Abtak Media Google News

અધિકારીઓ, સાધુસંતો અને આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ: લાઈટ, પાણી, સફાઈ, આરોગ્ય અને ટ્રાફિકના મુદ્દે થઈ ચર્ચા: ભારતીબાપુએ પરિક્રમા સાતમથી શરૂ કરવા અનુરોધ કર્યો

જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં દત અને દાતારની ભૂમિ તરીકે જાણીતી જગવિખ્યાત ગીરી કંદરાઓની લીલી પરીક્રમા તાજેતરમાં શરૂ થઈ રહી છે ત્યારે આ પરીક્રમાની તૈયારીના ભાગરૂપે આજે જુનાગઢ કલેકટર કચેરી ખાતે સાધુસંતો અધિકારીઓ સામાજીક સંસ્થાના આગેવાનો ઉતારા મંડળોના સંચાલકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરીક્રમા દરમિયાન લાઈટ, પાણી, સફાઈ, આરોગ્ય, સલામતી અને ટ્રાફિક અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના ભવનાથમાં આગામી તા.૩૧થી શરૂ થનારી ગિરનારની પરીક્રમાના આયોજન માટે બેઠક મળી હતી. આ બેઠકમાં મહામંડલેશ્ર્વર ભારતીબાપુએ દર વર્ષે યાત્રિકોને મુશ્કેલી વધુ પડતી હોય તેથી આ વર્ષે પરીક્રમા સાતમથી શરૂ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પરીક્રમાનો પ્રારંભ ભવનાથના માર્ગ ઉપર રૂપાયતનના પાટીયા પાસે નવા પરીક્રમામાં આવતા યાત્રિકોને આવવા જવા માટે બસ અને રીક્ષા જેવા વાહનો શોધવામાં મુશ્કેલી પડે છે. વાહનો માટે ચોકકસ સ્થળ નિયત કરવાની માંગણી પણ કરાઈ છે. તેથી આ બેઠક લગત વિભાગના અધિકારીઓને લાઈટ, પાણી, સફાઈ, આરોગ્ય ઈમરજન્સી સેવા સલામતી વગેરે અંગેની તૈયારી કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મ્યુ.કમિશનર વી.જે.રાજપુતના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં અધિક કલેકટર અંતાણી, નાયબ વન સંરક્ષક સેન્થીલ કુમાર, મહંત મહાદેવગીરીજી, મહામંડલેશ્ર્વર, ભારતીબાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.