આપવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી. કારણ કે આ વિસ્તારમાં બજાર ભાવ રૂ.1 લાખ જેટલો ચાલી રહ્યો છે. ત્યારે એચ.પી.ને માત્ર 60,000ના ભાવે જમીન આપવાની દરખાસ્ત હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું.

મેયર-ડેપ્યૂટી મેયરની ગેરહાજરીમાં હવે સ્ટે.ચેરમેન જનરલ બોર્ડના અધ્યક્ષ

કોર્પોરેશનમાં સૌથી શક્તિશાળી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ખુરશીના પાવરમાં વધારો કરવામાં આવ્યો છે. નિયમ મુજબ શહેરના પ્રથમ નાગરિક અર્થાત મેયર મહાપાલિકામાં જ્યારે જનરલ બોર્ડ કે સ્પેશિયલ બોર્ડ-બેઠક મળતી હોય ત્યારે તેના અધ્યક્ષ હોય છે. મેયરની ગેરહાજરીમાં સભા અધ્યક્ષ પદ ડેપ્યૂટી મેટર સંભાળતા હોય છે. જો કે, આવું ખૂબ જ ઓછા કિસ્સા બને છે. છતાં ભવિષ્યમાં જો બંને ગેરહાજર હોય ત્યારે સભા અધ્યક્ષની જગ્યા ખાલી ન રહે તે માટે સ્ટેન્ડિંગમાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર અને ડે.મેયરની ગેરહાજરીમાં સભાનું અધ્યક્ષપદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંભાળશે.

ઠરાવની નકલનો ભાવ 50 પૈસામાંથી સિધો જ 2,000 કરાયો

કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને જનરલ બોર્ડની બેઠકમાં જે દરખાસ્તોને બહાલી આપવામાં આવતી હોય છે. તેની નકલ જો કોઇ વ્યક્તિને મેળવવી હોય તો છેલ્લા સાડા ચાર દાયકાથી આ નકલ માત્ર 50 પૈસામાં આપવામાં આવતી હતી. રિઝર્વ બેંકે 50 પૈસાનું ચલણ બંધ કરી દીધું હોવાને વર્ષો વિતી ગયા છે. છતાં કોર્પોરેશન દ્વારા ઠરાવની નકલ માત્ર 50 પૈસામાં આપવામાં આવતી હતી. જેમાં હવે તોતીંગ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. હવે જો કોઇ વ્યક્તિને ઠરાવની પ્રામાણીત નકલ મેળવવી હશે તો 2,000 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, આ ભાવ વધારો શહેરીજનોને સિધી અસર કરતો નથી. કારણ કે લોકોને ખૂબ જવલ્લે જ ઠરાવની નકલની જરૂરિયાત રહે છે. કોન્ટ્રાક્ટરો કે એજન્સીને નકલની જરૂરિયાત રહેતી હોય છે. આ નિર્ણયથી કોર્પોરેશનની આવકમાં વધારો થશે.

ચક્કાજામનો એપી સેન્ટર ‘રોલેક્સ રોડ’ રૂ.5.32 કરોડના ખર્ચે થશે ટનાટન

મહાપાલિકાની હદમાં ભળ્યાને આઠ વર્ષ જેવો લાંબો સમય વિતી જવા છતાં પ્રાથમિક સુવિધા આપવામાં કોર્પોરેશનના શાસકો અસફળ રહ્યા હોવાનું જગજાહેર છે. કોઠારિયા વિસ્તાર પ્રાથમિક સુવિધા માટે રિતસર તડપી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં દર વર્ષે નાગરિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવતું હતું. ધારાસભ્યનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હોવાના બનાવો બની ચુક્યા છે. ચક્કાજામના એપી સેન્ટર ગણાતા રોલેક્સ રોડને માલધારી ફાટકથી લઇ સાંઇબાબા સર્કલ સુધી ડામરથી મઢવા સહિતના અલગ-અલગ કામો માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.5.32 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જવાબદારીથી ભાગતા અને લોકોને જવાબ ન આપી શકતા વોર્ડ નં.18ના કોર્પોરેટરો આજે આ કામનો જસ લેવા માટે રિતસર નીકળી પડ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આગામી દિવસોમાં આ રોડ ટનાટન બની જશે.

શાળાના બાંધકામનો પ્રતિચોરસ ફૂટ રૂ.17,500 જેવો ફાઇવ સ્ટાર ભાવ!

શહેરના વોર્ડ નં.5માં શાળા નં.72નું નવું બિલ્ડીંગ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિચોરસ ફૂટ બાંધકામના રૂ.17,500 જેવો ફાઇવ સ્ટાર ખર્ચ આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખી દીધી છે. શાળાના નવા બાંધકામ માટેનો કોન્ટ્રાક્ટ આર.કે. ક્ધસ્ટ્રક્શનને રૂ.2.80 કરોડમાં આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે અધિકારી લેવલે અટકી જોઇતી હતી પરંતુ સ્ટેન્ડિંગમાં આવતા ખ્યાલ આવ્યો કે પ્રતિચોરસ ફૂટનો ભાવ તોતીંગ રૂ.17,500 જેટલો હતો. જેના કારણે દરખાસ્ત પેન્ડિંગ રાખવી પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.